રાજકોટ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીની કામગીરી: લાભાર્થી દીકરીઓને જુદા જુદા તબક્કામાં કુલ ૧.૧૦ લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવાશે
મહિલા સશક્તિકરણના ભાગરૂપે દીકરીઓના જન્મદરને વધારવા તેમજ શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તેમજ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે વહાલી દિકરી યોજના અમલમાં મૂકી છે. વર્ષ ૨૦૧૯માં મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ યોજનાનો પ્રારંભ રાજકોટ ખાતેથી થયો હતો.
- Advertisement -
આ યોજનાને સમગ્ર રાજ્યમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ કરતી આ યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક અમલમાં છે.
રાજકોટ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ અધિકારી ડો. જનકસિંહ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં આ યોજનાની અમલવારી માટે વ્યાપક કામગીરી કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં ૪૫૦૦થી વધુ વહાલી દીકરી યોજનાની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
આ યોજનામાં રાજ્ય સરકાર દ્વારા દીકરી પ્રથમ ધોરણમાં આવે ત્યારે રૂપિયા ૪ હજાર, ધો. ૯માં પ્રવેશ અપાય ત્યારે રૂ ૬ હજાર અને અઢાર વર્ષની ઉંમરે શિક્ષણ અને લગ્ન સહાય રૂપે રૂ. ૧ લાખની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. આમ લાભાર્થી પરિવારની લાભાર્થી દીકરીને કુલ રૂપિયા ૧.૧૦ લાખની સહાય મળશે. ૩ દીકરી સુધી લાભ મળવાપાત્ર છે.
- Advertisement -
આમ અત્યાર સુધી જે અરજીઓ મંજૂર કરવામાં આવી છે તે પ્રમાણે ૪૫૦૦થી વધુ લાભાર્થી દીકરીઓને જુદા જુદા તબક્કામાં રૂપિયા ૧.૧૦ લાખ લેખે કુલ ૪૯ કરોડ થી વધુ ની સહાય મળવાપાત્ર થશે.
રાજકોટ જિલ્લામાં ૪૫૦૦થી વધુ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. તેમાં રાજકોટ શહેરની ૧૯૧૭, ગોંડલ તાલુકાની ૫૬૬, જેતપુર તાલુકાની ૫૭૩, ધોરાજી તાલુકાના ૩૨૩, ઉપલેટા તાલુકાની ૩૩૬, જામકંડોરણા તાલુકાની ૧૩૧, કોટડા સાંગાણી તાલુકાની ૧૩૨, જસદણ તાલુકાની ૨૦૫, વિછીયા તાલુકાની ૧૭૫, લોધિકા તાલુકાની ૩૧,પડધરી તાલુકાની ૪૭ તેમજ રાજકોટ તાલુકાની ૭૩ મળી કુલ ૪૫૦૯ અરજીઓનો સમાવેશ થાય છે.


