Spread the love

એ સ્ત્રીઓ જેણે ગુજરાતી ભાષા સાહિત્ય સાથોસાથ આપણા પત્રકારત્વજગતને પણ દિપાવ્યું

– ભવ્ય રાવલ

ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વના અભ્યાસ પરથી એટલું ચોક્કસ કહી શકાય કે, ગુજરાતની સ્ત્રીઓએ સાહિત્યજગત સાથોસાથ પત્રકારત્વક્ષેત્રને પણ દિપાવ્યું છે, જો ગુજરાતી પત્રકારત્વની બે સદીની વાત કરવામાં આવે તો ગુજરાતી સિવાય અન્ય ભાષાના પત્રકારત્વમાં પણ ગુજરાતી મહિલા પત્રકારોએ યોગદાન આપ્યું છે, આપી રહ્યા છે. ગુજરાતી પત્રકારત્વના ઈતિહાસ પર નજર નાંખીએ તો પારસી બાવા ફરદુનજી મર્ઝબાનની સાથે તેમના પરિવારની સ્ત્રીઓએ મળી ટાઈપ-બીબાં બનાવ્યા હતા. બસ ત્યારથી લઈ આજ સુધી.. ગુજરાતી પત્રકારત્વના ઉદ્દભવથી લઈ વિકાસમાં મહિલા પત્રકારોનો ફાળો રહ્યો છે. જેમણે મીડિયામાં ફક્ત લેખન, સંપાદન, પ્રકાશન કાર્ય જ નહીં એથી પણ અઘરું સંચાલન કાર્ય પણ કરી દેખાડ્યું છે. ગુજરાતી પત્રકારત્વમાં પોતાના કલમ-કીબોર્ડથી લઈ કાંડાનું કૌવત દાખવી કેટલીક મહિલા પત્રકારોએ અખબારો, પત્રો, સામયિકો, રેડિયો, ટી.વી., ઈન્ટરનેટ વગેરે માધ્યમોમાં ઉમદા કામગીરી કરી બતાવી છે. ગુજરાતી મીડિયામાં સૌ પ્રથમ મહિલા પત્રકાર કોણ હતું એવી ચર્ચામાં ન ઉતરતા ગુજરાતી પત્રકારત્વની બે સદીમાં ઉત્તમ કાર્ય કરનારી કેટલીક મહિલા પત્રકારોની વાત કરીએ..

એ સ્ત્રીઓ જેણે ગુજરાતી ભાષા સાહિત્ય સાથોસાથ આપણા પત્રકારત્વજગતને પણ દિપાવ્યું.. પંચમહાલ જીલ્લાના લુણાવાડા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા કૃષ્ણગૌરી હિરાલાલ રાવલની લેખક-પત્રકાર તરીકે કારકિર્દીની શરૂઆત બુદ્ધિપ્રકાશ પત્રથી શરૂ કરી હતી. 1895માં તેમણે સપ્ટેમ્બરના અંકમાં સ્ત્રી કેળવણીનો ઉત્કર્ષ કરવાના અથવા ક્ધયાશાળાની આબાદી વધારવાના મુખ્ય સાધન નામે લખેલો લેખ ખૂબ જાણીતો થયો હતો. 1912માં સુંદરીબોધ પત્રના ડિસેમ્બર મહિનાના અંકમાં તેમના બે લેખો ગૃહમંદિરની સ્વચ્છતા અને સુંદરી સુબોધ અને તેના લેખકો તેમજ બુદ્ધિપ્રકાશમાં એક સ્ત્રી લેખિકાએ તેની દીકરીને લખેલા પત્ર પ્રસિદ્ધ થયેલા હતા. સ્ત્રીધર્મ અને સ્ત્રી પરોપકાર : અર્ધી દુનિયા સામે લડત જેવા પુસ્તકો લખનાર નારીવાદી મહિલા જમનાબાઈ પંડિતાએ પણ કૃષ્ણગૌરી રાવલની જેમ જ સ્ત્રી ઉત્કર્ષ માટેના લેખો લખી ગુજરાતી પત્રકારત્વના શરૂઆતના સમયગાળામાં ખૂબ ખ્યાતી મેળવી હતી. બીજી સ્ત્રી કરવાનો રિવાજ, બાળલગ્ન, ક્ધયાવિક્રિય, દહેજપ્રજા જેવા અનિષ્ટોનો પોતાના લેખોમાં જમનાબાઈ પંડિતાએ વિરોધ કરતા રહેતા હતા.

અમદાવાદના વિદ્યાબેન નીલકંઠ જેઓ સાહિત્યકાર રમણલાલ નીલકંઠના પત્ની બન્યા બાદ ભણી શક્યા અને ગુજરાતના પ્રથમ મહિલા સ્નાતક બની શક્યા તેમણે નારીકુંજ, ફોરમ, ગૃહદીપિકા, જ્ઞાનસુધા સામયિકો-પત્રોમાં લેખો લખેલા હતા. મહિલામિત્ર સામયિકનું તેમણે સંપાદન કરેલું હતું. 1925માં અમદાવાદમાં મળેલી પત્રકાર પરિષદ વખતે ગુજરાતી પત્રદર્શન તેમણે તૈયાર કરેલું હતું. 1943માં ગુજરાતી સાહિત્ય પરિષદના 15માં સંમેલન વડોદરામાં તેઓ પ્રથમ મહિલા પ્રમુખ હતા. વિદ્યાબેન નીકલંઠની પુત્રી સરોજીનીબેન મહેતાએ પણ ભગિનીસમાજ પત્રિકાનું તંત્રીપદ 1925થી સંભાળેલું હતું અને લેખનની દુનિયામાં ઝંપલાવેલુ હતું.

વિદ્યાબેન નીલકંઠની જેવા જ અન્ય એક મહિલા પત્રકાર અમદાવાદના વિનોદિનીબેન નીલકંઠ છે. વિનોદિનીબેન નીલકંઠે 1940થી 1987 સુધી ગુજરાત સમાચારની કટાર ઘરઘરની જ્યોતનું સંપાદન કાર્ય કર્યું હતું. વિનોદિનીબેન નીલકંઠે 1960થી અખિલ હિંદ મહિલા પરિષદના ત્રીમાસિક મુખપત્ર ઉજાસનું પણ સપાદન કાર્યું કર્યું હતું.

સુરતનાં નાગર કુટુંબમાં જન્મેલા જ્યોત્સનાબેન શુક્લએ 1921માં વિનોદ નામનું સામયિક શરૂ કર્યું હતું, 1922માં ચેતન નામના માસિકમાં સહતંત્રી તરીકે જોડાયા હતા. 1959થી 1968 સુધી સુરતમાં જન્મભૂમિ જૂથના પત્રોના તંત્રી તરીકે કામ કર્યું હતું. પત્રકારત્વમાં દાખવેલી નીડરતા અને બહાદુરીપૂર્વકના લખાણ બદલ ટાઈમ્સ ઓફ ઈંડિયાએ તેમને ફાયરિંગ લેડી જર્નાલિસ્ટ તરીકે બિરદાવ્યા હતા. સુરતના જ અન્ય એક મહિલા પત્રકાર એટલે ઉર્મિલાબેન મહેતા. તેમણે 1931ના મે મહિનામાં સુરતથી સ્ત્રી શક્તિ નામનું સામયિક શરૂ કરેલું હતું, માત્ર મહિલાઓના પ્રશ્ર્નો ચર્ચતા આ સાપ્તાહિકના પ્રથમ તંત્રી ઉર્મિલાબેન મહેતા હતા. તો ભાવનગરના મહિલા પત્રકાર વિજયાલક્ષ્મી ત્રિવેદી વસંત, સાહિત્ય, સુંદરી સુબોધ, બુદ્ધિપ્રકાશ જેવા લબ્ધપ્રતિષ્ઠ સામયિકોમાં પોતાની કલમ ચલાવી ગુજરાતી પત્રકારત્વ સાથે સાહિત્યની દુનિયામાં પોતાનું આગવું નામ કરી અનેરું માન-સન્માન મેળવ્યું હતું. મહિલા પત્રકાર લાભુબેન મહેતાએ સૌરાષ્ટ્ર, ફૂલછાબ, અખંડઆનંદ, જન્મભૂમિ પ્રવાસી જેવા સામયિકોમાં કટારલેખન કરેલું, તેઓ ગૃહમાધુરી માસિકના તંત્રીપદ પર પણ રહી ચૂક્યા હતા.

અન્ય કેટલાંક મહિલા પત્રકારની વાત કરીએ તો.. જયવંતીબેન દેસાઈએ સ્ત્રીઓના માસિક ગુણસુંદરીનું વર્ષો સુધી સંપાદન કાર્ય કર્યું હતું. આ સામયિકે ગુજરાતી પત્રકારત્વ ઉપરાંત મહિલા પત્રકારત્વમાં ઘણી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી પાયાનું કામ કર્યું હોવાનું મનાય છે. હંસાબેન મહેતા જેઓ વડોદરા યુનિ.માં વર્ષો સુધી કુલપતિ રહેલા, તેમણે પુષ્પ બાળમાસિકનું તંત્રીપદ સંભાળેલું હતું. બબીબેન ભરવાડા 1940થી વર્ષો સુધી આરસી સામયિકના તંત્રી રહ્યા હતા, પ્રભાત નામના દૈનિકમાં પણ સ્ત્રી વિભાગ સંભાળતા હતા. જયન્તિકાબેન પરમારે 1953થી 55 સુધી ઊર્મિ-નવરચના માસિકના ગૃહમંડલ વિભાગનું સંચાલન-લેખન કરતા હતા, આ માસિક માટે તેઓ 1965 સુધી લખતા રહ્યા હતા. અનસૂયા સામયિકના સ્થાપક – સંપાદક જયન્તિકા પરમારે અખિલ હિંદ મહિલા પરિષદના ત્રિમાસિક મુખપત્ર ઉન્ત્તરાના માનદતંત્રી તરીકે પણ સેવા આપેલી હતી.

કુન્દનિકા કાપડિયા 1955થી 57 સુધી યાત્રિક માસિકના અને 1962થી 1980 સુધી નવનીત માસિકના તંત્રીપદે રહ્યા હતા. સાહિત્ય ઉપરાંત પત્રકારત્વની દુનિયામાં પણ કુન્દનિકા કાપડિયાનું પ્રદાન સવિશેષ રહેલું છે. વર્ષા અડાલજા જન્મભૂમિના બહેનોના સામયિક સુધાના સંપાદક હતાં. પદ્માબેન ફડિયાએ જનસત્તા દૈનિકના નવા યુગની નારી વિભાગનું સંપાદન કાર્ય 17 વર્ષ સુધી સંભાળ્યું હતું, સખી સામયિકને માર્ગદર્શન પૂરું પાડવા ઉપરાંત જનસત્તાના માનુષી વિભાગ માટે તેઓ વર્ષો સુધી લખતા રહ્યા અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય રહ્યા હતા. વિકાસગૃહની વિકાસ ગૃહ પત્રિકા ત્રિમાસિકનું સંપાદન પણ ઘણા વર્ષો સુધી કર્યું હતું. ડો. નીતાબેન ગોસ્વામીએ સ્વાસ્થ્ય-સૌદર્ય વિષય પર સવિશેષ લેખન કાર્ય કરી પત્રકારત્વની દુનિયામાં નોખી ભાત પાડી છે. તેમણે ગુજરાત સમાચાર, સમાલાપ, જનસત્તા, સ્ત્રી, શ્રી, સખી, હેલ્થક્લબ વગેરે સામયિકો – દૈનિકોમાં સ્વાસ્થ્ય-સૌંદર્ય વિષયક 2000થી વધુ લેખો લખેલા છે.

લીલાબેન પટેલે સ્ત્રી સાપ્તાહિકના માધ્યમથી ચાર દસકા સુધી પત્રકારત્વ કર્યું હતું. તેમને ગુજરાત રાજ્ય તરફથી પત્રકારત્વમાં ઉમદા કાર્ય કરવા બદલ સન્માન પણ હાંસલ થયું છે. લીલાબેન પટેલની જેમ જ મહિલા પત્રકાર પ્રીતિબેન શાહને પણ પત્રકારત્વમાં ખાસ પ્રદાન બદલ એવોર્ડ મળી ચૂક્યા છે. ડો. પ્રીતિબેન શાહ ગુજરાત સમાચારમાં અવતરણ અને આજકાલ નામથી કટારથી જાણીતા બનેલા લેખિકા-પત્રકાર છે. નવચેતન સામયિકના તંત્રી પણ ખરા, જેમાં તેમણે ચિંતનિકા અને મધપુડો નામની નિયમિત કટાર પણ લખી છે. શીલાબેન ભટ્ટની પત્રકાર તરીકેની શરૂઆત જન્મભૂમિ પ્રવાસીથી શરૂ થઈ હતી. અભિષેક નામના સામયિકમાં તેમણે લખવાનું શરૂ કરેલું, પછી તેઓ ચિત્રલેખા સાથે જોડાયેલા, ત્યારબાદ અભિયાનમાં અને ઈંડિયા ટુડે ગુજરાતી પાક્ષિકમાં સિનિયર કોપી એડિટર તરીકે જોડાયા હતા. તેઓ સ્ટાર ન્યૂઝના એક્ઝીક્યુટીવ એડિટર તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે.

વધુ આવતા સપ્તાહે..

વધારો : ગુજરાતી ભાષામાં મહિલા પત્રકારોને અન્યાય થયો છે. ગુજરાતી ભાષામાં પુરુષ લખતો હોય તો તેને લેખક કહેવામાં આવે અને મહિલા લખતી હોય તો તેને લેખિકા કહેવામાં આવે. પુરુષ કવિતા લખતો હોય તો તેને કવિ કહેવામાં આવે અને મહિલા કવિતા લખતી હોય તો તેને કવિયત્રી કહેવામાં આવે. પણ ગુજરાતી ભાષામાં પત્રકારત્વ કરતા પુરુષને પણ પત્રકાર કહેવામાં આવે અને મહિલાને પણ પત્રકાર કહેવામાં આવે. પત્રકાર પુલિંગ શબ્દ છે. ગુજરાતી ભાષામાં મહિલા પત્રકાર માટે એકાદ સ્ત્રીલિંગ શબ્દ પત્રકારી હોવો જોઈએ.


Spread the love