સીમ શાળામાં શિક્ષણ લઈ દેશની સીમાઓના પ્રહરીની ગૌરવપૂર્ણ ભૂમિકાને ચરિતાર્થ કરતો વિંછીયાનો જવાન

0
46
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સેનાથી વિશેષ દેશસેવાનું ગરિમાપૂર્ણ માધ્યમ કોઈ હોઈ ન શકે – ફૌજી સુનિલ પુનાભાઈ પરમાર

इससे बड़ा कोई कर्म नहीं हैंदेश की हिफाजत से बड़ा कोई धर्म नहीं है

નાનપણથી દેશની સેવાર્થે સૈન્યમાં જોડાવાનું સ્વપ્ન સેવતા ખેડૂત પુત્રએ ગામથી દૂરની સીમ શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વિંછીયા તાલુકાના ખડકાણાનો જવાન સુનિલ પુનાભાઈ પરમાર દેશની સીમાઓને સુરક્ષિત રાખવાની ગૌરવપૂર્ણ ભૂમિકા નિભાવી અન્ય યુવાઓ માટે બન્યો છે પ્રેરણાસ્ત્રોત.

બાળપણમાં ઝાડની ડાળીને બંદૂકની જેમ ખભ્ભે રાખી મિત્રો સાથે રમત રમતો સુનિલ આજે એલ.એમ.જી.મશીનગન અને સાચી પિસ્તોલ સાથે દેશના સીમાડાઓની સુરક્ષામાં સહભાગી બની ફરજ નિભાવી રહ્યો છે.

નાના એવા ખડકાણા ગામનો સેનામાં ભર્તી થનાર એકમાત્ર જવાન સુનિલ તેની આર્મીની સફર વિષે ગૌરવભેર કહે છે કે, મેં પ્રાથમિક શિક્ષણ અહીં ખડકાણા ગામમાં જ લીધું, ધોરણ ૮ થી ૧૨ અમરાપુર સ્કૂલમાં ભણ્યો, સિપાહી થવા માટે જરૂરી ફિટનેસ પણ સાથોસાથ કેળવતો ગયો. આર્મી ભરતીનો કેમ્પ થયો તેમાં હું સિલેક્ટ થઈ ગયો તે મારા જીવનની સૌથી શ્રેષ્ઠ ક્ષણ હતી. મારા પરિવાર અને ગામમાં હું પ્રથમ જવાન છું જે ફૌજમાં જોડાયો હોય. સૌ કોઈને આ વાતની ખુશી છે.

ફૌજમાં જોડાયા બાદની ટ્રેનિંગ અંગે સુનિલ કહે છે કે, આર્મીમાં જોડાયા પછી સૌથી વધુ કપરો સમય એ ટ્રેનિંગનો હોય છે. શારીરિક કરતા માનસિક રીતે મજબૂત વ્યક્તિ જ આગળ જઈ શકે છે. ૨૦ કિલોથી વધુ વજનની પીઠ પર બેગ, હાથમાં વજનદાર શસ્ત્ર, ડ્રેસ અને મજબૂત બુટ પહેરીને ડ્રિલ કરવાની હોવાથી થાક ખુબ લાગે, પરંતુ મનથી મેં નક્કી કરેલું કે ગમે તે થાય, પીછે હઠ કર્યા વગર ટ્રેનિંગ પુરી કરીશ જ.

હાલ મારુ પોસ્ટિંગ મહારાષ્ટ્રના અહમદપુર ખાતે આર્મ્ડ કોર સેન્ટર યુનિટમાં છે. વતન આવેલા સુનિલને એક સમારંભમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, શિક્ષણ ક્યાં મેળવીએ છીએ તેના કરતા દ્રઢ મનોબળ સાથે મંજિલ સુધી પહોંચવાની જિદ્દ વધુ અગત્યની છે. સુનિલે સમગ્ર વિંછીયા પંથકનું નામ રોશન કરી અનેક બાળકોને અને યુવાઓને  પ્રેરણા પુરી પાડી હોવાનું બાવળિયાએ ગ્રામજનોને ગૌરવ સાથે જણાવ્યું હતું.

સુનિલ જણાવે છે કે, ભારતીય સેનાના જવાનોને લોકો તરફથી ખુબ માન-સન્માન મળે છે, અમે ટ્રેનમાં કે અન્ય સ્થળોએ જઈએ ત્યારે બાળકો અને પરિવારજનો અમારી સાથે ખુબ પ્રેમથી વાતો કરે છે અને સેલ્ફી પણ ખેંચાવે છે. સુનિલ વતન આવે ત્યારે અન્ય યુવાઓને સેનામાં ભરતી થવા માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે. સરહદ પર દુશ્મનો સામે લડવાની મહેચ્છા હોવાનું સુનિલ ખુમારીપૂર્વક જણાવે છે. દેશપ્રેમની વિભાવનાને સાર્થક કરતા સુનીલને સો સો સલામ…


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here