રશિયા અને યુક્રેન વચ્ચેના જંગમાં યુક્રેને હવે નવો દાવો કરીને કહ્યું છે કે, નવ માર્ચ સુધીમાં 12,000 રશિયન સૈનિકોના મોત થયા છે. યુક્રેનની સેનાએ કહ્યું હતું કે, રશિયાને ભારે નુકસાન ઉઠાવવુ પડયુ છે.
રશિયન સેનાના 371 ટેન્ક, 1070 બખ્તરિયા વાહનો, 120 આર્ટિલરી સિસ્ટમ, 28 એર ડિફેન્સ સિસ્ટમ તબાહ કરી દેવામાં આવી છે. યુક્રેનનું કહેવું છે કે, રશિયાએ અત્યાર સુધીમાં 49 એરક્રાફટ તેમજ 81 હેલિકોપ્ટર પણ ગુમાવ્યા છે. 3 રશિયન જહાજોને પણ તબાહ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, યુક્રેન પરના આક્રમણના કારણે યુક્રેનના લોકો પણ મોટા પાયે દેશ છોડી રહ્યા છે. અત્યાર સુધીમાં 20 લાખ લોકો અન્ય દેશોમાં આશરો લઈ ચુકયા છે. યુક્રેન અને રશિયા વચ્ચેના જંગને 14 દિવસ થઈ ગયા છે. જોકે હજી સુધી યુક્રેનની રાજધાની કીવ પર રશિયાનો સંપૂર્ણપણે કબ્જો થઈ શક્યો નથી. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ બ્રિટનના સાંસદોને સંબોધન કર્યું હતું અને રશિયા પર વધુ આકરા પ્રતિબંધો લાદવા માટે માગ કરી હતી.