RTOના ધક્કામાંથી વાહનચાલકોને મળશે મુક્તિ
પસંદગીના નંબરનું લિસ્ટ પણ ડીલર્સ બતાવશે: મનગમતા નંબર માટે રાહ નહીં જોવી પડે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં આગામી 1 જુલાઇથી તમામ વાહનોના રજીસ્ટ્રેશનથી લઇને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શો-રૂમમાંથી કરવામાં આવનાર છે. જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ તુરંત જ વાહનમાં નંબર પ્લેટ પણ લાગી જશે. જેને લઇને આરટીઓ દ્વારા ડીલર્સને તાલીમ આપવાનું આયોજન કરાયું છે. પ્રથમ તબક્કાની તાલીમ પૂર્ણ થઇ ગઈ છે અને આવનારા દિવસોમાં તબક્કાવાર તાલીમ આપવામાં આવશે.
તાજેતરમાં જ મોટર વ્હીકલ એક્ટમાં આવેલા સુધારા મુજબ ડીલર ખાતેથી જ વાહનોના ફાળવવામાં આવશે. આ પહેલા આરટીઓમાંથી જ વેરિફાઇ અને એપ્રુવલની કામગીરી થતી હતી અને આરટીઓમાંથી નંબર એલોટમેન્ટ થતાં હતા. જે હવેથી ફુલ્લી બિલ્ટના વાહનોના નંબર ડિલર કક્ષાએથી જ વાહનોની ફી અને ટેક્ષ ભર્યાં બાદ તુરંત જ ફાળવી દેવામાં આવશે. ડીલર કક્ષાએથી નંબર ફાળવણી થયા બાદ આરટીઓમાંથી દસ્તાવેજોની ચકાસણી અને કાયદા મુજબ ફી અને ટેક્ષ ભર્યો છે કે, નહીં તેની ચકાસણી કરવામાં આવશે.
નોંધનીય છે કે, કોઈપણ વ્યક્તિ વાહન ખરીદે ત્યારબાદ નવા વાહનના દસ્તાવેજો રજિસ્ટ્રેશન માટે આરટીઓ કચેરીમાં ઓનલાઇન મોકલવામાં આવે છે, જેની ખરાઈ થયા બાદ આરટીઓ કચેરી તેનો નિકાલ કરીને નંબર ફાળવે છે. આ નંબરની એચએસઆરપી તૈયાર કરવા નંબર પ્લેટ કંપનીમાં વાહન ડીલર નંબરની યાદી મોકલી આપે છે. નંબર પ્લેટ તૈયાર થઈને આવે ત્યાર બાદ વાહન માલિકને જાણ કરાય છે આ સમગ્ર પ્રોસેસમાં એક સપ્તાહ જેટલો સમય લાગે છે. પસંદગીના નંબર હોય તો તેમાં વધુ સમય જાય છે પણ હવે આ માટે પણ રાહ જોવી પડશે નહીં.
- Advertisement -
ખાસ પસંદગીના નંબર માટેની હરાજીમાં ફાળવાઇ ગયેલા નંબર સિવાયના કોઇ નંબર માટે ગ્રાહકની કોઇ પસંદગી હોય તો તે ડીલર્સને ત્યાં કમ્પ્યુટર સિસ્ટમમાં જ નંબર જોઇ શકાશે. જરૂરી ફી ભર્યાં બાદ તે નંબર તેને મળી રહેશે. જ્યારે પસંદગી સિવાયના નંબર ડીલર્સ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયાથી મેળવી લેશે.



