ડાઉન ટુ અર્થ રહીને પણ સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કરી શકાય

0
8
Spread the love

અબજો રૂપિયાનું ટર્નઓવર કરતી કંપનીના યુવા સંચાલકોમાંથી એકપણને કોઈ જાતનું વ્યસન નહીં : સંપત્તિ આવે એટલે ઘણા પરિવારોમાં સમજણ અને સંસ્કાર બંને ઓછા થવા લાગે પરંતુ આ પરિવારમાં સંપત્તિ વધવાની સાથે સમજણ અને સંસ્કારો પણ સતત વધી રહ્યા છે

શૈલવાણી
– શૈલેષ સગપરિયા 

સફળતાનાં શિખરો સર કર્યા પછી પણ ડાઉન ટુ અર્થ રહીને સાંસ્કૃતિક મૂલ્યોનું કેવી રીતે જતન કરી શકાય એ જોવું હોય તો વર્ષે 10000 કરોડથી પણ વધુ રૂપિયાનો બિઝનેશ કરતા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ(જછઊં)ના સ્થાપક ગોવિંદભાઇ ધોળકિયાને મળવું જોઈએ કે એમના વિશે જાણવું જોઈએ.

થોડા સમય પહેલા એમની કંપનીના એક કાર્યક્રમ માટે સુરત જવાનું થયું અને થોડા દિવસ એમના સાનિધ્યમાં રહેવાનો મોકો મળ્યો. એક સાંજે લેકચર પૂરું કરીને હું અને ગોવિંદકાકા એમની ઓફિસ ગયા. કાકા માટે વેજિટેબલ સૂપ આવેલો. હું સાથે હતો એટલે કાકાએ કહ્યુ, ‘શૈલેશભાઈને પણ સૂપ આપો’. કાકા માટે એક કાચના બાઉલમાં સૂપ કાઢવામાં આવ્યો. એમણે સૂપ સર્વ કરનારને પૂછ્યું, “શૈલેષભાઇને સૂપ શેમાં આપશો ?” સૂપ આપનાર ભાઈએ કહ્યું, “આપણી પાસે ડિસપોઝીબલ બાઉલ છે એમાં આપીશું.”

ગોવિંદકાકાએ તુરત જ કહ્યું, ‘તો મને પણ ડિસપોઝીબલ બાઉલમાં જ સૂપ આપો.’ સૂપ આપનારા ભાઈએ કહ્યું, “કાકા, સૂપ ગરમ છે. આપ ડિસપોઝીબલ બાઉલ લેશો તો આપને નહીં ફાવે કારણકે સૂપ ગરમ હોવાથી હાથના આંગળા બળશે.’ કાકાએ કહ્યું, ‘બે બાઉલ ભેગા કરીને આપો એટલે ગરમ નહીં લાગે.’ પોતે નિયમિત રીતે જે કાચના બાઉલમાં સૂપ પિતા હતા એ બાઉલમાં સૂપ ન જ લીધો અને ડિસપોઝીબલ બાઉલમાં સૂપ લીધો.’

ગોવિંદકાકાની સામે મારા જેવાની શુ હેસિયત ? પણ મહેમાનનું માન જાળવવા એમણે પણ મારી સાથે મારા જેવા બાઉલમાં જ સૂપ લીધો. ઘટના સામાન્ય છે પણ જીવનનો બહુ મોટો પાઠ ભણાવી જાય છે. માણસ હંમેશા બીજાને પોતાના કરતા નીચો બતાવવાના પ્રયાસોમાં લાગેલો હોય છે. ઘણા અધિકારીઓને મળવાનું થાય ત્યારે મેં અનુભવ્યું છે કે આપણા સમકક્ષ કે આપણા જુનિયર હોવા છતાં સાહેબની ચા જુદા પ્રકારના કપમાં આવે અને આપણી ચા સામાન્ય કપમાં આવે.

ગોવિંદકાકાના પ્રેમભર્યા નિમંત્રણથી એમના ઘરે એમની સાથે જમવા માટેનો અવસર મળ્યો ત્યારે પણ જોયું કે પરિવારના સભ્યને જમાડતા હોય એટલા ભાવથી જમાડે. કાકી પણ આપણને શુ ભાવે છે એનું બારીકાઈથી નિરીક્ષણ કર્યા પછી ભાવતી વસ્તુ આગ્રહપૂર્વક પીરસે.

કાકાએ અથાક મહેનતથી અઢળક સંપત્તિ પ્રાપ્ત કરી છે પરંતુ એમના સાનિધ્ય પછી મેં જોયું કે કાકાની સૌથી મોટી સંપત્તિ એની સંસ્કારયુક્ત નવી પેઢી છે. બધા ભાઈઓના દીકરાઓ અને પુત્રવધુઓ એવા સંપીને રહે કે તમને એનું ઘર સ્વર્ગ જેવું લાગે. અબજો રૂપિયાનું ટર્નઓવર કરતી કંપનીના યુવા સંચાલકોમાંથી એકપણને કોઈ જાતનું વ્યસન નહીં. સંપત્તિ આવે એટલે ઘણા પરિવારોમાં સમજણ અને સંસ્કાર બંને ઓછા થવા લાગે પરંતુ આ પરિવારમાં સંપત્તિ વધવાની સાથે સમજણ અને સંસ્કારો પણ સતત વધી રહ્યા છે.

થોડા દિવસ પહેલા ગોવિંદકાકાના લીવર ટ્રાન્સપ્લાન્ટનાં સમાચાર વાંચ્યા. વલસાડ જિલ્લાના યોગશિક્ષિકા રંજનબેનના બ્રેઇનડેડ બાદ એમના શરીરના વિવિધ અંગોનું એમના પરિવારજનોએ દાન કર્યું જેમાં એના લિવરનું દાન ગોવિંદકાકાને મળ્યું અને સુરતની સુવિખ્યાત કિરણ હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા જ લિવરનું સફળ ટ્રાન્સપ્લાન્ટ થયું.
અનેક લોકોને સફળ જીવનના પાઠ ભણાવતા ગોવિંદકાકાના નિરામય દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના.


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here