શાહરુખના શહેઝાદાની નહીં, સ્વંયના સંતાનોની ચિંતા કરો….

0
84
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

બરાબર એક વર્ષ પછી ફરી વખત ડ્રગ્સ અને બોલીવુડ ચર્ચામાં છે. સપ્ટેમ્બર 2020માં પ્રિયા ચક્રવર્તીનો મામલો ચાલી રહ્યો હતો અને ઓક્ટોબર 2021માં આર્યનખાનનો મામલો ચર્ચામાં છે. રિયા ચક્રવર્તી કોઈ મોટી સેલિબ્રિટી હિરોઈન ન હતી પરંતુ આર્યન શાહરુખખાનનો પુત્ર છે. જો કોઈ ઈંડાની લારીવાળાનો છોકરો ડ્રગ્સની હેરાફેરીમાં પકડાયો હોતો તો લોકોને એ મામલે વધુ જાણવામાં રસ ન રહેતો પરંતુ બોલિવુડ એકટર શાહરુખાનનો છોકરો ડ્રગ્સ લેતા ઝડપાયો છે એટલે આ કેસમાં બધાને ફાલતુ વાતો જાણવામાં રસ છે કે હવે પછી શું થશે? પુત્રના કાંડ બાદ શાહરુખને કબજીયાત થઈ ગઈ છે કે ઝાળા? પિતાના કશું ન કરી શકતા આર્યનને પાદ આવ્યું છે કે નહીં? વાછૂટ થાય છે? વગેરે.. વગેરે.. મોટાભાગના લોકોને પોતાના સંતાનો કરતા શાહરૂખના સંતાનમાં વધુ રસ જાગ્યો છે પરંતુ આ સમય શાહરુખના શહેઝાદાની નહીં સ્વંયના સંતાનોની ચિંતા કરવાનો છે. આર્યનખાન ડ્રગ્સ કેસ આંખ ઉઘાડનારો અને વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે.

ક્રુઝ શીપ પર પકડાયેલી હાઈ પ્રોફાઈલ રેવ પાર્ટીના કારણે દેશમાં વધી રહેલા ડ્રગ્સના દુષણ પર ફરી એક વખત ધ્યાન ખેંચાઈ રહ્યુ છે. ડ્રગ્સનું દુષણ માત્ર મેટ્રો સિટીમાં જ નહીં પણ હવે નાના નગરોથી લઈ ગામડાઓમાં પણ વિસ્તરી રહ્યુ છે અને તેનો કારોબાર પણ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે વાલીઓએ ચેતી જવાની અને પોતાના સંતાનોને બચાવી લેવાની જરૂર છે. વર્ષ 2020ના આંકડા પ્રમાણે 1.40 લાખ કરોડ રુપિયાના હેરોઈનનો વેપાર થયો હતો. દેશમાં 142 ડ્રગ્સ સિન્ડિકેટ ચાલી રહી છે અને 20 લાખથી વધુ યુવાનો હેરોઈનના બંધાણી થઈ ચૂક્યા છે. આ ચોંકાવનારા આંકડા એનસીબી દ્વારા જ એક એનાલિસિસમાં રજૂ કરાયા હતા. નશીલી દવાઓના ઉપયોગે અને વેપારે હિન્દી ફિલ્મ જ નહીં પણ સાઉથની કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પણ પ્રભાવિત કરી છે. એનસીબીનું અનુમાન છે કે, 360મેટ્રિક ટન છુટક હેરોઈનની તસ્કરી દર વર્ષે ભારતના અલગ અલગ શહેરોમાં થાય છે. આંકડા પ્રમાણે 20 લાખ બંધાણીઓ રોજ 1000 કિલોગ્રામ હેરોઈનનો ઉપયોગ કરે છે.

વિચાર કરો.. આ હેરોઈનના લાખો બંધાણીઓમાં કે ચરસ, ગાંજા, અફીણ જેવા ઘાતક નશાઓના બંધાણીમાં ક્યાંક શાહરુખનાં સંતાન આર્યનની સાથે તમારા સંતાન પણ નથી ને? કારણ કે, હવે દેશભરમાં નશીલા પદાર્થો માંગો ત્યાં અને જોઈએ એટલા મળે છે. બીડી, સિગરેટ, ગુટકા, તમાકું તો ઠીક છે, આજે દારૂ, ગાંજો, ચરસ, અફીણ જેવા નશીલા પદાર્થો મેળવવા અત્યંત સરળ બન્યા છે અને સાવ સસ્તા પણ મળે છે ત્યારે ક્યાંક છાનેખૂણે તમારા સંતાનો પણ આર્યનની જેમ પિતાનું નામ ડૂબાડતા અને પોતાનું વર્તમાન તથા ભાવિ બગાડ્તા નશીલા પદાર્થોનું સેવન કરતા નથી ને? તમારા સંતાન પણ આર્યનના રસ્તે ન હોય એ જોવાની જવાબદારી તમારી છે અને એટલે જ શાહરુખના શહેઝાદા નહીં સ્વંયના સંતાનોની ચિંતા કરો.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here