પૂર્વ કોર્પોરેટરે અંગત પ્રવાસ માટે સરકારી કાર વાપરવા અને ગેરકાયદે સાયરન લગાવવા બદલ ગુનો નોંધવા કરી હતી માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા અને વોર્ડ નંબર 11ના કોર્પોરેટર લીલુબેન જાદવને ફાળવવામાં આવેલી સરકારી કારના કથિત દુરુપયોગ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. લોક સંસદ વિચાર મંચના દિલીપભાઈ આસવાણી (પૂર્વ કોર્પોરેટર, વોર્ડ-3) અને ગજેન્દ્રસિંહ ઝાલાએ સંયુક્ત યાદીમાં આ મામલે ફરિયાદ કરી હતી. ફરિયાદીઓના જણાવ્યા મુજબ, શાસક પક્ષના નેતાએ જન સેવાને બદલે અંગત સેવા માટે સરકારી કારનો ઉપયોગ કર્યો હોવાનું ફલિત થાય છે. આ કારને ગાંધીનગર જવાને બદલે દ્વારકા, સોમનાથ અને અંબાજી સહિતના ધાર્મિક સ્થળોએ ફેરવવામાં આવી હતી. એટલું જ નહીં, આ કાર પર ગેરકાયદેસર સાયરન પણ લગાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
લોક સંસદ વિચાર મંચ દ્વારા તા. 12/09/2025ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર અને મનપા કમિશનરને લેખિત રજૂઆત કરીને પ્રજાના ખર્ચે ફાળવાયેલી મોટરકારનો દુરુપયોગ કરવા બદલ ગુનો નોંધવા અને બજાર ભાવ પ્રમાણે વેતનમાંથી પ્રવાસના નાણાંની રિકવરી કરવા અપીલ કરાઈ હતી.
આ રજૂઆતને પગલે પોલીસ કમિશનરે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને તપાસ કરી નિયમોનુસાર કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. તેના અનુસંધાનમાં તપાસનીસ અધિકારીએ એસ.ટી. બસ પોર્ટ પોલીસ ચોકીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. એસ. મહંત દ્વારા ફરિયાદી પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણીનું નિવેદન નોંધવામાં આવ્યું છે. જોકે, ફરિયાદીઓએ નિવેદન આપ્યા બાદ પણ પોલીસની તપાસ ગોકળગાયની ગતિએ આગળ વધી રહી હોવાનું જણાવી નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ચીમકી આપી છે કે જો ગુનો નોંધવામાં નહીં આવે તો આ અંગે આગામી મુખ્યમંત્રી ફરિયાદ સ્વાગત કાર્યક્રમમાં પણ ફરિયાદ કરવામાં આવશે.



