Spread the love

પીએમ મોદીએ મારી બાજી:

વિશ્વના ‘સૌથી લોકપ્રિય’ નેતાઓની યાદીમાં ટોચ પર, યુએસ પ્રમુખને પણ છોડયા પાછળ

જાન્યુઆરી 2022 ના રેટિંગ અનુસાર, સરેરાશ ભારતીય વસ્તીના 71 % લોકોએ પીએમ મોદીને પસંદ કર્યા હતા, જ્યારે માત્ર 21 % લોકોએ તેમને નાપસંદ કર્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 71 % એપ્રુવલ રેટિંગ સાથે ‘સૌથી લોકપ્રિય વિશ્વ નેતાઓ’ ની યાદીમાં ટોચ પર છે. મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સ દ્વારા જાહેર કરાયેલ વૈશ્વિક એપ્રુવલ રેટિંગ અનુસાર પીએમ મોદીએ યુએસ પ્રેસિડેન્ટ જો બાઈડન, યુકેના પીએમ બોરિસ જોન્સન અને અન્ય ઘણી રાજકીય હસ્તીઓને પાછળ છોડીને આ મુકામ હાંસલ કર્યો છે. મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સ દ્વારા ગત તા.13 થી 19 જાન્યુઆરી દરમિયાન ‘લેટેસ્ટ એપ્રુવલ રેટિંગ’ હાથ ધરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, એપ્રવુલ રેટિંગ દરેક દેશમાં સાત દિવસ ચાલે છે. જોકે એવું પહેલીવાર નથી થયું કે જ્યારે પીએમ મોદીને સૌથી લોકપ્રિય નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હોય. મે 2020 માં તે 84 % લોકપ્રિયતા સાથે આ યાદીમાં ટોચ પર હતા. જો કે મે 2021 માં આ રેટિંગ ઘટીને 63 % થઈ ગયું હતું. સપ્ટેમ્બર 2021 માં પીએમ મોદીને ફરીથી સૌથી વધુ લોકપ્રિય વૈશ્વિક નેતાનો દરજ્જો મળ્યો હતો.

આ નેતાઓને PM મોદીએ પાછળ છોડયા :

નવા મોટા વૈશ્વિક નેતાઓમાં મેક્સીકન રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોર 66 અપ્રુવલ રેટિંગ સાથે બીજા સ્થાને હતા. તમને જણાવવુ રહ્યુ કે, લોકપ્રિયતાના ગ્રાફમાં ઈટાલિયન વડાપ્રધાન મારિયો ડ્રેગી, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, યુએસ પ્રમુખ જો બાઈડન સહિત ઘણા મોટા નેતાઓને PM મોદીએ પાછળ છોડી દીધા છે. ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગીને 60 % એપ્રુવલ રેટિંગ મળ્યુ છે.

નવેમ્બર 2021થી તેનું રેટિંગ 2 % વધ્યું. જ્યારે US રાષ્ટ્રપતિ જો બાઈડનને 43 % મત મળ્યા હતા, બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને યુકેના પીએમ જોહ્ન્સનને 37 %, 34 % અને 26 %ના રેટિંગ સાથે સૌથી ઓછા લોકપ્રિય નેતાઓ રહ્યા છે.

પીએમ મોદીના એપ્રુવલ રેટિંગમાં વધારો :

જાન્યુઆરી 2022 ના રેટિંગ અનુસાર સરેરાશ ભારતીય વસ્તીના 71 % લોકોએ પીએમ મોદીને પસંદ કર્યા છે, જ્યારે માત્ર 21 % લોકોએ તેમને નાપસંદ કર્યા હતા. જો યુએસ પ્રમુખ જો બાઈડનની વાત કરીએ તો તેમને લગભગ 49 % અમેરિકન વસ્તીએ નાપસંદ કર્યા છે.


Spread the love