ઇજિપ્શીયન કૃષ્ણનો ઇતિહાસ!

0
101
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

આમુનના દેહનો રંગ ભૂરો, એમનાં માથામાં ઓસ્ટ્રિચ પક્ષીનાં બે પીંછા હોવાને લીધે ઘણા પુરાતત્વશાસ્ત્રીઓ અને સંસ્કૃત-ઇજિપ્શીયન સાહિત્યનાં વિદ્વાનોએ એમને ભગવાન કૃષ્ણ સાથે સરખાવ્યા છે! 

મોર્ડન ધર્મ
– પરખ ભટ્ટ

અમુક ઇજિપ્શીયન સાહિત્યનાં પુસ્તકોમાંથી પસાર થતી વખતે એમનાં દેવી-દેવતાઓનાં વર્ણન સામે આવ્યા. ધ્યાનાકર્ષક નામ હતું : આમુન! દર વર્ષે ઇજિપ્તનાં કર્નાક ખાતેનાં મંદિરે લાઇટ એન્ડ સાઉન્ડ શો ઓર્ગેનાઇઝ થાય છે, જેમાં એક સંવાદ લાઉડસ્પીકર પર સાંભળવા મળે છે, હું આમુન-રા, મારા પગરખામાંથી નાઇલનું પાણી વહે છે! ઇજિપ્શીયન માયથોલોજીમાં અપાયેલું આ વર્ણન ત્રિદેવોમાંના એક ભગવાન વિષ્ણુનાં અવતાર શ્રીકૃષ્ણ સાથે ઘણું મેળ ખાય છે. બંનેની સરખામણી કરતા પહેલા એ જાણી લેવું જરૂરી છે કે ઇજિપ્શીયન દેવ આમુનકોણ છે?

ઇસૂ પૂર્વનાં બે હજાર વર્ષો પહેલા થઈ ચૂકેલા આમુનને બ્રહ્માંડનાં સર્જકદેવ તથા ઇજિપ્તનાં મૂળ દેવતા તરીકે પૂજવામાં આવે છે. ‘આમુન-રે-કામુતેફ’ તરીકે જાણીતાં આમુનને અમૌનેટ (વાયુની દેવી)નાં પતિ તરીકે આલેખવામાં આવ્યા છે. સોનેરી રંગનો લાંબો સુંદર તાજ, માથામાં ખોસેલા ઓસ્ટ્રિચ પક્ષીનાં બે પીંછા, ગળાથી પેટ સુધીનો નેકલેસ અને શરીરને ચપોચપ બંધ બેસતાં કપડાંમાં તેઓ પોતાનાં સિંહાસન પર હાથમાં એક લાંબુ અસ્ત્ર (સેપ્ટર) લઈને બેઠેલા જોવા મળે છે. આમુનનો અર્થ થાય છે, અદ્રશ્ય હોય એવું! ફેરો રાજાની માફક એમની તસ્વીરમાં પણ તેઓ રાજસિંહાસન પર પોતાનાં પરિવારની સાથે બેસેલા જોઇ શકાય છે. પત્ની ‘મટ’ અને પુત્ર ‘ખોંસુ’ને એમનાં પરિવારજન તરીકે સ્વીકારાયા છે. ઇજિપ્શીયન સાહિત્યોમાં એવું પણ વર્ણન વાંચવા મળે છે કે સૂર્યનાં દેવતા ‘રા’ સાથે એક થઈને તેઓ ‘આમુન-રા’ તરીકે ઓળખાયા. ઇસૂપૂર્વે 1700માં ઇજિપ્તનાં રાજા હીકસોસે ઉત્તર ઇજિપ્ત પર આક્રમણ કર્યુ. ત્યાં સુધી આમુનનું ધાર્મિક મહત્વ ફક્ત દક્ષિણ ઇજિપ્તની પ્રજાતિ સુધી મર્યાદિત હતું, પરંતુ 1500 ઇસૂપૂર્વેની સાલમાં ઇજિપ્શીયન પ્રજાએ હીકસોસને યુદ્ધમાં હરાવ્યા બાદ સમગ્ર ઇજિપ્તમાં આમુન દેવની પૂજા થવા લાગી. લોકો એમને પોતાનાં આરાધ્યદેવ તરીકે પૂજવા લાગ્યા. આજની તારીખે પણ ઇજિપ્તનાં બે સૌથી મોટા મંદિરો ‘લક્ષોર’ અને ‘કર્નાક’માં એમન દેવની પૂજા થાય છે.

એમન અને કૃષ્ણ વચ્ચેની સામ્યતા

આમુનના દેહનો રંગ ભૂરો, એમનાં માથામાં ઓસ્ટ્રિચ પક્ષીનાં બે પીંછા હોવાને લીધે ઘણા પુરાતત્વશાસ્ત્રીઓ અને સંસ્કૃત-ઇજિપ્શીયન સાહિત્યનાં વિદ્વાનોએ એમને ભગવાન કૃષ્ણ સાથે સરખાવ્યા છે! મહાભારતમાં અપાયેલા વર્ણનને ચકાસતાં સમજાય કે ઇસૂપૂર્વે 3102ની સાલમાં ભગવાન કૃષ્ણનો દેહાંત થયો હોવો જોઇએ. અને આમુનને ઇજિપ્તનાં લોકોએ પૂજવાનાં શરૂ કર્યા એ સમય એટલે ઇસૂપૂર્વ 2000ની સાલ! એનો સીધો મતલબ એમ થયો કે કૃષ્ણની લીલા અને ગાથાનું વર્ણન જ્યાં સુધીમાં ઇજિપ્તનાં લોકોનાં કાને પડ્યું એ બે ઘટના વચ્ચે લગભગ 1000 વર્ષોનો સમય વીતી ચૂક્યો હોવો જોઇએ. (પુરાતવશાસ્ત્રીઓએ ઇજિપ્તનાં લક્ષોર અને એમનનાં મંદિરોની છાનબીન દરમિયાન એ સાબિત કર્યુ છે કે તેમનું નિર્માણ ઇસુપૂર્વે 2055 થી 1650ની વચ્ચે થયું છે!) ઇજિપ્ત ભાષામાં આમુનને ‘યમન’ પણ કહે છે. આજે ભારતની સૌથી પવિત્ર નદીઓમાંની એક એવી ‘યમુના’ સાથે તે મળતું આવે છે. ગોકુળ (વૃંદાવન)માં આવેલી યમુનાનાં કાંઠે શ્રી કૃષ્ણનું બાળપણ વીત્યું! બની શકે કે યમુનાનું નામ બદલીને ઇજિપ્તમાં આમુન થઈ ગયું અને લોકો એને પોતાનાં દેવ સમજીને પૂજવા લાગ્યા!

એમ છતાં આશ્ચર્ય એ વાતનું છે કે, આમુનની પત્ની તથા પુત્ર ‘મટ’ અને ‘ખોંસુ’નાં વર્ણનો શ્રીકૃષ્ણની પત્ની તેમજ બાળકો સાથે ક્યાંય મેળ નથી ખાતાં! ઇજિપ્શીયન સાહિત્યમાં આમુન દેવ પોતાનાં વાહન ‘હોરસ’ પર સવાર થઈને વિહરતાં હોવાનું વર્ણન છે. બીજી બાજુ, ભગવાન વિષ્ણુ પણ ગરૂડ પર સવાર થઈને દર્શન આપતાં હોવાની કથા આપણા પુરાણોમાં કહેવામાં આવી છે.

સદીઓ જૂના ‘બૌલક’ નામનાં હસ્તલિખિત કાગળ (ઇસુપૂર્વે 1552-1295)માં જણાવ્યા મુજબ, એમનને સમગ્ર સૃષ્ટિનાં સર્જક તરીકે દર્શાવાયા છે. ગરીબોનાં રક્ષક અને ભક્તોનાં આધાર એવા દેવતા આમુનને ઇજિપ્ત લોકો પોતાનાં સર્વોચ્ચ દેવ તરીકે વ્યાખ્યાયિત કરે છે. શ્રીમદ ભગવદગીતા વાંચીએ તો સમજાય કે, કૃષ્ણને પણ આ જ પ્રકારે સૃષ્ટિનાં સર્જનકર્તા અને પાલનકર્તા દેવ તરીકે સ્વીકારાયા છે.

ભાવાર્થ : સાધુપુરૂષોનાં ઉદ્ધાર કરવા માટે અને પાપકર્મ કરનારનો વિનાશ કરવા માટે તથા ધર્મની પુન:સ્થાપના કરવાનાં હેતુસર હું દરેક યુગમાં પ્રગટ થયો છું!

‘બૌલક’માં ઇજિપ્તમાં ઉજવાતાં ‘ઓપેટ ફેસ્ટિવલ’નો ઉલ્લેખ છે. જે કર્નાકમાં ઉજવાય છે. આમુન, તેની પત્ની મટ અને પુત્ર ખોંસુને પવિત્ર હોડીમાં બેસાડીને ભક્તો એમની કબર તરફ લઈ જવામાં આવે છે, જે લક્ષોર અને કર્નાકનાં મંદિરોથી લગભગ 2 માઇલનાં અંતરે આવેલી છે! ભક્તોનું ટોળું લક્ષોર મંદિર પહોંચતાની સાથે જ અમુક ખાસ પ્રકારની વિધિ-વિધાનનું અનુસરણ કરે છે. (લક્ષોર મંદિરની દિવાલો પર આ તહેવારનું બહુ જ સુંદર ચિત્રાત્મક વર્ણન જોવા મળે છે.) આમુન, મટ અને ખોંસુની મૂર્તિઓને સ્થાનિક વિધિ અનુસાર સ્નાનાદિ કરાવી સુંદર વસ્ત્રાભૂષણો પહેરાવીને તૈયાર કરવામાં આવે છે. જેની પૂર્ણાહુતિ પર ત્રણેય ઇજિપ્શિયન મૂર્તિઓને ફરી હોડીમાં મૂકી પૂજારીઓ દ્વારા એમની પૂજા-અર્ચના થાય છે! સંગીતવાદકોનાં વાદ્યોમાંથી સુમધુર સંગીત રેલાવાનું શરૂ થાય છે. તહેવારમાં જોડાયેલા તમામ ભક્તજનો આનંદ-પ્રમોદથી તાળી વગાડી નૃત્ય-ગાયનનો લુફ્ત ઉઠાવે છે.

નોંધવા જેવી બાબત એ છે કે; આમુન, મટ અને ખોંસુને લક્ષોર સુધી લઈ જનારા રથ સાથે એવા ઘોડા જોતરવામાં આવે છે, જેનો શણગાર ખૂબ સુંદર રીતે થયો હોય! શ્રદ્ધાળુઓ પોતાનાં દેવને ભાવતાં ભોજન ધરાવે છે. લક્ષોર મંદિર પહોંચતાની સાથે જ ત્યાંના ફેરોમાં પોતાનાં દેવ આમુનની શક્તિઓ આવે એ માટે વિશેષ પ્રાર્થના થાય છે.

ત્યારબાદ આમુન તથા તેનાં પરિવારની મૂર્તિને થોડા સમય માટે ત્યાં મંદિરમાં જ રહેવા દેવાય છે. પછી તેને નાઇલ નદીની પાસે આવેલા કર્નાક મંદિર સુધી પહોંચાડવાની રીતિનો આરંભ થાય છે. સામાન્ય રીતે પહેલાનાં સમયમાં ઓપેટ ફેસ્ટિવલ લગભગ 11 દિવસો સુધી ઉજવાતો હતો, જ્યારે હવે તેની સમયમર્યાદા વધારીને 25 થી 27 દિવસની કરી દેવાઈ છે.

ઇજિપ્તનાં ઓપેટ ફેસ્ટિવલનું વર્ણન તો તમે વાંચ્યુ પરંતુ આપણે ત્યાં પુરી-જગન્નાથમાં દર વર્ષે ઉજવાતી રથ યાત્રા અંગે તમને કેટલીક જાણ છે? ઓરિસ્સાનાં પુરીમાં યોજાતી આ રથ યાત્રામાં ભગવાન કૃષ્ણને (જગન્નાથ) તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલરામની સાથે પવિત્ર રથમાં બેસાડીને જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર સુધીની યાત્રા કરાવવામાં આવે છે. ઓપેટ ફેસ્ટિવલ અને રથ યાત્રા વચ્ચેનો એકમાત્ર ફરક એ છે કે, અહીં ભગવાન જગન્નાથનાં રથને ઘોડા નહીં પરંતુ એમનાં ભક્તો દ્વારા લઈ જવામાં આવે છે. બે મંદિરો વચ્ચેનું અંતર બે કિલોમીટર જેટલું છે. ઓપેટ ફેસ્ટિવલની માફક અહીં પણ ખૂબ ધામધૂમ અને જાહોજલાલી સાથે ભગવાનની રથયાત્રા કાઢવામાં આવે છે. મંત્રોચ્ચાર, સંગીત, નૃત્ય અને પ્રાર્થનાનાં પવિત્ર માહોલમાં ભક્તો પોતાનાં પ્રભુની આરાધના કરે છે.

પૌરાણિક માન્યતાનુસાર, ભગવાન જગન્નાથનાં રથને ખેંચીને લઈ જનાર ભક્તનાં સઘળા પાપનો નાશ થાય છે. ગુંડિચા મંદિર પહોંચ્યા બાદ ભગવાન અને તેમનો પરિવાર સાત દિવસ સુધી ત્યા જ રહે છે. ત્યારબાદ એમને ફરી જગન્નાથ મંદિર ભણી લઈ જવાની યાત્રા શરૂ થાય છે. સમગ્ર ઉત્સવનો સમયગાળો લગભગ 25-26 દિવસનો રહે છે (બિલ્કુલ ઓપેટ ફેસ્ટિવલની માફક)!

ધર્મનાં અભ્યાસુ વ્યક્તિને ખ્યાલ હશે કે શ્રીકૃષ્ણનાં ભાઈ બલરામને અનંત શેષનાગનો અવતાર માનવામાં આવે છે. ક્ષીરસાગરમાં નિદ્રાધિન થયેલા ભગવાન વિષ્ણુનાં છત્ર એવા ભગવાન શેષનાગ પ્રભુનાં કૃષ્ણાવતારમાં સતત એમની સાથે રહ્યા! બીજી બાજુ, કર્નાકનાં મંદિરમાં પણ આમુનનાં દીકરા ખોંસુને સર્પ (ધ ગ્રેટ સ્નેક : વિશ્વનાં નિર્માણ દરમિયાન ઉપયોગમાં લેવાનાર કોસ્મિક ઇંડાને સેવનાર) તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. આમુનની પત્ની મટને જગતમાતા તરીકે સ્વીકારાઈ છે. આપણે ત્યાં હિંદુ વેદ-પુરાણોમાં સુભદ્રાને જગતમાતા દુર્ગાનું જ સ્વરૂપ માનવામાં આવે છે.

વેદનાં અભ્યાસુઓનાં મતાનુસાર, ઇજિપ્તનાં ઓપેટ ફેસ્ટિવલની સરખામણીમાં આપણે ત્યાં ઉજવાતી રથ યાત્રાનો ઇતિહાસ કેટલીય સદીઓ જૂનો છે! બારમી સદી (ઇ.સ. 1200)નાં સમયનાં જગન્નાથ મંદિરમાં નિર્માણ પહેલા પણ રથયાત્રા ઉજવાતી હોવાની માન્યતા છે. એવું કહેવામાં આવે છે કે નવા જગન્નાથ મંદિર બન્યા પહેલા ત્યાં ભગવાન વિષ્ણુનું એક નાનકડું મંદિર હતું, જ્યાંથી રથયાત્રાનો આરંભ થતો હોવાનું વર્ણન છે.

ભગવાન જગન્નાથની તમામ મૂર્તિઓને લીમડાનાં વૃક્ષનાં લાકડામાંથી બનાવવામાં આવે છે. જેમની ઉંચાઈ અઢીથી ત્રણ મીટર જેટલી રાખવામાં આવે છે. સુંદર વસ્ત્રાભૂષણોથી સુસજ્જ ત્રણેય મૂર્તિઓ (ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામ)ને ભક્તો અત્યંત આદરભાવપૂર્વક નમન કરે છે. કેટલાક જૂના સંસ્કૃત સાહિત્યોમાંથી એવી વાત મળી છે કે, ભગવાન વિષ્ણુને છત્ર પ્રદાન કરનાર શેષનાગને માતા લક્ષ્મી પુત્ર તરીકેનો પ્રેમ આપે છે. (ઇજિપ્શિયન સંસ્કૃતિમાં પણ ખોંસુને મટનો પુત્ર જ માનવામાં આવે છે ને!) અગર બલરામને આપણે શેષનાગ તથા સુભદ્રાને લક્ષ્મીનું સ્વરૂપ માનતાં હોઇએ તો અહીં પણ મટ-ખોંસુની માફક એમની વચ્ચે માતા-પુત્રનો સંબંધ હોવાનું પ્રસ્થાપિત થાય છે.

સ્કંદ પુરાણ અનુસાર, સર્વપ્રથમ જગન્નાથ મંદિર 10,900 ઇસુ પૂર્વેમાં નિર્માણ પામ્યું હતું. પાંડવોએ પણ ચાર ધામોમાંના એક એવા આ પુરીમાં વસવાટ કર્યો હોવાની કથા છે! કેટલાક ઇતિહાસવિદ્દોએ લક્ષોર અને કર્નાકનાં ઇજિપ્શિયન મંદિરોનાં અભ્યાસ કર્યા બાદ એમને હિંદુ સંસ્કૃતિ સાથે સાંકળ્યા છે! ઇજિપ્ટોલોજીસ્ટ આર.એ.સ્ક્વોલ્લર દે’ લુબિક્ઝનાં 15 વર્ષનાં રિસર્ચ પરથી તારણો કાઢવામાં આવ્યા કે લક્ષોર તથા કર્નાક મંદિરોનાં કેટલીક જગ્યાઓ એવી છે જેનો સીધો સંબંધ માણસનાં સાત ઉર્જા-ચક્ર સાથે છે! ત્યાં બેસીને ધ્યાન ધરવાથી સાત ઉર્જા ચક્રોમાંની શક્તિને જાગ્રત કરવી સંભવ છે!

અહીં એક પ્રશ્ન થવો સાવ સ્વાભાવિક છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રા ઇજિપ્તમાં ઓપેટ ફેસ્ટિવલનાં સ્વરૂપમાં કેવી રીતે શક્ય બની શકે? રથ યાત્રાનાં રીતિરિવાજો આખરે ત્યાં સુધી પહોંચ્યા કેવી રીતે? સરળ જવાબ છે. જૂના સમયમાં કોટ્ટન, હાથીદાંત, લોખંડ, સોનુ, મસાલા વગેરે જેવી જીવનજરૂરિયાતની ચીજોનું આદાન-પ્રદાન થતું જ! જે સર્વવિદિત બાબત છે. પહેલાનાં સમયનું ભારત તો અત્યાર કરતાં ઘણું વિસ્તરેલું હતું. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઇરાન, ઇરાક, મ્યાનમાર, ઇન્ડોનેશિયા, થાઇલેંડ સહિતની 12 લાખ સ્ક્વેર કિલોમીટરની ધરતી ભારતવર્ષ ગણાતી. તો શું એ શક્ય નથી કે આવી જ રીતે બે સંસ્કૃતિ, બે સભ્યતા, બે પૌરાણિક કથાઓ અને એમાંના રીતિરિવાજોનું પણ આદાન-પ્રદાન થયું હોય? ઇજિપ્શિયન સભ્યતાને ધ્યાનપૂર્વક જોશો તો સમજાશે કે ઘણી ખરી બાબતો હિંદુ ધર્મને મળતી આવે છે. સરસ્વતી નદીનાં સૂકાઈ જવા પર ઘણી મોટી માનવસંખ્યાને સ્થળાંતર કરવું પડ્યું હતું. નાઇલ નદીને કિનારે વસી રહેલી ઇજિપ્શિયન પ્રજા પણ આમાંની એક તો નથી ને!?


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here