ગુજરાતમાં થયેલા મતદાનમાં સરેરાશ ટકાવારી જાહેર થઈ હતી એ પ્રાથમિક અંદાજ મુજબ જિલ્લા પંચાયતોમાં સરેરાશ ૬૧.૫૭ ટકા, તાલુકા પંચાયતોમાં ૬૩.૦૩ ટકા અને નગરપાલિકાઓની ચૂંટણીમાં ૫૪.૫૭ ટકા મતદાન થયું હતું.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે શહેરી કરતાં ગ્રામીણ મતદારોમાં મતદાન માટેની જાગૃતિ ઊડીને આંખે વળગી છે. ગઈ કાલે ગુજરાતમાં થયેલા મતદાનમાં સરેરાશ ટકાવારી જાહેર થઈ હતી એ પ્રાથમિક અંદાજ મુજબ જિલ્લા પંચાયતોમાં સરેરાશ ૬૧.૫૭ ટકા, તાલુકા પંચાયતોમાં ૬૩.૦૩ ટકા અને નગરપાલિકાઓની ચૂંટણીમાં ૫૪.૫૭ ટકા મતદાન થયું હતું.
ગુજરાતમાં ગઈ કાલે ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો તેમ જ ૮૧ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે તેમ જ ૩ તાલુકા પંચાયતની અને ૧૩ નગરપાલિકાઓની પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. ગયા રવિવારે ગુજરાતમાં ૬ મહાનગરોમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં સરેરાશ ૪૫.૬૪ ટકા જેટલું ઓછું મતદાન થયું હતું, જ્યારે ગઈ કાલે યોજાયેલી જિલ્લા, તાલુકા પંચાયતો તેમ જ નગરપાલિકાઓની ચૂંટણીમાં ગ્રામીણ મતદારો મતદાન કરવા બહાર નીકળ્યા હતા અને મતદાન મથકો પર મતદાન માટે લાઇન લગાવી હતી. મતદારોમાં મતદાનને લઈને ઉત્સાહ જણાઈ આવતો હતો. ક્યાંક કોઈ સિનિયર સિટિઝન્સ લાકડીના સહારે તો કોઈક વ્હીલચૅર પર બેસીને તેમ જ ખાટલા પર બેસીને તો કોઈક વડીલ તેમના દીકરા કે દીકરી સાથે મતદાન કરવા આવ્યા હતા. યુવા મતદારો પણ મોટી સંખ્યામાં મતદાન કરવા બહાર આવ્યા હતા.