રાજ્ય જેલવડાને કરી લેખિત રજુઆત : જેલ અધિક્ષક પર સાંઠગાંઠ અને સુવિધાના લગાવ્યા આક્ષેપ
મને અથવા મારા પરિવારને નુકસાન પહોંચાડે એવી પુરી દહેશત : મનીષ ખૂંટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રીબડાના ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે કારણ કે, મૃતક અમિતના ભાઈ મનીષ ખુંટ દ્વારા રાજ્ય જેલ વડાને લેખિત રજુઆત કરી અનિરુદ્ધસિંહની જેલ બદલીની માંગ કરવામાં આવી છે. આ રજુઆતમાં જૂનાગઢ જેલ અધિક્ષક સાથે અનિરુદ્ધસિંહની સાંઠગાંઠ હોવાના આક્ષેપ સાથે બેરેકમાંથી મોબાઈલ મળ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
મૃતક અમિત ખૂંટના ભાઈ મનીષ ખુંટ દ્વારા રાજ્ય જેલ વડાને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, જૂનાગઢમાં પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને જિલ્લા જેલ જૂનાગઢના જેલ અધિક્ષક દિપકકુમાર મગનલાલ ગોહેલ સાથે સાંઠગાંઠ છે. જૂનાગઢ જેલ અધિક્ષક દિપકકુમાર ગોહેલ આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને મોબાઈલ ફોન તથા અન્ય ગેરકાયદેસર સગવડતા પુરી પાડી રહ્યા છે. ફક્ત એટલું જ નહિ આરોપીને ગેરકાયદે રીતે અવારનવાર અન્ય લોકો સાથે મળવા દે છે. આ મામલે અગાઉ પણ 11 ઓક્ટોબરના રોજ અરજી કરવામાં આવી હતી અનિરુદ્ધસિંહની બેરેકમાંથી મોબાઈલ મળી આવ્યો હતો જે અંગે જુનાગઢ પોલીસ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ચેકઅપ કરાવવા આવ્યા હતા, જે પણ શંકાસ્પદ છે કારણ કે, આ અગાઉ પણ અનિરુદ્ધસિંહ જાડેજા જુનાગઢ જેલમાં હતા ત્યારે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ચેકઅપ કરાવવાનાં બહાને ખંડણી, ગેરકાયદેસર ચૂંટણી પ્રચાર અને અન્ય ગુનાહિત પ્રવૃતિઓ કરતા હતા જેની અરજીઓ અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં પણ થઇ હતી.
આ ઉપરાંત 2018 પહેલા જ્યારે જુનાગઢ જિલ્લા જેલમાં હતા ત્યારે ગેરકાયદે પ્રવૃતિઓ કરતાં હતા અને તે અંગેની હકીકત ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવી હતી આ પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાનો અગાઉ જેલ રેકોર્ડ ખૂબ શંકાસ્પદ અને ગુનાહિત રહ્યો છે વધુમાં જણાવ્યું હતું કે મારા ભાઈ અમિત ખૂંટે અનિરુદ્ધસિંહ અને તેના દીકરાના ત્રાસથી આત્મહત્યા કરી છે, જે કેસના આરોપી પણ અનિરુદ્ધસિંહ છે અને કેસ હાલ પેન્ડિંગ છે માટે આરોપી અનિરુદ્ધસિંહને ગેરકાયદે રીતે આપવામાં આવતી મોબાઈલ સુવિધાઓ તેમજ અન્ય ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિથી મને અથવા મારા પરિવારને નુકસાન પહોંચાડે એવી પુરી દહેશત છે. જેથી આ પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને અન્ય કોઈ જેલમાં ટ્રાન્સફર કરવા અથવા કોઈ સીસીટીવી કેમેરા હેઠળની જેલમાં ટ્રાન્સફર કરવા માંગ છે અને જેલ અધિક્ષક વિરુધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવા અમારી રજુઆત છે.



