અસલી PIએ 63 લાખનો નકલી કેસ ઊભો કર્યો
ટંકારાની હોટલ રેડમાં આરોપીનું નામ બદલી સેટિંગ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના નામાંકિત ઝવેરી ભાસ્કર પારેખ સહિતના લોકોને 63 લાખના જુગારના નકલી કેસમાં ફસાવી 51 લાખનો તોડ કરવા બદલ ટંકાર પોલીસ મથકના તત્કાલીન પોલીસ ઇન્સપેક્ટર વાય.કે. ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સામે મોરબી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ તંત્રના ઇતિહાસમાં આટલી મોટી રકમનો તોડ થવા મામલે તપાસ બાદ ફરિયાદ દાખલ થઇ હોવાનો આ પ્રથમ બનાવ છે. આ સમગ્ર તોડકાંડ કેવી રીતે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય અને Dy.SP કામરીયા દ્વારા બહાર લાવવામાં આવ્યો તે આપને જણાવીએ.
તાજેતરમાં ટંકારાના પી.આઇ. વાય.કે. ગોહિલ કચ્છમાં ભાજપના એક હોદ્દેદારના ત્રણ કાર્યકરોને ઉઠાવી જઇ તોડ કરવામાં આવ્યાની વાત રાજ્યના ગૃહ વિભાગ સુધી પહોંચી હતી. જેથી ગૃહ વિભાગ દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલ (જખઈ)ના વડા નિર્લિપ્ત રાયને આ સમગ્ર મામલે તપાસ કરવા જણાવવામાં આવ્યું. જેથી નિર્લિપ્ત રાયે તપાસ સંભાળી લીધી અને આ તોડ ટંકારના પી.આઇ. વાય.કે. ગોહિલ દ્વારા કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેમણે આ અંગે વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે પી.આઇ. ગોહિલ સામે તો મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા કમ્ફર્ટ રિસોર્ટમાં જુગારના એક કેસમાં તોડ કર્યા અંગે ખાતાકિય તપાસ સોંપવામાં આવેલી છે. આ અંગે નિર્લિપ્ત રાય દ્વારા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને રિપોર્ટ કરવામાં આવ્યો. જેથી વિકાસ સહાયે નિર્લિપ્ત રાયને આ કેસમાં તમે જાતે સ્થળ પર જઇને આ કેસમાં તપાસ કરો તેવો આદેશ આપવામાં આવ્યો.
તેથી નિર્લિપ્ત રાય જખઈની ટીમ સાથે મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારા ખાતે આવેલ કમ્ફર્ટ રિસોર્ટ પહોંચ્યા હતા. આ એ રિસોર્ટ છે જ્યાં ટંકારા પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર વાય.કે. ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી દ્વારા તા.26/10/2024ના રોજ રાત્રિના આશરે 11:15 વાગ્યે રૂમ નં.105માંથી તીરથ અશોકભાઈ ફળદુ, નિતેષભાઈ ઉર્ફે નીતિન નારણભાઈ ઝાલરિયા, ભાસ્કર પ્રભુદાસ પારેખ, વિમલ રામજીભાઈ પાદરિયા, રઘુવિરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ તથા શૈલેષ ગંગદાસભાઈ ઠુંમર ટાઇમપાસ માટે કોઇનથી જુગાર રમતા હતા. તેમજ ગોપાલ રણછોડભાઈ સભાડ તથા ચિરાગ રસિકભાઈ ધામેચા કમ્ફર્ટ રિસોર્ટના પાકિંગમાં પાર્ક કરેલી ફોચ્ર્યુનર નં.GJ-03-KC-1400માં બેઠા હતા. એ દરમિયાનPI વાય.કે.ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીએ પંચનામા-ફરિયાદમાં ખોટી હકીકત દર્શાવી ખોટા દસ્તાવેજી પુરાવાઓ બનાવી/ઊભા કરી કાર સહિતનો 63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનો કેસ દાખલ કરી એને કોર્ટમાં મોકલી આપી એનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. ટંકારા પહોંચેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કમ્ફર્ટ રિસોર્ટ જુગાર કેસમાં આરોપીઓ અને આ કેસમાં કાર્યવાહી દરમિયાન હાજર પોલીસકર્મીઓના નિવેદન લેવાનું શરુ કર્યું. તો ચોંકાવનારી વિગતો સામે આવી કે ઙઈં વાય.કે.ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીએ આ કેસના આરોપીઓ પાસેથી 51 લાખ રુપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. આ તોડ પોલીસ દ્વારા મીડિયામાં આરોપીઓના ફોટા નહીં આપવા અને ખોટા નામ આપવા, આરોપીઓના ફોન જપ્ત નહીં કરવા, માર નહીં મારવા, આ કેસમાં વધુ વિગતો નહીં ખોલવા અને આરોપીઓને કસ્ટડીમાં સુવિધાઓ પુરી પાડવાના નામે લેવામાં આવ્યા હતા.
- Advertisement -
8 ડિસેમ્બરે PI અને હેડ કૉન્સ્ટેબલની સસ્પેન્ડ-બદલી કરાઈ
સ્ટેટ મોનિટરિંગ સેલની સમગ્ર તપાસ બાદ હવે પોલીસ ઇન્સપેક્ટર વાય.કે. ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સામે ભ્રષ્ટાચાર અટકાવવાના અધિનિયમ સહિતની કલમો હેઠળ 51 લાખ રુપિયાનો તોડ કર્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આ મામલે પી.આઇ. ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સસ્પેન્ડ કરી તેમની બદલી અનુક્રમે અરવલ્લી અને દાહોદ કરવામાં આવી છે. રાજ્યમાં તોડકાંડની શંકામાં તપાસ બાદ 51 લાખ રુપિયાનો તોડ કર્યાની ફરિયાદ નોંધાઇ હોય તેવી આ પ્રથમ ઘટના છે.