રક્ષામંત્રી રાજનાથ સિંહ શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન – SCOની બેઠક માટે રશિયા પહોંચ્યા છે. રક્ષામંત્રી બુધવાર રાત્રે મોસ્કો પહોંચ્યા. આ દરમ્યાન તેમનો એક વીડિયો રક્ષા મંત્રાલયના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. જેમાં તેઓ રૂસના અધિકારીઓને હાથ મિલાવાની જગ્યાએ હાથ જોડીને પરંપરાગત રીતે નમસ્તે કરતા દેખાયા છે.

રક્ષામંત્રીએ એક ટ્વીટ કરી કહ્યું આજે સાંજે મોસ્કો પહોંચ્યો. કાલે પોતાના રૂસી સમકક્ષ જનરલ સર્ગેઇ શૉયગૂની સાથે દ્વીપક્ષીય બેઠકને લઇ ઉત્સાહિત છું. તેની સાથે જ તેમણે એક વીડિયો શેર કર્યો જેમાં મોસ્કો એરપોર્ટ પર તેમનું સ્વાગત જોઇ શકો છો. અહીં તેમને લેવા જનરલ બુખ્તીવ યૂરી નિકોલાઇવિચ લેવા આવ્યા હતા.વીડિયોમાં રાજનાથ સિંહની સાથે રૂસમાં ભારતીય રાજદૂત ડીબી વેંકટેશ વર્મા છે. રક્ષામંત્રીએ માસ્ક પહેરી રાખ્યું છે. તેમનું સ્વાગત કર્યા બાદ રૂસ આર્મીના વરિષ્ઠ અધિકારીએ તેમને સેલ્યૂટ કરીને હાથ મિલાવા માટે પોતાનો હાથ આગળ વધાર્યો તો રક્ષામંત્રીએ પોતાના હાથ જોડી લીધા અને ફરી તેમને નમસ્તે કર્યું. તેમણે દરેક અધિકારીનું અભિવાદન કર્યું.

ઉલ્લેખનીય છે કે SCOની બેઠક એવા સમયે થઇ રહી છે જ્યારે પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની વચ્ચે ગંભીર સરહદ વિવાદ ચાલી રહ્યો છે. સંભાવના છે કે આ મીટિંગમાં ચીનના રક્ષામંત્રી જનરલ વેઇ ફેંઝ્હે અને પાકિસ્તાનના રક્ષામંત્રી પરવેઝ ખટ્ટક પણ ભાગ લેવાના છે.