દિલ્હી-કોલકાતા વચ્ચે આજે ક્વૉલિફાયર-2

0
59
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

જે જીતશે તે IPL-2021 ફાઇનલમાં

લીગમાં મળેલા પરાજયનો હિસાબ સરભર કરવા દિલ્હીની ટીમ આતુર, સાંજે 7:30થી મેચનો પ્રારંભ થશે

ખાસ-ખબર સંવાદદાતા
પ્રથમIPL-T20 લીગ જીતવાના પ્રયાસમાં રહેલી દિલ્હી કેપિટલ્સની ટીમને બુધવારે અહીં રમાનારા બીજી ક્વોલિફાયર મુકાબલામાં શાનદાર ફોર્મમાં રહેલી કોલકાતા નાઇટ રાઇડર્સના કપરા પડકારનો સામનો કરવો પડશે. દિલ્હીની ટીમ ચેન્નઇ સુપર કિંગ્સના પ્રથમ અંતરાયને પાર કરવામાં નિષ્ફળ રહી હતી. રિષભ પંતના નેતૃત્વ હેઠળની ટીમ જો કોલકાતા સામે હારી જશે તો તેના અભિયાનનો અંત આવી જશે. ક્વોલિફાયર-2માં જીતનાર ટીમ ચેન્નઇ સામે ફાઇનલમાં રમશે. સોમવારે એલિમિનેટર મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યા બાદ દિલ્હી આત્મવિશ્વાસથી ભરપૂર છે અને તેના ખેલાડીઓ પોતાના ફોર્મ અને રિધમને જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

ખેલાડીઓનું ફોર્મ અને અણીના સમયે હાઇએસ્ટ લેવલની રમતનું પ્રદર્શન કરવાના કારણે દિલ્હી કરતાં કોલકાતાનું પલડું ભારે જણાય છે. દિલ્હી પાસે પણ સારા મેચ વિનર છે અને તેની પાસે પણ લાંબી બેટિંગ લાઇન-અપ છે. લીગ તબક્કામાં દિલ્હીની ટીમ 10 મેચ જીતીને 20 પોઇન્ટ સાથે ટોચના ક્રમે રહી હતી પરંતુ કોલકાતા માટે તેનો માર્ગ આસાન રહેશે નહીં તે બાબતને દિલ્હી ઘણી સારી રીતે જાણે છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સુકાની રિકી પોન્ટિંગના કોચ તરીકે જોડાયા બાદ દિલ્હીની ટીમ સતત મજબૂત બની છે. 2019માં દિલ્હીની ટીમ ત્રીજા ક્રમે રહી હતી અને 2020ની સિઝનમાં તે ફાઇનલ સુધી પહોંચી હતી.

ભારત ખાતે રમાયેલા પાર્ટ-1માં કોલકાતાનું પ્રદર્શન સામાન્ય રહ્યું હતું પરંતુ યુએઇ તબક્કામાં મોર્ગનની ટીમે શાનદાર પુનરાગમન કર્યું છે. વધારે સારા રનરેટના આધારે કોલકાતાએ પાંચ વખતની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સને પાછળ રાખીને પ્લે ઓફ માટે ક્વોલિફાય કર્યું હતું. બેંગ્લોર સામે કોલકાતાએ કરેલા પ્રદર્શનને ધ્યાનમાં રાખીએ તો મોર્ગનની ટીમે હરાવવી દિલ્હી માટે આસાન રહેશે નહીં. શારજાહનું ગ્રાઉન્ડ નાનું હોવા ઉપરાંત સ્પિન ફ્રેન્ડલી પિચ ઉપર સ્પિનર વરુણ ચક્રવર્તી અને સુનીલ નરૈનની જોડી વધારે ખતરનાક બની જાય છે. વર્તમાન સિઝનમાં કોલકાતાની બેટિંગ મજબૂત પાસું રહ્યું નથી અને દિલ્હીને આ ફાયદો મળી શકે છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here