ઉત્તીર્ણ થનાર ઉમેદવારોની લેખિત પરીક્ષા ૧૪ ઓગસ્ટે યોજાશે
આગામી તા. ૧૯, ૨૦, ૨૨ અને ૨૫ જુલાઇ દરમિયાન પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજકોટ ઝોનની ૨૦ નગરપાલિકાઓની ફાયર સર્વિસીઝની ૧૯૬ જગ્યાઓ માટેની શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ૧૧૯૮ ઉમેદવારોની શારિરીક ક્ષમતાની ચકાસણીનો કાર્યક્રમ યોજાશે જેમાં તરણ, દોડ , ઊંચી અને લાંબી કૂદ, રોપ ક્લાઇમ્બીંગ વગેરે જેવી શારીરિક કસોટીનો સમાવેશ થાય છે. અને આ કસોટીમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોની લેખિત પરીક્ષા ૧૪ ઓગસ્ટ-૨૦૨૧ના રોજ યોજાશે.
આ અંગેની વિગતો આપતા રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનર વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે રાજકોટ ઝોનની ૬ નગરપાલિકાઓ ભુજ-મોરબી-ગોંડલ-કાલાવડ-પોરબંદર-ખંભાળિયા ઉપરાંત અન્ય ૧૪ મળીને કુલ ૨૦ નગરપાલિકાઓની ફાયર સર્વીસીઝની ૧૯૬ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં નિયત માપદંડો પૂર્ણ કરતા ઉમેદવારોની ચકાસણી કરતા કુલ ૧૧૯૮ ઉમેદવારો શારીરિક કસોટી માટે માન્ય થયેલ હોવાથી આ તમામ ઉમેદવારોની શારીરિક કસોટી પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ૧૯ થી ૨૫ જુલાઇ દરમ્યાન યોજાશે. આ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને એપ્રુવ કરવા માટે ૨૭ જુલાઇના રોજ પસંદગી સમિતિની બેઠકો યોજાશે, જેના આધારે શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા ૧૪ ઓગસ્ટે યોજાશે આ લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને મેરિટના આધારે પસંદગી કરવા ૧૯ ઓગસ્ટના રોજ તમામ નગરપાલિકાઓ ખાતે પસંદગી સમિતિની બેઠક યોજાશે અને પસંદ થયેલા ઉમેદવારોને સંબંધિત નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા નિમણૂક હુકમ એનાયત કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરવા માટે પ્રાદેશિક કમિશનર કચેરીના ચીફ ઓફિસર વર્ગ-૧ અને નોડલ ઓફિસર તરીકે અન્ય નગરપાલિકાના ચીફ ઓફિસર વર્ગ-૧ને શારીરિક કસોટીના નોડલ ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવેલ છે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતા રાજકોટ ઝોનની વીસ નગરપાલિકાઓને ૧૯૬ ફાયર અધિકારીઓ-કર્મચારીઓ ઉપલબ્ધ થશે, જેનાથી નગરપાલિકાઓની અગ્નિશમન સેવા વધુ સુદ્રઢ બનશે, અને નગરપાલિકા વિસ્તારના નાગરિકોને આગના બનાવો સામે વધુ સારી સલામત સુરક્ષા પ્રદાન કરી જાનમાલની હાનિ અટકાવી શકાશે.


