કાર્તિક મહેતા
કહેવાય છે કે શેર બજારની કમાણી શેર બજારમાં સમાણી.. શેર બજારમાં ફાસ્ટેસ્ટ રૂપિયા રળવાનો રસ્તો છે : ટ્રેડિંગ.. પણ 2020 થી 22 સુધી ભારતીય ટ્રેડર્સ એ અબજો રૂપિયા ગુમાવ્યા.. આ વાતને ધ્યાનમાં લઈને, સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડીયા, જે ભારતમાં સ્ટોક માર્કેટના નિયંત્રણ માટેની સંસ્થા છે) એ દરેક સ્ટોક બ્રોકર માટે એક નિયમ બનાવ્યો કે જ્યારે ડિમેટ એકાઉન્ટ ધારક (ઇન્વેસ્ટર /ટ્રેડર) ખાતામાં લોગ ઈન કરે એટલે એને એક મેસેજ ડિસ્પ્લે થવો જોઈએ. આ મેસેજ એવો હતો કે “ભારતમાં દસમાંથી નવ ટ્રેડર્સ (બહુ સરળ ભાષામાં કહીએ તો સટ્ટો કરવા વાળા) ખોટ કરે છે, આ માર્કેટ રિસ્કી છે એટલે રિસ્કને ધ્યાને લઇને નાણાં નાખવા.”
- Advertisement -
એકચ્યુલી 2019 થી 2022 સુધી ભારતમાં થયેલ ટ્રેડિંગ નો ડેટા સેબી દ્વારા ચકાસવામાં આવ્યો તો ઘટસ્ફોટ થયો કે નેવ્યાસી ટકાથી વધારે ટ્રેડર ખોટ કરતા હતા. એટલે કે દસમાંથી નવ લોકો ખોટ કરતા હતા પણ એમ છતાં પૈસા ઓર્યે જતા હતા. ટોપ દસ ટકા લોકો જ મોટાભાગનો પ્રોફિટ ખાઈ જતા હતા. એમની કમાણી એટલી તોતિંગ હતી કે ભલભલાને ઈર્ષા થઈ જાય. જ્યારે એવરેજ ઇન્વેસ્ટર વર્ષે દહાડે કમસે કમ લાખ દોઢ લાખ રૂપિયાનો લોસ કરતો હતો ત્યાં આ લોકો કરોડો (ખરેખર તો અબજો) રૂપિયા છાપી લેતા હતા.
પણ કોણ હતા આ લોકો???
વેલ, ટેકનિકલી જોવા જાવ તો આ કોઈ “લોકો” નહોતા. આ હતા કમ્પ્યુટરના પ્રોગ્રામ !!
મતલબ એમ કે ભારતના લાખો લોકો ટ્રેડિંગ (ઓપ્શન અને ફ્યુચર પ્રકારના સોદાઓ)માં ખોટ કરતા હતા ત્યારે સામે કોઈ કમ્પ્યુટરમાં નાખેલો પ્રોગ્રામ જાતે જાતે ખણખણીયા પાડતો હતો!!
વાર્તાની શરૂઆત થાય છે લગભગ 2010થી.. ભારતની ટોચની એન્જિનિયરિંગ શિક્ષણ સંસ્થાઓ જેવીકે આઇઆઇટી અને એન આઇમાં અમુક એવી કંપનીઓ આવવા લાગી કે જે ખરેખર એન્જિનિયરિંગ સાથે સંકળાયેલી નહોતી. એમનું ક્ષેત્ર સ્ટોક માર્કેટ રિસર્ચ, ફાઈનાંસિંગ વગેરે હતું.. પણ એમ છતાં આ કંપનીઓ બહુ તગડા પગાર આપીને એકદમ ટોચના વિદ્યાર્થીઓને પોતાને ત્યાં રાખવા લાગી.
ટાવર રિસર્ચ કેપિટલ, જેન સ્ટ્રીટ, સીટાડેલ વગેરે જેવી અમેરિકન કંપનીઓ એ ભારતના અમુક ટોચના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને તગડા પગારે રાખ્યા. આ વિદ્યાર્થીઓ જેવા તેવા તો હોય નહિ. આ ખાંખતિયા દિમાગો આ કંપનીઓમાં રહીને ગણિત, આંકડાશાસ્ત્ર, ડેટા સાયન્સ ઉપર કામ કરતા અને એના દ્વારા ભારતના (અને અન્ય દેશોના) સ્ટોક માર્કેટમાં એકદમ ફાસ્ટ ટ્રેડિંગ કરીને મબલખ નાણાં કેમ બનાવી શકાય એની સ્ટ્રેટેજીસ બનાવે. આ જે સ્ટ્રેટેજીસ હોય તેના થકી કમ્પ્યુટર પ્રોગ્રામ બનાવવામાં આવે અને પ્રોગ્રામની મદદથી દિવસમાં લાખોની સંખ્યામાં સોદા પાડીને આ કંપનીઓને જે નફો થાય તે એવો હોય કે ભલભલાને ઈર્ષ્યા થઈ જાય.. આ જે આખો ક્રિયા કલાપ છે એને કહેવાય : હાઇ ફ્રિકવનસી ટ્રેડિંગ, ટુંકમાં એચ એફ ટી.
- Advertisement -
આજે ભારતની ટોચની શિક્ષણ સંસ્થાઓથી બહાર પડતાં ભેજાબાજ વિદ્યાર્થીઓની કારકિર્દીની પહેલી પસંદ એટલે એચ એફ ટી !!! ટુંકા ગાળામાં મબલખ નાણાં મળે અને પછી નાણાકીય સ્વતંત્રતા મળતા માત્ર ચાલીસ વર્ષની ઉમરે નિવૃત્તિ !! બાકીની લાઇફ આરામ અને મનગમતી પ્રવૃત્તિ … .
છેલ્લા પંદર વર્ષથી ભારતમાં હાઈ ફ્રિકવનસી ટ્રેડિંગ પેઢીઓ કાર્યરત છે. ભારતનું શેરબજાર દુનિયાનું સહુથી મોટું ટર્ન ઓવર કરતુ શેર બજાર છે. સરળતાથી નાણાં મળતા હોય તો એના તરફ કોણ ના આકર્ષાય? એટલે યુવાન થી લઈને વૃદ્ધો સુધી સહુકોઈ શેર બજારમાં નાણા રોકવા આકર્ષાય છે. પણ વધુ લાલચ ઉપર જેમનો કાબૂ નથી તેઓ સટાબાજી તરફ આકર્ષાઈ જાય છે. ડેરિવેટીવ તરીકે ઓળખાતા ફ્યુચરસ અને ઓપ્શનસ (રીિીંયિત ફક્ષમ જ્ઞાશિંજ્ઞક્ષત) સોદાઓ ખૂબ રીસ્કી હોય છે , એટલે સ્વાભાવિક છે કે એમાં મળતુ વળતર પણ જંગી હોવાનો ! આ વળતર જોઈને અનેકના મોઢામાં પાણી આવી જાય છે. પોતાને “વિદ્વાન” સમજતા કે સૂંઠને ગાંગડે ગાંધી બની બેઠેલા લોકો આવા સોદાઓમાં ઝંપલાવે છે. ખાસ કરીને કોરોના કાળ બાદ મોટી માત્રામાં લોકોએ આ પ્રકારના સોદામાં ટ્રેડિંગ કરવાનું શરૂ કર્યું. પણ આ સોદાઓ ને સમજવા અને એમાંથી નફો કમાવો કાચા પોચાનું કામ નથી, જુગારી મગજ ધરાવતા લોકો થોડું કમાઈને અનેક ગણું ગુમાવે છે અને પોતાના હાથ દઝાડીને બજારને સદા માટે “રામ રામ” કરી દે છે. એમાં ઘણા એવા નરબંકા પણ હોય છે જે હાર માનતા નથી અને છેવટે પાયમાલ થઈ જાય છે. (હાર માને ઇ બીજા !! )
ડેરીવેટિવમાં ટ્રેડિંગ જો સીધું પાર પડે તો ખૂબ જ નફો કમાઈ આપે છે. પણ આ “તો” નું વજન તોંતેર મણ છે. સેબી એ 2019 થી 2022 સુધીના ડેટાનું એનાલીસિસ કરીને પચાસેક પાનાનો રિપોર્ટ બહાર પાડ્યો એમાં સ્પષ્ટ તારણ તારવ્યું કે નેવુ ટકા લોકો ટ્રેડિંગમાં મસમોટા લોસ કરે છે, ખોટ ખાય છે.
પણ, જે દસ ટકા લોકો અઢળક કમાણી કરે છે તે કોણ છે ? એમાંથી સિંહભાગ છે આ કંપનીઓનો.. જે ભારતમાં બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓને ઊંચા પગારે રોકીને હાઈ ફ્રિકવનસી ટ્રેડિંગ માટેના પ્રોગ્રામ બનાવે છે. આ કંપનીઓ જે કરે છે એમાં કશું ગેરકાયદેસર નથી. તેઓ જૂના ડેટાનો ઉપયોગ કરીને એવી સ્ટ્રેટેજીસ ઘડી કાઢે છે જેના થકી તેઓ અચૂક નફો રળી શકે છે.
પરંતુ , આવી હાઈ ફ્રિકવનસી ટ્રેડિંગ પેઢીઓ પૈકી એક પેઢીને સેબી દ્વારા ગયે મહિને પ્રતિબંધિત કરવામાં આવી હતી.કેમકે એમણે ભારતની પ્રમાણમાં નબળી રેગ્યુલેટરી પોલીસી નો લાભ લઈને બેંક નિફ્ટી જેવા ઇન્ડેક્સને રીતસર “હેક” કરી લીધેલો અને ઓપ્શન માં મોટી મોટી પોઝિશન બનાવીને કરોડો (હજારો કરોડ) નો નફો રળી લીધો હતો. આ પ્રતિબંધ બાદ એ કંપનીએ લગભગ પાંચેક હજાર કરોડ રૂપિયા ભરતા પ્રતિબંધ દૂર થયો હતો, અલબત્ત અમુક શરતો સાથે.. આ કંપની એટલે એ જ જેન સ્ટ્રીટ જે ભારતીય ભેજાઓને ઊંચા પગારે રોકતી આવી છે.
આજે ભારતમાં આ કંપનીઓ કાર્યરત છે અને વિસ્તરી રહી છે. ડેટા સાયન્સનું ફલક વિકસતા આજે એમનું કામ ઓર ધારદાર અને અસરદાર બન્યું છે.
ખબર છે, એમની આ ધમાકેદાર સફળતા પાછળ શું કામ કરે છે ? એની પાછળ કામ કરે છે : ગણિત, વિશુદ્ધ ગણિત. કોઈ જુગાર નહિ, ચોખ્ખું ગણિત !!
એકવીસમી સદીનું સહુથી પાવરફુલ શાસ્ત્ર આંકડા શાસ્ત્ર છે. આંકડા શસ્ત્રથી અનેક સમસ્યાઓ સુલઝાવી શકાય છે. આર્તિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ખૂંખાર ટેકનોલોજી આંકડાશાસ્ત્ર ઉપર આધારિત છે.
જુગાર માટે એમ કહેવાય છે કે રમનારો જીતે કે હારે, રમાડનારો હમેશા જીતે છે.. પણ આંકડાશાસ્ત્ર અને ગણિતના અન્ય પ્રકારોના જાણકારો સાબિત કરી રહ્યા છે કે : રમનારો પણ ચોક્કસ રીતે જીતી શકે છે, જો એને આંકડાશાસ્ત્ર અને કમ્પ્યુટર પ્રોગ્રામિંગ આવડતું હોય તો !!!!