મારા માટે યુવકો ફક્ત તન-મનના સંતોષપૂર્તિનું સાધન જ હતા
હું પ્રેમ અને લાગણીમાં ક્યારેય વિશ્વાસ કરતી નહોતી
ક્ષ મારા માટે યુવકો ફક્ત તન-મનના સંતોષપૂર્તિનું સાધન જ હતા
ક્ષ હું પ્રેમ અને લાગણીમાં ક્યારેય વિશ્ર્વાસ કરતી નહોતી
ડેટીંગ એપ પર મોટાભાગે મને ખરાબ અનુભવો થયેલા પાત્રો વધારે મળ્યા છે. જોકે આવી ઘટના બને છે, તે પણ સત્ય હકીકત છે. આજે એક એવી યુવતીની વાત કરવા જઇ રહી છું જે સંબંધની બાબતમાં ખૂબ જ પ્રોફેશનલ હતી અને પછી અચાનક જ તેના જીવનમાં એક યુવકનો પ્રવેશ થતા તે સંબંધને સાચા અર્થમાં સમજવા લાગી. આજનો સમય જ એવો થઇ ગયો છે અને લોકોની સાથે બનતી ઘટના ના કારણે જ બધાને સાચી લાગણી પણ અત્યારના સમયમાં કોઇના માટે હોઇ શકે તેવી વાતો પર વિશ્વાસ આવતો નથી. લોકો જે રીતે પ્રેમના નામે એકબીજાનો શારીરિક, માનસિક અને આર્થિક રીતે ઉપયોગ કરે છે, તે જોતા આજના સમયમાં સાચો પ્રેમ, વિશ્વાસ અને લાગણી જેવા શબ્દો જાણે પાંગળા લાગે છે.
સુચી નામની યુવતી જ્યારે મને મળી ત્યારે તેણે મને કહ્યું કે, મારે તમને મારી સ્ટોરી કહેવી છે. હું ડેટીંગ એપ પર બે વર્ષ રહી છું અને અનેક યુવકોની સાથે ડેટ કરી છે. મારા એક મિત્ર રવિએ મને તમારો નંબર આપ્યો કે તમે રીસર્ચ કરી રહ્યા છે. તેની પણ સ્ટોરી આપે પબ્લીશ કરી છે. તો મારે પણ મારા અનુભવો આપની સાથે શેર કરવા છે. (સુચી સાથે મારે સીધો સંપર્ક નહોતો પણ મારા એક સ્ટોરી પાત્રએ તેને મારી વાત કરી હતી, એટલે તે મને મળવા આવી હતી.) હું સુચીને મળી ત્યારે તેને જોઇને કે તેની વાતો સાંભળીને લાગ્યું નહીં કે તે અનેક યુવકો સાથે ડેટ કરી ચૂકી હોય. મેં તેને કહ્યું કે મને તો લાગે છે કે તમે કોઇ એક વ્યક્તિને વફાદાર રહીને જીવનારી વ્યક્તિ છો. તો તેણે સામે હસીને કહ્યું, હાલમાં હું ફક્ત એકને જ વફાદાર છું પણ મારા જીવનમાં અનેક પુરુષો આવી ચૂક્યા છે. હું અનેક સાથે શરીર સુખ માણી ચૂકી છું અને મેં લાઇફને મારી ઇચ્છાથી જ જીવી છે. પણ હાલમાં હું કશ્યપમા પ્રેમમાં છું અને અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. મને તેની વાતો સાંભળીને થયું કે જો તે એક વ્યક્તિના પ્રેમમાં છે, તો મને તેની કઇ સ્ટોરી કહેવા આવી હશે. તેણે કહ્યું, મેધા મારે તમને મારા ડેટીંગ અનુભવો દરમિયાન કશ્યપ સાથે થયેલી મુલાકાત અને ત્યારબાદ ફક્તને ફક્ત હું એક જ પુરુષ સાથે કેવી રીતે વફાદાર છું, તેની વાત શેર કરવી છે. મેં તેને કહ્યું, તો કહો આપની વાત…હું સાંભળી રહી છું. સુચી એ તેની વાત શરૂ કરી.
- Advertisement -
હું પ્રાઇવેટ જોબ કરું છું અને જીવનમાં સુખી છું. હું ફક્તને ફક્ત આનંદ અને મનોરંજન માટે જ ડેટીંગ એપનો ઉપયોગ કરતી હતી. બે વર્ષ દરમિયાન અનેક યુવકો સાથે ફરી છું, સેક્સ કર્યું છે, આઉટડોર પણ ગઇ છું અને લાઇફને ખૂબ જ એન્જોય કરી છે. મારી શરતો અને મારી ઇચ્છા મુજબ જ હું રહી છું. મારા જીવનમાં કશ્યપ આવ્યો તે ખૂબ જ અનોખી ઘટના છે. કદાચ કોઇ યુવતીને આ પ્રકારનો યુવક મળ્યો નહીં હોય કે એને તેની બધી જ વાતો જાણવા છતાં પણ સ્વીકારી શકે તેવું કદાચ કોઇની સાથે બનવું મુશ્કેલ છે. હું મારા સમય અને અનુકૂળતા પ્રમાણે જ લોકોને મળતી હતી. ડેટીંગ એપ પર આવી ત્યારે મને હતું કે જો તેમાં કોઇ સારો યુવક મળી જાય તો તેની સાથે જ સેટ થઇશ પણ અહીં એક વાત સ્પષ્ટ હતી કે કોઇ પ્રેમના બંધનમાં બંધાવા માટે હોતા નથી. દરેકને ફક્ત હરવું ફરવું અને એકબીજાને ખુશ કરવું તેમાં જ રસ હોય છે.
કશ્યપ સાથે મારી મુલાકાત ખૂબ અનોખી હતી. હું મારા એક ટીંડર ડેટ વાળા યુવક આલોકને મળવા તેના ફાર્મહાઉસ પર મારી કારમાં જઇ રહી હતી. ત્યાં તેના બધા ફ્રેન્ડ્સની પાર્ટી હતી તો તેણે મને પણ ઇનવાઇટ કરી હતી. રસ્તામાં કારમાં કઇ પ્રોબ્લેમ થયો અને બંધ પડી ગઇ. મેં આલોકને ફોન કર્યો તો તેણે મને કહ્યું કે તેનો મિત્ર કશ્યપ રસ્તામાં જ છે તેની સાથે હું આવી જાઉં. તેણે મને કશ્યપનો નંબર મોકલ્યો. અમે બંનેએ ફોન પર સંપર્ક કરી લીધો. લગભગ વીસ મિનિટ પછી તે મારી પાસે પહોચ્યો. તેણે ગાડીમાં શું પ્રોબ્લેમ થયો છે, તે જોવાનો પ્રયત્ન કર્યો પણ સમજાયું નહીં. કશ્યપે કોઇને ફોન કર્યો અને થોડીવારમાં બે વ્યક્તિઓ બાઇક પર આવ્યા. મિકેનિક હતા તેવું લાગ્યું. મારી ગાડીની ચાવી તેમને આપી, અમે બંને આલોકના ફાર્મ હાઉસ જવાના રવાના થયા. રસ્તામાં અમારા વચ્ચે સામાન્ય ઓળખાણ પૂરતી વાતચિત થઇ. હું ફક્ત આલોકની ગેસ્ટ છું તેટલી જ તેને ખબર હતી પણ હું અને આલોક ડેટીંગ એપ પર મળ્યા હતા તેની તેને ખબર નહોતી. ફાર્મ હાઉસ પર પહોંચીને જોઉં તો અનેક યુવક યુવતીઓ હતા. મને તો આ પ્રકારની પાર્ટી ખૂબ પસંદ હતી.
હું આલોકને જઇને મળી. તેણે મને ગળે લગાવીને કહ્યું કે સોરી સુચી આજે હું તને સમય નહીં આપી શકું, હું બીજી ફ્રેન્ડ સાથે બીઝી છું. મને તેની વાતનું ખોટું લાગ્યું નહીં, કારણકે અમે ફક્ત એક જ વાર ડેટ પર ગયા હતા પણ હજી સુધી અમારી વચ્ચે કોઇ શારીરિક સંબંધ નહોતો. હું પુલ સાઇડ પર જ્યુસનો ગ્લાસ લઇને બેઠી. થોડીવાર રહીને કશ્યપ ત્યાં આવ્યો. આ પાર્ટીમાં હું ફક્ત તેનાથી જ થોડી પરીચિત હતી. જોકે દૂર બેઠેલા કેટલાક યુવકો મને નોટીસ કરી રહ્યા હતા પણ મને તેમાંથી કોઇ પસંદ નહોતું એટલે મેં ધ્યાન આપ્યું નહીં.
- Advertisement -
હું અને કશ્યપ વાતો કરવા લાગ્યા. મેં તેને સ્પષ્ટ કહ્યું કે હું આલોકની દોસ્ત છું અને હું ડેટીંગ એપ પર મળી છું. તે ફક્ત સામાન્ય હસ્યો અને ઊભો થઇને જતો રહ્યો. થોડીવાર રહીને તે જ્યુસનો બીજો ગ્લાસ અને સ્ટાટર લઇને આવ્યો. મને થયું હતું કે તે મારી વાત સાંભળીને જતો રહ્યો હતો પણ તેણે મારા વિશે કદાચ કંઇજ વિચાર્યું નહીં તેવું મને લાગ્યું. તે દિવસે રાત્રે હું આલોકની દોસ્ત બનીને ગઇ હતી પણ મેં આખી પાર્ટીમાં ફક્તને ફક્ત કશ્યપ સાથે જ સમય વિતાવ્યો. તેની કેટલીક વાતોથી મને હસવું પણ આવતું અને કેટલીક નોલેજની વાતો સાંભળીને તેની સ્માર્ટનેસ અને એક ઇન્ટેલિજન્ટ વ્યક્તિત્વનો પ્રભાવ પણ મારા પર પડી રહ્યો હતો. હું તેનાથી પ્રભાવિત થઇ રહી હતી તેવું કહી શકાય. રાત્રે ડિનર પછી હું આલોકને બાય કહેવા પાર્ટીમાં શોધી રહી હતી પણ તે દેખાયો નહીં એટલે નીકળી રહી હતી ત્યાં કશ્યપ ગાડી લઇને આવ્યો. મને કહે, મેડમ ભૂલી ગયા તમે મારી સાથે આવ્યા હતા. હું હસીને તેની સાથે બેસી ગઇ. તે મને ઘર સુધી ઊતારી ગયો.
એ દિવસ પછી હું અને કશ્યપ એકબીજા સાથે વાતચિત કરવા લાગ્યા અને મળવા લાગ્યા. મારી વાતોમાં ડેટીંગ એપની વાતો અને તમામ હકીકત હું તેને કહેતી. તે સાંભળતો અને બસ સાંભળતો રહેતો. મને ઘણીવાર વિચાર આવતો કે આ વ્યક્તિ છેલ્લા પંદર દિવસથી મારા સંપર્કમાં છે, તો પણ તેણે ક્યારેય મારા શરીરને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો નથી. શું તેને મારામાં રસ નહીં હોય. એમ વિચાર આવતો કે હું મારા ડેટીંગની વાતો કરું છું તો ક્યાંક તે મને કોલગર્લ તો નહીં સમજતો હોય ને. એકવાર સમય મળતા મેં તેને પૂછી જ લીધું કે તારા મનમાં મારા માટે શું છે. તેણે મને કહ્યું કે, મને તો પહેલી જ વારમાં તું જોતાવેંત ગમી ગઇ હતી. મારે તને જાણવી છે, સમજવી છે અને તારી સાથે જીવન પસાર કરવું છે. હું તેની વાત સાંભળી ચૂપ થઇ ગઇ. મે તેને કહ્યું કે કશ્યપ તને મારી બધી જ વાત ખબર છે, તો પણ તું મારા માટે આવા વિચારો રાખે છે. તેણે સ્પષ્ટ કહ્યું કે તને ચાહવી તે મારા મનની વાત છે, કઇ રીતે ચાહવી તે મારી દિલની વાત છે. તે અત્યાર સુધી જે પણ કર્યું, તે ઇચ્છાથી કર્યું છે, દિલથી નહીં. હું ફક્ત તારી પાસે એટલું જ માગીશ કે તું જ્યારે પણ મારી સાથે હો કે મારી સાથે જે પણ કરે તે દિલથી કરે. પ્રામાણિકતાથી કરે. મારા પછી તામા જીવનમાં કોઇ અન્ય ન આવે. જો તારે જવું હોય તો પ્રામાણિકતાથી મને દરેક વાત સ્પષ્ટ કરીને જઇશ તો ગમશે. તેનાથી હું દુખી નહીં થાઉં. મને સંબંધમાં સ્પષ્ટતા ગમે છે.
તેણે જે મને કહ્યું તે સાંભળી મારી આંખોમાં થોડા આંસુ આવી ગયા. તે દિવસે પહેલીવાર તેણે મને બાથમાં લીધી અને હું ખૂબ રડી. તેણે મને વધારે મજબૂતાઇથી પકડી લીધી. થોડીવાર પછી હું સ્વસ્થ થઇ અને તેનાથી છૂટી પડી, તો તેણે મારા કપાળે હળવું ચુંબન કર્યું. જે મને સ્પર્શી ગયું. હું મારી સાચી છબીને શોધવા લાગી. હું એ જ હતી, જે કશ્યપ ઇચ્છતો હતો. કશ્યપ એ સુચીને શોધી રહ્યો હતો જે ડેટીંગ એપના કારણે ક્યાંક ખોવાઇ ગઇ હતી. તેને સુચીની એ લાગણીઓ જોઇતી હતી જે ડેટીંગ એપના કારણે જામી ગઇ હતી. મારી તે જામી ગયેલી લાગણીઓને તેણે ફરી વહેતી કરી. મેં મારા જીવનમાં બે વર્ષમાં થયેલા મારા ડેટીંગ એપના તમામ અનુભવો તેની સાથે શેર કર્યા. તેણે ખૂબ જ શાંતિથી સાંભળ્યા અને તમામ વાતો પૂરી થયા પછી તેણે મને એક દિવસ કહ્યું કે, હવે જે ભૂતકાળ હતો તે ભૂલીને વર્તમાનમાં જીવજે. હું તારું વર્તમાન અને ભવિષ્ય બંને બનીને રહેવા માગેં છું. મારા જીવનમાં પણ એક યુવતી હતી, જેને હું પ્રેમ કરતો હતો પણ સંજોગોવસાત અમારા લગ્ન ન થઇ શક્યા. હવે તું જીવનની છેલ્લી યુવતી છો, જે આજીવન મારી સાથે રહેશે. અમે બંનેએ એકબીજાને બધી જ વાતો કહી છે અને હવે અમે ફક્તને ફક્ત અમારી વાતોમાં અને અમારા પ્રેમમાં જ જીવીએ છીએ. ખુશ છીએ. (સુચી મને નવેમ્બર 2019માં મળી હતી, મને તેની સ્ટોરી યાદ નહોતી પણ આ સ્ટોરી લખવાનું યાદ એટલે આવ્યું કે થોડા દિવસ પહેલા જ તેનો ફોન આવ્યો અને તેણે મને જમાવ્યું કે તે અને કશ્યપ ફેબ્રુઆરીમાં લગ્ન કરી રહ્યા છે. મને એ વાતનો ખૂબ આનંદ છે કે હું એવી બે વ્યક્તિને ઓળખું છું જે બંને એકબીજાની સાચી લાગણીને સમજે છે અને તેની કદર કરે છે.)
સમજવા જેવું –
ઘણીવાર યુવકો અને યુવતીઓ પ્રેમમાં પડે ત્યારે એકબીજાના ભૂતકાળ વિશે જાણીને કે ચર્ચા કરીને એકબીજા પર દોષારોપણ કરતા હોય છે. હું તો એટલું જ કહીશ કે ભૂતકાળને ભૂલીને વર્તમાનનો આનંદ લો અને ભવિષ્યમાં શું થશે, તેની ચિંતા પણ ન કરો. આજમાં જીવો. ગઇકાલે શું બની ગયું અને આવતીકાલે શું બનશે તેની પળોજણમાં તમારા વર્તમાનને ક્યારેય બગડવા ન દો. બીજું કે ઘણીવાર સતત લાગણીવિહીન લોકોના સંપર્કમાં રહેવાથી લાગણીશીલ વ્યક્તિ પણ લાગણીવિહીન બની જતું હોય છે. તે પોતાની સાચી ઓળખને પોતે જ ગૂમાવી દે છે, તો એવું જીવનમાં ક્યારેય થવા દેવું નહીં. તમે જે છો, તેવા જ રહો. તમને સાચા હૃદયથી સ્વીકારનાર કોઇકનો જીવનમાં હશે જ અને સમય આવે તમને મળશે જ. રાહ જુઓ અને જીવનને વર્તમાનમાં જીવો.