ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાને ગુજરાત- સૌરાષ્ટ્રના 60 માછીમારો અને તેમની 10 બોટનું ફરી અપહરણ કરી લીધું. છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા કુલ 13 બોટ કબજે કરી લીધી. અપહૃત માછીમારો અને બોટ અરબ સાગરમાં ઓખા અને પોરબંદરના દરિયામાંથી ઉઠાવી ગયાનું મનાય છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાન મરીને ભારતીય જળસીમામાં ઘૂસીને માછીમારો અને બોટનું અપહરણ કરવાનો એક સપ્તાહમાં ચોથો બનાવ છે. એક અહેવાલ પ્રમાણે હાલ 600 જેટલા ભારતીય માછીમારો અને 1,200 જેટલી ભારતીય બોટ પાકિસ્તાનના કબજામાં છે.
સૌરાષ્ટ્રના માછીમારોને આશંકા છે કે પાકિસ્તાની મરીન્સે એક સપ્તાહમાં 17 બોટ સાથે 100થી વધુ માછીમારોનું અપહરણ કર્યું છે. તેમાં છેલ્લા 24 કલાકમાં કુલ 13 ફિશિંગ બોટ અને 78 જેટલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે અને હજુ અપહ્યત બોટ તથા માછીમારોની સંખ્યા વધે તેવી શક્યતા છે.
- Advertisement -
પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેથી 2 ભારતીય બોટ અને 16 જેટલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન મરીને માછીમારો ભારતીય જળ સરહદમાં હોવા છતાં તેમને માછીમારી ન કરવા માટે સૂચના આપી હતી. તેમનો ભારતીય માછીમારો સાથેની વાતચીતનો ઓડિયો પણ સામે આવ્યો છે જેમાં પાકિસ્તાન મરીનના અધિકારી ભારતીય માછીમારોને પાછા વળી જવાનો ઓર્ડર કરી રહ્યા છે. જોકે માછીમારોના કહેવા પ્રમાણે તેઓ ભારતીય જળસીમાની 10 કિમી અંદર તરફ માછીમારી કરી રહ્યા હતા અને ખોટી રીતે દબાણ કરીને અપહરણ કરવામાં આવ્યું છે.