દર વર્ષે થાય છે રાવણદહન, છતાં રાવણત્વ અમર!

0
44
Spread the love

રાવણના પિતા ઋષિ વિર્શ્વા અને માતા દૈત્ય એવી કૈકશી હતા. રાવણને તમામ 64 કળાઓ હસ્તગત હતી. રાવણ યોધ્ધા તરીકે ક્ષત્રિયના તમામ ગુણો પર પ્રભુત્વ ધરાવતો હતો. રાવણને વેદો અને ઉપનિષદો કંઠસ્થ હતા. રાવણ શ્રેષ્ઠ જ્યોતિષિ હતો. રાવણે હિન્દુ જ્યોતિષશાસ્ત્ર પરનો દુર્લભ કહી શકાય તેવો ‘રાવણ સંહિતા’ ગ્રંથ લખ્યો હતો. સાથોસાથ રાવણને આયુર્વેદ અને રાજનીતિ વિજ્ઞાાનમાં ઉંડી સમજ હતી. રાવણ સંગીતશાસ્ત્રમાં નિપૂણ હતો અને અચ્છો વીણાવાદક પણ હતો. રાવણહથ્થાથી લઈ શિવતાંડવ સુધી રાવણના ગુણોની સૂચિ બહુ લાંબી છે. રાવણ ભગવાન શિવનો પરમભક્ત સાધક હતો. અને અંતે એ એક બ્રાહ્મણ હતો એટલે આજ દિન સુધી રાવણનું દહન કરવામાં આવે છે. જો રાવણ કોઈ બીજી જાતિ-જ્ઞાતિમાં જન્મેલો હોતો તો આજે આ લોકશાહી ધરાવતા દેશમાં તેના દહનનો વિરોધ ચોક્કસ થતો એવો સૂર સોશિયલ મીડિયામાં વારે-તહેવારે ઉઠતો રહે છે.

ખેર.. એ તો હકીકત છે કે, ભારતીયો રામજન્મ પર જેટલો જલસો નથી કરતા એટલો જલસો રાવણદહન પર કરે છે. આજેપણ ભારતમાં ક્યાંકને ક્યાંક ખૂણેખાંચરે રામજન્મ કરતા રાવણદહનનું મહત્વ વિશેષ છે. રાવણની ખામીનું દહન થાય છે અને ખૂબીની પૂજા પણ થાય છે. મૂળ મુદ્દો એ છે કે, વર્ષોથી દેશભરમાં રાવણની ખામીનું દહન કરવામાં આવતા છતાં હજુ પણ દરેક માનવજીવમાં વધતુંઓછું રાવણત્વ સમાયેલું છે. રાવણત્વ અમર છે, આપણે રાવણનું પ્રતીકાત્મક દહન કરીએ છીએ પણ આપણા પોતાનામાં રહેલા રાવણત્વનું દહન કરી શકતા નથી. રાવણના દસ માથા એટલે કામ, ક્રોધ, મોહ, લોભ, મદ, ઈર્ષા, તામસી મન, તેવી જ બુધ્ધિ, ચિત્ત અને અહંકાર. આ દરેક મનુષ્યમાં રહેલું રાવણત્વ છે. આજના દિવસે રાવણનાં પૂતળાનું દહન કરી દેવાથી, મીઠાઈઓ ઝાપટવા કે વહેંચવાથી, નવી વસ્તુઓ, વાહન ખરીદવાથી આપણી અંદરનું રાવણત્વ મટી જતું નથી. આપણે પોતાનામાં રહેલા દુર્ગુણો વિનાશ અને સદ્દગુણોનો વિકાસ કરવાથી ખરું રાવણદહન કરી શકીએ પરંતુ અફસોસ.. આપણે ઈચ્છવા છતાં એ કરી શકતા નથી અને એટલે જ દર વર્ષે રાવણદહન કરવામાં આવતું હોવા છતાં રાવણત્વ અમર છે. જે મનુષ્ય કામ, ક્રોધ, મોહ, લોભ, મદ, ઈર્ષા, તામસી મન, તેવી જ બુધ્ધિ, ચિત્ત અને અહંકાર જેવી બૂરાઈઓ પર વિજય મેળવી શકે એ જ વિજયા દસમી – દશેરાની ઉજવણી ખરી રીતે સાર્થક કરી શકે.


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here