ગીતા ધર્મ નહીં, પણ ‘કર્મગ્રંથ’!

0
94
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

તુષાર દવે

સામાન્ય ગ્રંથો કદાચ વાંચવાથી સમજાતા હશે, પણ ગીતા માત્ર વાંચવાથી નહીં જીવવાથી સમજાય છે. જેણે કદી ગીતા વાંચી ન હોય એવો વ્યક્તિ પણ ગીતા કે ગીતાના સિદ્ધાંતો જીવતો હોય એ શક્ય છે. ગીતા સમજવા વાંચવું નહીં, પણ જીવવું એટલે કે કર્મો કરવા મહત્વના છે. પછી એ કર્મ ભલેને યુદ્ધ જ કેમ ન હોય? ગીતા કર્મ અને સંસાર તો ઠીક યુદ્ધમાંથી પણ નથી શીખવતી નથી
ખરેખર તો ગીતા સમજવા પહેલા મહાભારત જીવવું પડે. ચન્દ્રકાન્ત બક્ષીએ એમની પ્રસિદ્ધ નવલકથા ‘હું કોનારક શાહ’માં લખેલું કે – ‘દરેક કુટુંબમાં કૌરવો અને પાંડવો સાથે રહેતાં હોય છે અને દરેક હિન્દુ રોજ થોડું થોડું મહાભારત જીવતો હોય છે.’
એકતરફ ગીતામાં જ્ઞાનનો એટલો અગાધ સાગર છે કે વર્ષોથી વિદ્વાનો એની ચર્ચા પુસ્તકો ભરી ભરીને કરતાં રહ્યાં છે ને બીજીતરફ એનો મૂળ મંત્ર કે સાર એટલો સરળ છે કે – ‘કરમ કિએ જા ફલ કિ ઈચ્છા મત કર એ ઈન્સાન, જૈસે કરમ કરેગા વૈસે ફલ દેગા ભગવાન, યે હૈ ગીતા કા જ્ઞાન યે હૈ ગીતા કા જ્ઞાન’ – જેવી ફિલ્મીગીતની એકાદી પંક્તિમાં પણ સમાઈ જાય છે. (ફિલ્મ : સન્યાસી)
કૃષ્ણ અર્જુનને કહે છે કે જો બકા, (આઈ મિન જો સખા) જે કંઈ પણ તું કરે છે તે અંતત: તો હું જ કરું છું આમ છતાં તારું એ કરવું જરૂરી છે. તું એ કરે છે માટે જ તો હું એ કરું છું. હું આ (ગીતાકથન) કરું જ છું એટલા માટે કે તું એ (યુદ્ધ) કરે. ધારું તો સુદર્શન કાઢીને હમણાં આખા કુરુક્ષેત્રનું કચુબંર કરી નાંખુ, પણ હું એમ કરીશ નહીં. જે તારે કરવાનું છે એ તારે જ કરવાનું છે.
ગીતા પ્રેક્ટિકલ છે. યુદ્ધનું મેદાન હોય અને રણશિંગાં વાગતા હોય ત્યારે એ ઠાલી અને ઠાવકી અહિંસાના વેવલા સિદ્ધાંતો વેરતી નથી. યુદ્ધે ચડેલા બાણાવળીનું જે કર્મ હોય એ કર્મ પર જ ભાર મુકીને કૃષ્ણ કહે છે કે, ‘તું ખાલી તારું કર્મ કર અને બાકીનું મારા પર છોડી દે. તારે માત્ર તારા ભાગે જે કર્મ આવ્યું છે એ કરવાનું છે અને એના બદલામાં કોઈ અપેક્ષા રાખવાની નથી. સિમ્પલ.’ હાઉ સિમ્પલ!
ગીતા પ્રેક્ટિકલ તો છે જ પણ સાથોસાથ ફ્લેક્સિબલ પણ છે. દુનિયાભરનું જ્ઞાન અર્જુન સમક્ષ ઠાલવી દીધા પછી પણ કૃષ્ણ કહે છે કે – ‘યથેચ્છસિ તથા કુરુ’ – તને ઠીક લાગે એમ કર.
કૃષ્ણ કહે છે કે, ‘મારે તને જે કહેવાનું હતું એ કહી દીધું. જે સમજાવવાનું હતું તે સમજાવી દીધુ. હવે (આમ છતાં) હું તને એમ નથી કહેતો કે હું કહું એમ જ તું કર. હવે આ સાંભળ્યા બાદ પણ તું એ જ કર જે તને ઠીક લાગતું હોય. યથેચ્છસિ તથા કુરુ.’ અહીંયા પૂરુ.
ફ્રી હિટ:
ઘણી જ સરળ છે તારી બધી વાતો ઈશ્ર્વર,
આ ઉપદેશકો સમજાવીને સમજવા નથી દેતા!


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here