ખાસ-ખબર સંવાદદાતા
નાતાલના તહેવારો દરમિયાન શનિ અને રવિવારે 60 હજાર જેટલા પર્યટકો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે ઉમટી પડ્યા હતા.જેથી સોમનાથ ટ્રસ્ટ સંચાલિત અને અન્ય અતિથિગૃહો સહિત ખાનગી હોટલમાં લોકોનો ઘસારો જોવા મળ્યો હતો. શનિવારે 24 ડિસેમ્બરથી પ્રવાસીઓનો પ્રવાહ શરૂ થયો છે જે આગામી 1 જાન્યુઆરી સુધી નાતાલની રજાઓમાં જોવા મળશે. શનિવારે 26994 લોકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. જ્યારે રવિવારે નાતાલના દિવસે 31424 લોકોએ દાદાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ તેમજ મેનેજર વિજયસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ મંદિર અને અતિથિગૃહો ખાતે સુંદર વ્યવસ્થા ગોઠવવામા આવી હતી.નાતાલ નો તહેવાર પૂર્ણ થતા મોટા ભાગના સહેલાણીઓ દીવ તરફ રવાના થયા હતા.
તહેવારો દરમિયાન ટ્રાવેલ્સ, હોટલો અને અન્ય વેપારીઓને ધંધામાં તેજી જોવા મળી હતી પરંતુ શોપિંગ સેન્ટરના વેપારીઓના જણાવ્યા અનુસાર ટ્રસ્ટ દ્વારા શોપિંગ સેન્ટરની સામેનો ગેટ બંધ કરી દેવાના હિસાબે દર્શનાર્થીઓ સીધા બહાર નીકળી જાય છે.જેથી તેઓના ધંધા પ્રભાવિત થયા છે. તેમજ મોટા ભાગની દુકાનો પણ હાલ બંધ હાલતમાં છે.શોપિંગ સેન્ટરના બહારના ભાગે પણ વીઆઇપી ગાડીઓ પાર્ક કરવામાં આવતી હોવાથી સહેલાણીઓની અવર જવર ઓછી થઈ હોવાને કારણે તેમના ધંધામાં ફટકો પડે છે.
નાતાલ તહેવારમાં 60 હજાર પર્યટકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા
