વિદ્યાર્થીની હાજરી, પરીક્ષા, અભ્યાસ મોનિટરીંગ માટે અદ્યતન ટેકનોલોજીયુકત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 કાર્યરત

0
50
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના છેવાડાના ગામના વર્ગખંડના બાળક સુધીના વિદ્યાર્થીઓના અભ્યાસ, હાજરી, પરીક્ષા અને શિક્ષણ વ્યવસ્થાના રિયલ ટાઇમ મોનિટરીંગની ગુજરાતની અભિનવ પહેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-2.0નું ગાંધીનગરમાં લોકાર્પણ કર્યુ હતું.

સમગ્ર દેશમાં ગુજરાતે પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધી ક્વોલિટી એજ્યુકેશન, વિદ્યાર્થી હાજરી, શિક્ષક સજ્જતાને ટેકનોલોજીના માધ્યમથી મોનિટરીંગ કરવા સહિતની વ્યવસ્થાઓ આ કમાન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 દ્વારા વિકસાવી છે તેમ મુખ્યમંત્રી એ ગૌરવ સહ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી એ કહ્યું કે, પ્રાથમિક શિક્ષણનો પાયો સુદ્રઢ-મજબૂત કરીને શિક્ષણ દ્વારા જ વિકાસને વધુ તેજ બનાવી શકાશે તે પ્રાથમિકતા સ્વીકારીને રાજ્ય સરકારે રિયલ ટાઇમ મોનિટરીંગ, પ્રાથમિકથી લઇને હાયર એજ્યુકેશન સુધી ૧૦૦ ટકા પ્રવેશ, શૂન્ય ટકા ડ્રોપ આઉટ રેશિયોની નેમ સાથે ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવા આયામોને આ નવિન ટેકનોલોજી સાથે જોડયા છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે અદ્યતન સુવિધાયુકત અને ટેકનોલોજીના વિનિયોગથી શિક્ષણ દ્વારા આપણે રાજ્યનું બાળક દુનિયાના પડકારો ઝિલવા સજ્જ બને તેવો અભિગમ અપનાવ્યો છે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય મંત્રી મતી વિભાવરીબહેન દવે તેમજ શિક્ષણ સચિવ વિનોદ રાવ સર્વ શિક્ષા અભિયાનના મિશન ડિરેકટર મતી ભારતી અને શિક્ષણના વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા પર વિશેષ FOCUS કરીને મિશન વિદ્યા, શિક્ષક-વિદ્યાર્થીની ઓનલાઇન હાજરી, હોમ લર્નીંગ, પીરિયોડીક એસસમેન્ટ ટેસ્ટ જેવા નાવિન્યપૂર્ણ પ્રોજેકટ છેલ્લા બે વર્ષથી અપનાવેલા છે.

આ નવિનત્તમ પ્રોજેકટસ અને શિક્ષણની અન્ય યોજનાઓના મોનિટરીંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત થયેલું છે.

રાજ્યની પ૪૦૦૦ જેટલી પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, ૩ લાખથી વધારે શિક્ષકો અને ૧ કરોડ ઉપરાંતના વિદ્યાર્થીઓના વિશાળ માળખાની સુઆયોજિત દેખરેખ માટે હવે, આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નવા બિલ્ડિંગ ને અતિ આધુનિક ટેકનોલોજી-સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી એ લોકાર્પણ કરેલા આ નવિન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 માં આવતા ડેટાને મશીન લર્નીંગ, વિઝયુઅલ પાવર cQube ટૂલથી એનેલાઇઝ કરાશે.

સ્ટેટ લેવલે શિક્ષક અને વિદ્યાર્થીની ઓનલાઇન રિયલ ટાઇમ એટેન્ડન્સ જાણી શકવા સાથે જિલ્લાવાર તેમજ કોર્સવાર માહિતી દીક્ષા પર્ફોમન્સના આધાર ઉપર આપી શકાય તેવી અદ્યતન સુવિધા આ નવા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 માં ઉપલબ્ધ બનાવાઇ છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 ના ભવન લોકાર્પણ સાથે વિડીયો વોલ મારફતે શિક્ષણ વિભાગના ફિલ્ડ સ્ટાફ સાથે સીધો સંવાદ સાધી આ પ્રોજેકટસ અંગેના પ્રતિભાવો-ફિડબેક મેળવ્યા હતા. તેમણે આણંદ જિલ્લાની કાજીપૂરા પ્રાથમિક શાળાના શિક્ષક સાથે ઓનલાઇન સંવાદ કર્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં રાજ્યમાં કોરોનાના આ કાળમાં ‘શાળા બંધ-શિક્ષણ નહિં’ના ધ્યેય મંત્ર સાથે વિદ્યાર્થીઓને ઘરે બેઠા અભ્યાસ હોમ લર્નીંગ માટેના અભિનવ પ્રોજેકટ-ગુજરાત સ્ટુડન્ટડ હોલિસ્ટીક એડપ્ટીવ લર્નીંગ એપ નો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રોજેકટ અન્વયે ધોરણ-૧ થી ૧ર ના વિદ્યાર્થીઓ માટે ઇ-કન્ટેન્ટ અને લર્નીંગ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવ્યા છે.

સ્માર્ટફોન-ટેબ્લેટ ધરાવતા હોય તેવા ધોરણ ૧ થી ૧૨ના વિદ્યાર્થીઓ હોમલર્નિંગ અંતર્ગત લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ G-SHALA (ગુજરાત સ્ટુડન્ટ્સ હોલીસ્ટિક એડપ્ટીવ લર્નિંગ એપ) એપ્લિકેશન અને ઈ-કન્ટેન્ટ થકી શિક્ષણ મેળવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઈ-કન્ટેન્ટમાં એનિમેટેડ વીડિયો, પ્રયોગોના સિમ્યુલેશન્સ, સ્વ અધ્યયન અને સ્વ મૂલ્યાંકન મોડ્યૂલ અને સંદર્ભ-પૂરક સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સુવિધાઓને વિદ્યાર્થીઓ કોઈપણ ડિવાઈસ કે પ્લેટફોર્મથી એક્સસ કરી શક્શે.

ગુજરાતના વિદ્યાર્થીઓ-બાળકોના ઉજ્જવળ ભાવિના હિતને કેન્દ્રસ્થાને રાખવાના મુખ્યમંત્રી ના દૃષ્ટિવંત આયોજન અનુરૂપ ‘‘જ્ઞાન સેતુ-બ્રિજકોર્સ કલાસ રેડીનેસ’’ કાર્યક્રમ પણ શિક્ષણ વિભાગે ધોરણ-૧ થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે આજથી એક માસ એટલે કે ૧૦ જૂનથી ૧૦ જુલાઇ સુધીના સમય માટે શરૂ કર્યો છે. તેનો પણ વર્ચ્યુઅલ પ્રારંભ મુખ્યમંત્રી એ કરાવ્યો હતો.

કોરોના મહામારીના વિશિષ્ટ સંજોગોમાં ગયુ આખું વર્ષ વિદ્યાર્થીઓએ ઓનલાઇન અભ્યાસ કર્યો છે. નવા વર્ષમાં નવા ધોરણનો અભ્યાસક્રમ શરૂ કરતા પહેલાં આગલા વર્ષના અભ્યાસક્રમના અગત્યના મૂદાઓનું પૂનરાવર્તન અને મહાવરાથી તે વધુ પાકા-દ્રઢ કરીને જ આગલા ધોરણનો અભ્યાસ શરૂ કરાવવામાં આ જ્ઞાન સેતુ મહત્વપૂર્ણ કાર્યક્રમ બનશે. તેવો વિશ્વાસ મુખ્યમંત્રી એ દર્શાવ્યો હતો.

જ્ઞાન સેતુ કાર્યક્રમ અન્વયેનું અભ્યાસ સાહિત્ય તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને તે ધો-૧ થી ૧૦ના સરકારી શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુરૂં પાડવામાં આવશે

એટલું જ નહિ, કોઇ પણ વિદ્યાર્થી તે ડાઉનલોડ કરી શકે તે હેતુથી સમગ્ર શિક્ષાની વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ બનાવાશે.

વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર ડી.ડી.ગિરનાર પરથી ૧૦ જૂનથી ૧૦ જુલાઇ દરમ્યાન એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવશે અને શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ કે પરોક્ષ માર્ગદર્શન આપશે.

આ પ્રોજેકટસ તૈયાર કરનારી કંપની ગુજરાત એજ્યુકેશન ટેકનોલોજી લિમીટેડ દ્વારા G-SHALA અને જ્ઞાનસેતુની કામગીરીનું પ્રેઝન્ટેશન મુખ્યમંત્રી અને મહાનુભાવો સમક્ષ કરવામાં આવ્યું હતું.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here