માતા સિદ્ધિદાત્રિની આરાધનાનો દિવસ

0
35
Spread the love

નવમું નોરતું એટલે બધા જ પ્રકારની સિદ્ધિ અને નવનિધિ પ્રદાન કરનારી

માર્કન્ડેય પુરાણ મુજબ અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ એમ કુલ 8 સિદ્ધિઓ હોય છે, મા સિદ્ધિદાત્રિ પોતાના સાધકોને આ તમામ સિદ્ધિઓ આપે છે

નવદુર્ગાનું સિદ્ધિ અને મોક્ષ આપનાર સ્વરૂપ એટલે સિદ્ધિદાત્રિઆજે નવરાત્રીનો નવમો દિવસ.

આજે નવદુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપનું પૂજન – અર્ચન થાય છે. મા સિદ્ધિદાત્રીને મા પાર્વતીનું મૂળરૂપ માનવામાં આવે છે. ચાર ભુજાઓવાળી છે. જે પૈકી આગળના જમણા હાથમાં ગદા અને પાછળના હાથમાં ચક્ર છે. જ્યારે ડાબી બાજુએ આગળના હાથમાં કમળનું પુષ્પ ધારણ કર્યું છે અને પાછળના હાથમાં શંખ છે. તેમનું વાહન સિંહ છે. જો કે તેઓ મોટે ભાગે કમળના પુષ્પ પર બિરાજમાન હોય છે. મા સિદ્ધિદાત્રી કેતુના ગ્રહનું સંચાલન કરે છે. નવદુર્ગાના સિદ્ધિ અને મોક્ષ આપનારા સ્વરૂપને સિદ્ધિદાત્રી કહે છે. સિદ્ધિદાત્રીની પૂજા નવરાત્રના નવમા દિવસે કરવામાં આવે છે. દેવ, યક્ષ, કિન્નર, દાનવ, ઋષિ-મુનિ, સાધક અને ગૃહસ્થ આશ્રમમાં જીવનયાપન કરનારા ભક્ત સિદ્ધિદાત્રીની પૂજા કરે છે. તેનાથી તેમને યશ, બળ અને ધનની પ્રાપ્તિ થાય છે. સિદ્ધિદાત્રી દેવી એ તમામ ભક્તોને મહાવિદ્યાઓની અષ્ટ સિદ્ધિઓ પ્રદાન કરે છે, જે શુદ્ધ અને સાચા મનથી તેમની આરાધના કરે છે.

મહાનવરાત્રીનું પાવન પર્વ વિદાય લે છે. નવરાત્રીનું નવમું નોરતું અર્થાત્ અંતિમ નોરતું એટલે માતા સિદ્ધિદાત્રીની પૂજાઅર્ચના કરવાનો દિવસ. નવરાત્રીનો છેલ્લો દિવસ નવદુર્ગાનાં નવમાં સ્વરૂપ એવાં માતા સિદ્ધિદાત્રીનાં નામે છે. જે આજના દિવિસે માતાને હૃદયથી યાદ કરે એને માટે જગતની તમામ સિદ્ધિઓના દ્વાર ખૂલી જાય છે! નવરાત્રીનો આ છેલ્લો દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત હોય છે. એવી માન્યતા છે કે માતાના આ નવમા સ્વરૂપની ઉપાસના કરવાથી વ્યક્તિને યશ, ધન, મોક્ષ અને તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. માર્કન્ડેય પુરાણ મુજબ કુલ આઠ પ્રાકારની સિધ્ધિઓ હોય છે. જેના નામ આ મુજબ છે : અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ. મા સિદ્ધિદાત્રી પોતાના સાધકોને આ તમામ સિધ્ધિઓ આપે છે.

પૌરાણિક કથા દેવી ભાગવત્ પુરાણ પ્રમાણે બ્રહ્માંડની શરૂઆતમાં શિવે રચના માટે આદિ પરાશક્તિની ઉપાસના કરી. એમ માનવામાં આવે છે કે આદિ – પરાશક્તિ દેહ સ્વરૂપ ધરાવતા ન હતા આથી આદિ – પરાશક્તિ શિવનાં અર્ધા દેહમાંથી સિદ્ધિદાત્રી સ્વરૂપે પ્રગટ્યા. આમ શિવના અર્ધનારીશ્વર સ્વરૂપમાં અર્ધો દેહ તે દેવી સિદ્ધિદાત્રીનો દર્શાવાય છે. દેવી સિદ્ધિદાત્રીની ઉપાસના મનુષ્ય ઉપરાંત દેવ, ગંધર્વ, યક્ષ, અસૂર અને સિદ્ધ પણ કરે છે. એવી માન્યતા કરે છે કે, તમામ દેવી-દેવતાઓને પણ મા સિદ્ધિદાત્રીથી જ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. મા સિદ્ધિદાત્રી કમળ પર બિરાજમાન છે અને હાથોમાં કમળ, શંખ, ગદા, સુદર્શન ચક્ર ધારણ કર્યાં છે. સિદ્ધિદાત્રી મા સરસ્વતીનું પણ સ્વરૂપ છે, જે શ્વેત વસ્ત્રાલંકારથી યુક્ત મહાજ્ઞાન અને મધુર સ્વરથી પોતાના ભક્તોને સમ્મોહિત કરે છે. માતા સિદ્ધિદાત્રી પાર્વતીનું જ એક રૂપ છે. સિદ્ધિદાત્રી નામ જ જણાવે છે કે, તેમનું ભજન કરવાથી સાધકને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. સિદ્ધિઓની આપનારી એટલે સિદ્ધિદાત્રી! માતાના જાપ કરવાથી સાધકનું મન સંસારની તુચ્છ ગણાતી વસ્તુઓથી પર ઉઠીમે પરમ સાંત્વનાનો ભાવ અનુભવે છે. કુલ 8 સિદ્ધિઓ માતાની ભક્તિ કરવાથી પ્રાપ્ત થાય છે. આ સિદ્ધિઓ મળે એનાથી વધારે મોટું કોઈ વરદાન હોય જ ના શકે!

મા સિદ્ધિદાત્રીની પૂજાઆરાધના કરવાથી શરીરમાં શુભ તત્વોની વૃદ્ધિ થાય છે અને શરીરમાં રહેલા ખરાબ તત્વો બહાર નીકળી જાય છે. મા સિદ્ધિદાત્રીની આરાધના કરવાથી આપણા અંતરાત્મામાં દિવ્યતા અને પવિત્રતાનો સંચાર થાય છે જેના કારણે આપણે આપણી તૃષ્ણાઓ અને વાસનાઓને નિયંત્રિત કરવામાં સફળ રહીએ છીએ અને જીવનમાં સંતુષ્ટિની અનુભૂતિ થાય છે. માતાજીનું દૈદીપ્યમાન સ્વરૂપ આપણી સુષુપ્ત માનસિક શક્તિઓને જાગૃત કરીને આપણને પોતાના પર નિયંત્રણ કરવાની શક્તિ અને સામર્થ્ય પ્રદાન કરે છે. આજના દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા અને આરાધના તેમ જ ઉપાસના કરવાથી આપણી અનિયંત્રિત મહત્વકાંક્ષાઓ પૂરી થાય છે અને મા પોતાના ભક્તોના અસંતોષ, આળસ, ઈર્ષા, પ્રદોષ-દર્શન, પ્રતિશોધ સહિતની દુર્ભાવનાઓ અને દુર્બળતાઓનો નાશ કરી ભક્તના જીવનમાં સદગુણોનો વિકાસ કરે છે.


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here