ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની સત્યતા કેટલી?

0
88
Spread the love

ડાર્વિને પોતાના ઉત્ક્રાંતિવાદના નિયમને સાબિત કરવા માટે એ સમયમાં ઉપલબ્ધ એવા તમામ પુરાવાઓ વિજ્ઞાનજગત સમક્ષ રજૂ કર્યા, કેટલાક પ્રયોગો પણ હાથ ધર્યા.

મોર્ડન ધર્મ
– પરખ ભટ્ટ

પરંતુ વિજ્ઞાનનું અનુસરણ કરનારા એ વૈજ્ઞાનિકે ક્યારેય પૌરાણિક પુરાવાઓ કે પછી અન્ય કોઈ સાબિતીઓ તરફ નજર સુદ્ધાં પણ ન કરી. તેણે જણાવ્યું કે માણસની ઉત્ક્રાંતિ વાનરમાંથી થઈ છે. આ પરિવર્તન વિવિધ તબક્કાઓ અને સમયના ચક્રોમાંથી પસાર થયું. અગર હિંદુ સંસ્કૃતિના ગ્રંથોનો અભ્યાસ કરીએ તો સમજાય કે વાસ્તવમાં માણસજાતિ તો પરમેશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન માનવામાં આવે છે.

માનવજાતિ ક્યારેય ઉત્ક્રાંતિ પામી જ નથી, પરંતુ સદાકાળથી પૃથ્વી પર શ્વસતી રહી છે એવું ધર્મગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે. પાષાણયુગના માનવ અને અન્ય પ્રકારના માનવ પણ આ ધરતી પર હતાં જ, પરન્તુ તેમની પ્રજાતિ અલગ હતી! અમુક લોકો હનુમાનને એમાંના એક માને છે. જ્યારે દાનવોને પાષાણયુગના જીવો માનવામાં આવ્યા છે. આથી જ કદાચ તેમનો ચહેરો માનવ જેવો જોવા નથી મળતો. હિંદુ ધર્મની માન્યતા મુજબ, કોઈ ઉત્ક્રાંતિવાદ ક્યારેય થયો જ નથી. ફક્ત માનવજાતિની સત્તા વધી જવાને કારણે અન્ય જીવો કાળક્રમે વિલુપ્ત થતા ગયા. આપણે ત્યાં જેને ‘સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ’ નામની અંગ્રેજી ટર્મથી જેને વ્યાખ્યાયિત કરવામાં આવે છે એવી જ કંઈક પરિસ્થિતિ એ સમયમાં પણ ઉદભવી હોવી જોઈએ.

માનવજાતિ ક્યારેય ઉત્ક્રાંતિ પામી જ નથી, પરંતુ સદાકાળથી પૃથ્વી પર શ્ર્વસતી રહી છે એવું ધર્મગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે, પાષાણયુગના માનવ અને અન્ય પ્રકારના માનવ પણ આ ધરતી પર હતાં જ, પરન્તુ તેમની પ્રજાતિ અલગ હતી!

વૈજ્ઞાનિકોને જ્યારે કોઈ બાયોલોજિકલી રીતે ભિન્ન પ્રકારના અવશેષો પ્રાપ્ત થાય છે ત્યારે તેઓ તે અવશેષને જમીનમાંથી બહાર કાઢી તેની ઉંમર અને કાળ નક્કી કરવા માટેના પ્રયોગો હાથ ધરે છે, પરંતુ દરેક કિસ્સામાં એવું નથી થતું. કેટલાક અવશેષોને જમીનમાં જ રહેવા દેવામાં આવે છે, જેના લીધે તેની જાંચ નથી થતી અને હકીકતો બહાર નથી આવી શકતી. આ કારણોસર જ કદાચ માયથોલોજીને અસત્ય માનીને ફક્ત કથા સ્વરૂપે સંભળાવવામાં આવે છે. અંગ્રેજીમાં એક સુંદર વાક્ય છે : Absence of evidence is not evidence of absence!

હિંદુ ધર્મમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલા અલગ અલગ તબક્કાઓનો વિસ્તૃત અભ્યાસ કરીએ. હિંદુ સંસ્કૃતિમાં જેને પાતાળલોક નામ આપવામાં આવ્યું છે, એવા પ્રદેશમાં મયન સંસ્કૃતિના લોકો વસવાટ ધરાવે છે, જેને આપણે રાક્ષસ અથવા અસુર તરીકે ઓળખીએ છીએ. નેટફ્લિક્સ ઓરિજિનલ સીરિઝ ‘સ્ટ્રેન્જર થિંગ્સ’માં જેને ‘અપસાઇડ ડાઉન’ નામ આપવામાં આવ્યું છે એ લોક! જ્યાં બધું સરખું છે, વાસ્તવિક જગત સાથે મેળ ખાતું પ્રતિબિંબિત લોક! ભગવાન વિષ્ણુના આ જગતને કુલ ચાર યુગમાં વહેંચવામાં આવ્યું છે.. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ.

(1) કળિયુગ : 5000 વર્ષ પહેલા શરૂ થઈ ચૂકેલા કળિયુગમાં માનવોની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. ઝઘડા અને લૂંટફાટ તથા ખૂનખરાબો એની ચરમસીમા પર છે. આધ્યાત્મિકતા અને નૈતિકતાનું મૂલ્ય સાવ ઓછું થઈ ગયેલું જોવા મળે છે. હાલમાં, માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધીનું આયુષ્ય ભોગવી શકે છે. જોકે, ધીરે ધીરે આ વયમર્યાદામાં પણ ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. માનવ ભક્તિભાવ તરફ ઓછો અને ભૈતિક ચીજવસ્તુઓ પરત્વેના મોહમાં વધુ ને વધુ સપડાઈ રહ્યો છે. ક્યારેય માફ ન કરી શકાય એવા પ્રકારના ગુનાહિત કર્મોથી તે ખરડાઈ રહ્યો છે. 4 લાખ 32 હજાર વર્ષો સુધી ચાલનારા આ યુગના અંતે કલ્કી અવતારના અવતરણની આશંકાઓ સેવાઈ રહી છે. માનવામાં આવે છે કે, જ્યારે માણસની વયમર્યાદા જ્યારે ફક્ત 20 વર્ષની થઈ જશે, એ વખતે કળિયુગ સમાપ્તિના ભણકારા વાગી રહ્યા હશે અને નવેસરથી સૃષ્ટિચક્ર શરૂ થશે.

(2) દ્વાપરયુગ : કળિયુગની પહેલા સમાપ્ત થયેલો દ્વાપરયુગ અત્યારની સરખામણીમાં ઘણો સમૃદ્ધ હતો. લોકોની સરેરાશ આયુ એ વખતે લગભગ 1000 વર્ષની રહેતી! માણસોની ઊંચાઈ એ વખતે 12 ફૂટની જોવા મળતી હતી. બીજી બાજુ, વૃક્ષો પણ ખાસ્સા ઊંચા જોવા મળતા. 8 લાખ 64 હજાર વર્ષ ચાલેલા એ યુગમાં મહાભારત ખેલાયું અને અંતે કૃષ્ણના નિર્વાણ સાથે કળિયુગનો પ્રારંભ થયો.

(3) ત્રેતાયુગ : દ્વાપર અને કળિયુગ કરતા ક્યાંય વધુ સુખાકારી ધરાવતો યુગ એટલે ત્રેતા! જેમાં માનસિક શાંતિ અને આંતરિક સમૃદ્ધતા ખૂબ જ હતી. માનવી એ સમયે સરેરાશ 10,000 વર્ષોનું દીર્ઘાયુ ભોગવી શકતો હતો. એ વખતે માનવ અને દેવ બંને એવા પ્રકારની પૂજા-અર્ચના-ધ્યાન-તપ કરતા, જેથી ઇશ્વરનો સાક્ષાત્કાર મહેસૂસ કરી શકાય. આમ છતાં ઈશ્વર પોતાના ભક્તને ધરતી પર આશીર્વાદ આપવા માટે આવે એ ઘટના અત્યંત જૂજ પ્રમાણમાં બનતી હતી. વિષ્ણુ ભગવાનના અવતાર સમા શ્રી રામે રાવણનો વધ કરી ફરી એક વખત સત્યની સ્થાપના કરી. રામાયણના અવશેષો આજે પણ શ્રીલંકામાં જોવા મળે છે. 12 લાખ 96 હજાર વર્ષ સુધી ચાલનારો ત્રેતાયુગ એ સમયના લોકોમાં ભક્તિભાવ જગાવનારો હતો. યજ્ઞ-હોમહવન થકી માણસો પોતાના અંદરની આધ્યાત્મિકતા અને સારસાઈને સતત જીવંત રાખી શક્યા.

(4) સતયુગ : ચારેય યુગમાંથી સૌથી પવિત્ર કહી શકાય એવો સતયુગ! જ્યાં હિંસા કે મોહમાયાનું અસ્તિત્વ પ્રમાણમાં સાવ નહીંવત હતું. લોકોની વયમર્યાદા પણ અંદાજે 1 લાખ વર્ષની! તેઓ સાવ આસાનીથી ઈશ્વર સાથે સંવાદ સાધી શકતા. એમનો સાક્ષાત્કાર કરી પોતાની સમસ્યા એમની સક્ષમ ઠાલવી શકતા. સામે પક્ષે, ત્રિદેવો અને અન્ય દેવીદેવતાઓ પણ પળવારમાં મનુષ્યોની પરેશાનીઓનો ઉકેલ બતાવી દેતા હતા. હજારો વર્ષોની તપસ્યા કર્યા બાદ ઇશ્વર તરફથી વરદાનરૂપે મળતા અસ્ત્રો-શસ્ત્રો તેમના માટે સાવ સામાન્ય બાબત હતી. દેવ અને દાનવ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનું નિરાકરણ લાવવું અથવા બંનેનો સંઘર્ષ ઓછો થાય એવા પ્રયાસો કરવા એ જ દેવતાઓની પ્રાથમિકતા રહેતી. માનવને પોતાના જેવા માનવથી ક્યારેય ખતરો ન રહેતો. 17 લાખ 28 હજાર વર્ષો સુધી ચાલનારા સતયુગમાં આત્મ-સંશોધન કરવા માટેની એકમાત્ર પદ્ધતિ એટલે ધ્યાન ધરવું એ ગણાતી હતી.

મહાભારત અને પુરાણોમાં ઘણી બધી કથાઓ એવી છે, જે અલગ અલગ યુગ સાથે સંકળાયેલી છે. ઋષિ વિશ્વામિત્રે 60,000 વર્ષો સુધી તપસ્યા કરી અને ઇન્દ્રને જ્યારે પોતાનું સિંહાસન ડોલતું લાગ્યું ત્યારે તેણે મેનકાને તેમનું ધ્યાનભંગ કરવા માટે મોકલી. એમના સમાગમ બાદ દમયંતીનો જન્મ થયો, જે આગળ જતા ઘણા પૌરાણિક પાત્રો સાથે દેખાઈ. પાછલા ત્રણેય યુગમાં ભગવાન વિષ્ણુએ જુદા જુદા સ્વરૂપોમાં ધરતી પર અવતારો લીધા, પરંતુ કળિયુગમાં તેઓ ફક્ત એક અવતાર લેવાના છે : કલ્કી! અને તેઓ સૃષ્ટિનો અંત કરી પુન: સતયુગની સ્થાપના કરશે એવી કથાઓ આપણા પુરાણોમાં કહેવામાં આવી છે (ક્રમશ:)


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here