કેન્દ્ર સરકારે પાકિસ્તાન સ્થિત નનકાના સાહેબના શતાબ્દી મહોત્સવમાં સામેલ થવા અંગે ભારતના સીખોને મંજુરી નહીં આપતા નવો વિવાદ સર્જાયો છે અને પંજાબમાં ધાર્મીક માહોલ ગરમ થઇ ગયો છે. કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણને કારણે સીખોના એક સમુહને પાકિસ્તાન જાવા માટે મંજુરી આપી નથી. જેની સામે અકાલ તખ્ત દ્વારા વિરોધ થયો છે. અને જથ્થેદાર જ્ઞાની હરપ્રિતસિંહ પ્રશ્ર્ન ઉઠાવતા કહયુ કે સરકાર કુંભમેળાને મંજુરી આપી શકે છે પરંતુ સીખોને માટે પ્રતિબંધાત્મક આદેશો લાદવામાં આવે છે.
1000 સીખોએ નનકાના સાહેબ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપવા 18 ફ્રેબુઆરીએ રવાના થવાનું હતુ. પરંતુ તેના 12 કલાક પહેલા જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાકિસ્તાન જાવા માટે મંજુરી નથી તેવો પત્ર પાઠવી દીધો છે અને હવે તેના નામે રાજયકારણ પણ સામેલ થઇ ગયુ છે. આક્ષેપ છે કે હાલના કિશાન આંદોલનમાં સીખોની મોટી સંખ્યા અને પંજાબમાં યોજાયેલી સ્થાનીક ચુંટણીઓમાં ભાજપના પરાજયના પગલે કેન્દ્ર સરકારે આ મંજુરી નહીં આપવા નીર્ણય લીધો છે. અને સીખોના વિવિધ પ્રતિનિધી મંડળો આ અંગે વિરોધ કરી રહયા છે. શીરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમીટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહને એક પુસ્તકનો સેટ મોકલ્યો છે. જેમાં ગુરુદ્વારા સુધારા લહર અંગે માહીતી છે. અને તેમાં જણાવાયુ છે જો એક વખત વડાપ્રધાન કે ગૃહમંત્રી આ પુસ્તક વાચી લેશે તો અમારી મંજુરી રોકશે નહીં.