સરકારી જમીન પર બબ્બે ગૌ શાળા બની જતા તંત્ર હરકતમાં આવ્યું
આ અંગેનો અહેવાલ ખાસ-ખબર દ્વારા 10 નવેમ્બરે પ્રસિદ્ધ કરાયો હતો
- Advertisement -
રાજકોટ જિલ્લા કલેકટરે પ્રાંત અધિકારીને તપાસ સોંપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં સરકારી જમીન ઉપર વધુ એક દબાણ સામે આવ્યું છે. જેમાં શહેરના કુવાડવા હાઈવે પર સરકારી ખરાબાની જગ્યા ઉપર ગૌશાળા શરૂ થઈ ગયાનું સામે આવ્યું છે. સોનાની લગડી જેવી કરોડો રૂપિયાની સરકારી જગ્યા પર શ્રી સિધ્ધાર્થ ગૌશાળા અને વિધાતા ગૌ શાળા શરૂ કરી દેવાઈ છે ત્યારે આ સમગ્ર મામલાને લઈને જિલ્લા કલેકટર દ્વારા પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. જે તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે કે કેટલી કિંમતની કેટલી જગ્યા ઉપર દબાણ કરવામાં આવ્યું છે અને કેટલા સમયથી અહીં સરકારી ખરાબા પર દબાણ છે? જોકે, સરકારી જમીન પચાવી પાડવાનો મોટો કારસો ખૂલ્લો પડ્યો છે. રાજકોટ શહેર પ્રાંત – 2 અધિકારી મહેક જૈને જણાવ્યું હતું કે, કુવાડવા હાઈ-વે પર સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર દબાણ સ્વરૂપે બે ગૌશાળા તૈયાર થઈ ગઈ હોવાનું જાણવા મળતા જિલ્લા કલેકટરના હુકમથી તપાસ શરૂ કરવામાં આવી છે અને કુવાડવા સર્કલ ઓફિસર હાલ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેમના જણાવ્યા પ્રમાણે, કુવાડવા હાઈ-વે પર સરકારી ખરાબાની જગ્યા પર 2 ગૌશાળાનું નિર્માણ થયું છે. જે ગેરકાયદેસર છે. જેથી કુવાડવા સર્કલ ઓફિસર આ સમગ્ર મામલાનો રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. જે રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે કેટલી કિંમતની સરકારી ખરાબાની જગ્યા ઉપર ગૌશાળાનું દબાણ કરવામાં આવેલું છે.



