નવ કરશો કોઈ શોક રસિકડાં ઝોલા ઉઠા કે ચલ દીયે!

0
11
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

નવ ક2શો કોઈ શોક રસિકડાં
નવ કરશો કોઈ શોક
યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી
પ્રેમી અંશને રુદન આવશે શઠ હરખાશે મનથી
હરિકૃપાથી મમ લેખ ચિત્રથી જીવતો છઉં હું દમથી
વી2 સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી
-નર્મદ 

સતત ત્રણ-ચાર મેચમાં કોઈ બેટ્સમેને ધૂંઆધાર સદી ફટકારી હોય અને પછી ક્રિકેટ બોર્ડ તેને નિવૃત્તિ લેવાનો આદેશ આપે તો શું થાય? બધાંને આંચકો લાગે એ સ્વાભાવિક છે. બેટ્સમેન એટલીસ્ટ એટલું તો કહે જ કે, ‘આ આદેશ પાછળનો તર્ક સમજાયો નહીં!’ પણ, વિજયભાઈ એવું કશું જ બોલ્યા નહીં. મોદીને એક વખત એક પ્રશ્ર્ન પૂછાયો કે, ‘દિલ્હીની ગાદી પરથી તમારે ઉતરવું પડે તો શું કરશો?’ મોદીએ કહ્યું, ‘હું તો ફકીર છું, થેલો ઉપાડીને ચાલતો થઈ જઈશ!’ મોદીએ તો માત્ર આવું કહ્યું હતું, રૂપાણીએ કરી બતાવ્યું. હમ તો ઝોલા ઉઠા કે ચલ દીયેં…

પાર્ટીનાં આદેશ વિરૂદ્ધ એકપણ શબ્દ બોલ્યા વગર, હસતાં મુખે ગાદી પરથી ઉતરી જવા માટે 56ની નહીં 96ની છાતી જોઈએ. મેં એવા લોકો પણ જોયા છે કે, વોર્ડ પ્રમુખનાં પદ પરથી હટાવાય તો પણ ધ્રુસકે ધ્રુસકે રડતાં હોય. નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ટિકિટ કપાયા બાદ ચોધાર રડતાં લોકોની તસવિરો દરેક ચૂંટણી વખતે છપાતી રહે છે. સત્તામાં એક અદ્ભુત કહેવાય તેવું ચુંબકિય તત્ત્વ હોય છે. તેનાંથી છેટાં રહેવું આસાન નથી. કોઈ સ્ટેટમેન્ટ આપવાની વાત તો અલગ છે, વિજય રૂપાણીની બોડી લેન્ગ્વેજમાં પણ કોઈને નારાજગી વર્તાઈ નહીં. આ સ્થિતપ્રજ્ઞતાને, નિસ્પૃહતા, ખેલદિલી અને વિશાળ હૃદયને સલામ છે.

શંકરસિંહના બળવા પછી કેશુભાઈની સરકાર ઘરભેગી થઈ ત્યારે ખુદ કેશુભાઈએ પૂછવું પડયું હતું કે, ‘વાંક શું? ગુનો શું?’ રૂપાણીએ કશું જ કહ્યું નથી. તેમનાં વતી સામાન્યજન, અગ્રણીઓ, પત્રકારો, પ્રબુદ્ધો પૂછી રહ્યા છે: ‘વિજયભાઈનો વાંક શું, ગુનો શું?’ વિજયભાઈનો વાંક એ છે કે, તેઓ સરળ-સહજ રહ્યા, ખટપટનો જવાબ ઉત્તમ કામગીરીથી આપ્યો અને ક્યારેય એક સ્તરથી નીચે ન ઉતર્યાં. વિજયભાઈનો વાંક એ છે કે, ગુજરાતમાં આજની તારીખે પણ જ્ઞાતિનાં રાજકારણનો પ્રભાવ છે. એમને બદલાવવાનું પણ એકમાત્ર કારણ જ્ઞાતિવાદી રાજકારણ જ ગણાય.
વિજય રૂપાણીએ ગુજરાતમાં ચિક્કાર કામ કર્યું, અનેક નવી યોજનાઓ આપી, સખ્ત કાનૂન બનાવ્યા, દરેક સંકટ વખતે ગુજરાતની પડખે ઉભા રહ્યાં, કોરોના નાથવામાં શ્રેષ્ઠ કામગીરી કરી. તેઓ સમગ્ર કાર્યકાળ દરમિયાન નિષ્કલંક રહ્યાં, દુશ્મનો પણ તેમની વિરૂદ્ધ ભ્રષ્ટાચારનો આક્ષેપ ન કરી શકે તેવી પારદર્શકતા દર્શાવી. કોઈ વાદ-વિવાદ નહીં, એકપણ હુલ્લડ કે આંદોલન નહીં. દરેકને તેઓ મળે, શાંતિથી સાંભળે અને સમસ્યા વાજબી જણાય તો તુરંત નિરાકરણ લાવે. રાજનીતિમાં બહુ વિરલ ગણાય તેવું કાતિલ કોમ્બિનેશન તેમનામાં રહ્યું. બોલવામાં એકદમ મૃદુ, વર્તન માયાળુ પરંતુ નિર્ણયો લેવામાં કઠોર-સખ્ત.

વિજય રૂપાણી મુખ્યમંત્રીપદે હતાં એ વર્ષો દરમિયાન હું અગણિત વખત તેમને મળ્યો છું, એમની કાર્યશૈલી નજીકથી નિહાળી છે. ફટાફટ નિર્ણયો લેવાની અને તેની અમલવારીની બાબતમાં તેમની સ્ફૂર્તિ સગી આંખે નિહાળી છે. અનેકાનેક સદ્ગુણો અને જમાપાસાં ધરાવતાં હોવા છતાં ક્રુર રાજકારણ તેમને ગળી ગયું. તેઓ પાંચ રૂપિયાનું કામ કરે તો સામે પાવલીનું માઈલેજ લેવામાં જ માનતાં રહ્યાં, દિલ્હીનાં નેતાઓમાંથી તેઓ શીખ્યા હોત અને પાંચિયાનાં કામ સામે પાંચસોની પબ્લિસિટી કરી હોત તો 2027 સુધી તેઓ જ ગુજરાતનાં મુખ્યમંત્રી હોત.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here