ઉજળા ગામના ખેડૂત દાખલા કઢાવવા આવ્યા અને તસ્કર કળા કરી ગયા
પોલીસે ગણતરીની કલાકોમાં કુખ્યાત શખ્સને દબોચી લઈ ભેદ ઉકેલી નાખ્યો
ખાસ-ખબર ન્યૂઝ જામકંડોરણા
જામકંડોરણાની મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં ઉજળા ગામના ખેડૂતે પાર્ક કરેલ મોપેડની ડેકીમાંથી રોકડ 1 લાખ ભરેલ થેલીની ચોરી કરી તસ્કર નાસી જતાં જામકંડોરણા પોલીસે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં કુખ્યાત શખ્સને સકંજામાં લઈ ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.
- Advertisement -
બનાવ અંગે જામકંડોરણાના ઉજળા ગામે રહેતાં રમેશભાઇ બચુભાઈ દોંગા ઉ.60એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે ખેતીકામ કરે છે ગઇ તા.15 ના તેઓએ વાડીએ મરચા ઉતારતા મજુરો કહેલ હોય, જેને મજૂરીના પૈસા આપવાના હતા, જેથી તે જામકંડોરણા એસબીઆઈ બેંક પર આવેલ હતાં તેઓ જામકંડોરણા બેંકમાંથી 1 લાખ ઉપાડી રૂપીયા તથા પાસ બુક બંને તેમની પાસે રહેલ થેલીમાં નાખી મોપેડમાં પતરાની ડેકી હોય, તેમાં મુકી જામકંડોરણા મામલતદાર કચેરીએ જમીનના 7/12 ના દાખલ કઢાવવા આવેલ હતાં જામકંડોરણા મામલતદાર કચેરીની સામે ગ્રાઉન્ડમાં મોપેડ મુકી 7/12 ના દાખલા કઢાવી સાડા અગ્યારેક વાગ્યાની આસપાસ તેમના મોપેડે આવી પતરાની ડેકીમાં જોયુ તો રૂપીયા જોવામાં આવેલ નહી. બાદમાં બેંક પર તેમજ આજુબાજુ તપાસ કરતા રૂપીયાની થેલી અને પાસબુક મળી આવેલ નહી. જેથી કોઈ અજાણ્યાં તસ્કરો તેઓએ મોપેડની ડેકીમાં રાખેલ 1 લાખ તથા પાસ બુક ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી બનાવ અંગેની ફરીયાદ પરથી જામકંડોરણા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ આદરી ગણતરીની કલાકોમાં ચોરીના બનાવનો ભેદ ઉકેલી કુખ્યાત શખ્સને દબોચી તપાસ હાથ ધરી હતી.



