અમદાવાદ: શહેરના મોટેરા સ્ટેડિયમ પર 9 વર્ષ બાદ 24 ફેબ્રુઆરીએ ટેસ્ટ ક્રિકેટ શરૂ થવા જઈ રહી છે. મેચના એક સપ્તાહ પહેલા ઈન્ડિયા અને ઈંગ્લેન્ડની ટીમ ગુરૂવાર એટલેકે આજે સાંજે 4:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે અને અહીંથી આશ્રમ રોડ સ્થિત હયાત હોટલમાં જશે.
બંન્ને ટીમો 33 દિવસ સુધી હયાત હોટલમાં રોકાવાની છે જેથી તેમની સેવામાં તૈનાત હોટલ સ્ટાફના 150 મેમ્બર પણ 33 દિવસ સુધી ઘરે નહીં જઈ શકે. એટલું જ નહીં આટલા દિવસ સુધી હોટલના મેમ્બર પરિવારના સભ્યોને પણ નહીં મળી શકે.
અહીં સૌથી મોટા સ્ટેડિયમમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાશે. આ ભારતમાં થનારી બીજી પિંક બૉલ ટેસ્ટ હશે. હાલ બંન્ને વચ્ચે સીરીઝ એક-એકથી બરાબર છે. ચેન્નઈમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 317 રનોથી હરાવી હતી.
સુરક્ષામાં 2000 પોલીસ જવાન તૈનાત રહેશેઃ હોટલ હયાતની અંદર એક પણ પોલીસ અધિકારી કે કર્મચારી નહીં જઈ શકે, જો કે હોટલની ચારે બાજુ પોલીસ સ્ટેશનના 120 કર્મચારી બંદોબસ્તમાં રહેશે.સાથે જ હોટલથી મોટેરા સ્ટેડિયમ સુધી રોડ અને સ્ટેડિયમની આસપાસના પાર્કિંગમાં ટ્રાફિક પોલીસના 1155 અધિકારી-કર્મચારી તૈનાત રહેશે.