ઈશ્વર પ્રાપ્તિના માર્ગ પર ચાલવું હોય તો શ્રધ્ધા એ પાયાની જરૂરિયાત છે. શ્રદ્ધાની વાતને એક દૃષ્ટાંત દ્વારા સમજાવી શકાય. આપણે જ્યારે ભારતમાંથી વિદેશમાં જઈએ છીએ ત્યારે ત્યાં રૂપિયાનું ચલણ ચાલતું નથી. આપણે ત્યાંની કરન્સી લેવી પડે છે.
અમેરિકા જઈએ તો ડોલર અને ઇંગ્લેન્ડ જઈએ તો પાઉન્ડ ખરીદવા પડે છે. આ દેશોમાં આપણે શોપિંગ કરવા જઈએ અને રૂપિયા આપીએ તે ચાલશે નહીં. ત્યાં ની કરન્સી અલગ છે. આવું જ આધ્યાત્મ અને ધર્મના જગતનું હોય છે. આપણાં રોજિંદા વ્યવહારમાં આપણે સાબિતીઓ અને પુરાવાઓ માંગતા રહીએ છીએ. કારણ કે દુન્યવી વ્યવહારનું એ ચલણ હોય છે પરંતુ અધ્યાત્મ અને ધર્મના વિશ્વમાં એ ચલણ ચાલતું નથી. ત્યાં શ્રદ્ધાની કરન્સી નોટ જ ચાલે છે એટલે આપણે સાબિતી, પુરાવા, તર્ક, વિજ્ઞાન આ બધા જ ચલણોને વટાવીને શ્રધ્ધાની કરન્સી ખરીદવી પડે છે એ પછી જ આપણે ધર્મના વિશ્વમાં ફરી શકીએ.