બસ પોર્ટ, રેલવે સ્ટેશનમાં ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા જડતી લેવાઈ
DCP ક્રાઇમની રાહબરીમાં ક્રાઇમ બ્રાન્ચ, SOG, LCB દ્વારા કોમ્બિંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાત સંપૂર્ણ હાઈ એલર્ટ પર છે. બ્લાસ્ટ બાદ અમદાવાદ-ગાંધીનગરથી લઈને રાજકોટ રેન્જના પાકિસ્તાન સાથે દરિયાઈ પટ્ટી ધરાવતા 5 જિલ્લા સહિત રાજ્યભરમાં પોલીસે સઘન ચેકિંગનો ધમધમાટ શરૂ કરી દીધો હતો તે ઉપરાંત રાજકોટમાં પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી રાત્રે બસ પોર્ટ, રેલવે સ્ટેશન સહિતના ભીડવાળા સ્થળોએ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની ટુકડીઓ દ્વારા ડીસીપી ક્રાઇમની રાહબરીમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ શહેરના મુખ્ય ચોક ખાતે વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતને હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું આ બ્લાસ્ટ બાદ ગુજરાત IGએ ટ્વીટ કરીને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી તેમજ તમામ શહેર-જિલ્લાના સીપી, એસપી, ડીવાયએસપીને મેદાનમાં ઉતરીને ચેકિંગ કરવા સૂચના આપી હતી દરમિયાન રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયાના માર્ગદર્શન હેઠળ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં બસ પોર્ટ ખાતે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી, એ ડિવિઝન પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું જો કે કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી ન હતી આ તકે બાંગરવાએ કોઈપણ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તુરંત પોલીસને જાણ કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત ડીસીપી ઝોન 1 હેતલ પટેલ અને ડીસીપી ઝોન 2 રાકેશ દેસાઈની રાહબરીમાં બંને ઝોન હેઠળના પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને મુખ્ય રસ્તાઓ અને ચોક ઉપર મોડી રાત સુધી વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ રેલવે સ્ટેશન ખાતે જીઆરપી અને આરપીએફ દ્વારા પણ ચેકીંગ હાથ ધરાયુ હતું.
સંદિગ્ધ વ્યક્તિ કે વાહન વિષે પોલીસને જાણ કરો : રેન્જ IG અશોકકુમાર યાદવ
રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે, રાજકોટ રેન્જના 5 જિલ્લાને એલર્ટ કરાયા છે. પાકિસ્તાનીઓ ઘૂસણખોરી ન કરે તે માટે દરિયા કિનારા વિસ્તારોમાં ખાસ એલર્ટ અપાયું છે. દ્વારકા , જામનગર અને મોરબી જિલ્લામાં સૌથી વધુ ચેકીંગ હાથ ધરાયુ છે. રાજ્યમાં હાલમાંજ 3 આતંકીઓ પકડાયા બાદ પણ સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, દ્વારકા અને જામનગરમાં એલર્ટ અપાયું હતું . કોઈપણ સંદિગ્ધ વ્યક્તિ કે વાહન જણાઈ તો સ્થાનિક પોલીસને જાણ કરવા રેન્જ આઇ.જી.એ અપીલ કરી છે. ઈઈઝટના આધારે પણ સર્વેલન્સ અને ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.



