જજોની નિમણુક માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી
કહેવું તો ઘણું છે, પરંતુ અત્યારે ચૂપ છું, પણ બેસી નહીં રહું : ન્યાયાધીશ કૌલ, હવે દર 10 દિવસે કેસની સુનાવણી
ખાસ-ખબર સંવાદદાતા
હાઈકોર્ટના જજોની નિમણૂક અંગે અંગે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર લાંબા સમયથી આમને સામને છે. સુપ્રીમ કોર્ટની કોલેજિયમની ભલામણો પેન્ડિંગ રહેવાથી સર્વોચ્ચ અદાલતે મંગળવારે ન્યાયાધીશોની નિમણૂકમાં વિલંબ મુદ્દે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પર કોલેજિયમની 70 ભલામણો 10 મહિનાથી દબાવીને બેસી રહેવાનો આરોપ મૂક્યો હતો. બેન્ચે ઓપન કોર્ટમાં એટર્ની જનરલને ખખડાવતા કહ્યું કે, હવેથી તેઓ દર 10 દિવસે આ કેસ પર સુનાવણી કરશે. આ સમયે ન્યાયાધીશ કૌલે ચેતવણી આપતા કહ્યું કે તેમને કહેવું તો ઘણું છે, પરંતુ હાલ ચૂપ રહે છે. જોકે, આગામી સુનાવણીથી તે ચૂપ નહીં રહે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો સંજય કિશન કૌલ અને સુધાંશુ ધુલિયાની બેન્ચ બેંગ્લુરુના વકીલોની એક સંસ્થા સાથે એનજીઓ કોમન કોઝની રીટ પર સુનાવણી કરતી વખતે ગુસ્સે થઈ ગઈ હતી. એનજીઓ તરફથી વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટને કહ્યું કે કોલેજિયમની 70 ભલામણો હજુ સુધી કેન્દ્ર પાસે પેન્ડિંગ છે, તેમાંથી કેટલીક બાબતો ઘણી જ સંવેદનશીલ છે. આ સમયે તેમણે મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખાલી પડેલી જગ્યા તરફ ઈશારો કર્યો હતો. હિંસાનો સામનો કરી રહેલા મણિપુરમાં કોલેજિયમની ભલામણ પછી પણ નવા મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરાઈ નથી. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, તેઓ આ કેસનું ઝિણવટપૂર્ણ નિરીક્ષણ કરી રહ્યા છે. ન્યાયાધીશ કૌલે તો ત્યાં સુધી કહી દીધું કે તેમની પાસે કહેવા માટે તો ઘણું બધું છે, પરંતુ હાલ પોતાની જાતને રોકી રાખી છે. ન્યાયાધીશ સંજય કિશન કૌલ અને ન્યાયાધીશ સુધાંશુ ધૂલિયાની બેન્ચ કેન્દ્ર સરકાર તરફથી હાઈકોર્ટમાં ન્યાયાધિશોની નિમણૂક માટેના નામોને મંજૂરી આપવામાં વિલંબનો આક્ષેપ કરતી અરજીઓ પર સુનાવણી કરી રહ્યા છે.