સત્સંગ કોને કહેવાય?

0
56
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

મનુષ્યના વિચારો જેવાં હશે એવાં જ મિત્રો તે શોધી લેશે અને પછી એ મિત્રોમાં જે લક્ષણો કે અપલક્ષણો હશે તે અપનાવતો જશે.

   મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર

સત્સંગને સ્થૂળ શબ્દાર્થમાં લઈએ તો ‘સત’ એટલે સારું અને ‘સંગ’ એટલે સોબત, સથવારો, સંગાથ. આપણે કેવાં માણસો સાથે ઊઠીએ-બેસીએ છીએ, સંબંધ રાખીએ છીએ એના પરથી આપણું વ્યક્તિત્વ ઘડાય છે. સારી કે ખરાબ સોબતનો પ્રભાવ આપણાં વિચારો પર, આપણાં મન પર અને આપણાં કાર્યો પર અચૂક પડે જ છે.
જેવી રીતે પાણી પોતાની સપાટી શોધી લે છે તેવી જ રીતે મનુષ્ય પણ પોતાની સપાટી શોધી લે છે. મનુષ્યના વિચારો જેવાં હશે એવાં જ મિત્રો તે શોધી લેશે અને પછી એ મિત્રોમાં જે લક્ષણો કે અપલક્ષણો હશે તે અપનાવતો જશે. અંગ્રેજીમાં એક કહેવત છે : “A man is known by the company he keeps and by the books he reads.” એક વિચારકે સરસ કહ્યું છે કે કોઈ માણસ કેવો છે એ તમારે જાણવું હોય તો, મને એ કહો કે એના મિત્રો કેવાં છે.

 

મેં જોયું છે કે મારા મિત્રોમાંના કેટલાંક મિત્રો અંડરવર્લ્ડના માણસો જોડે દોસ્તી રાખે છે, બુટલેગરો સાથે ઘનિષ્ઠ મિત્રતા ધરાવે છે. તો એ મિત્રોને એમના મિત્રો વાર-તહેવારે કે કોઈ સારે પ્રસંગે ભેટ-સોગાદોમાં શરાબની બોટલ અને નશાકારીત પદાર્થો મોકલે છે. મને હંમેશા મારાં મિત્રોએ સાહિત્યનાં પુસ્તકો ભેટમાં મોકલ્યાં છે, સારા વિચારો-સુવિચારોના સંપાદનો આપ્યાં છે અને છેલ્લાં એક વર્ષથી મારી આધ્યાત્મિક યાત્રામાં સામેલ થયેલાં મિત્રો અથવા વાચકો મને ધૂપ, અગરબત્તી, અધ્યાત્મના અથવા ધર્મને લગતાં પુસ્તકો, રુદ્રાક્ષ, પંચપર્ણી બીલીપત્ર આ બધું ભેટમાં મોકલાવે છે અને આ દરેક ભેટ-સોગાદની અસર મારા મન ઉપર અને વિચારો ઉપર અવશ્ય પડી રહી છે.
કહેવતમાં અમથું નથી કહ્યું કે ‘જેવો સંગ એવો રંગ.’ આ વાત તો થઈ સત્સંગના સ્થૂળ શબ્દાર્થની. આવતીકાલે હું સત્સંગના સૂક્ષ્મ અર્થ વિશે વાત કરીશ.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here