કોવિડ-૧૯ પોઝિટિવ આવેલા ભારતીય હોકી ટીમના ફોરવર્ડ ખેલાડી મનદીપસિંહના બ્લડમાં ઓક્સિજન લેવલ ઘટી જતાં તેને બેંગ્લુરૂ ખાતેની હોસ્પિટલમાં દાખલ કરાયો

કોવિડ-૧૯ પોઝિટિવ આવેલા ભારતીય હોકી ટીમના ફોરવર્ડ ખેલાડી મનદીપસિંહના બ્લડમાં ઓક્સિજન લેવલ ઘટી જતાં તેને બેંગ્લુરૂ ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે તેની તબિયત હવે સ્થિર છે તેવી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ (સાઇ) માહિતી આપી હતી. ૨૦મી ઓગસ્ટથી શરૂ થઇ રહેલા નેશનલ કેમ્પ માટે બેંગ્લુરૂ પહોંચેલા મનદીપ અને અન્ય પાંચ ખેલાડીઓનો ગયા સપ્તાહે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેઓ પોઝિટિવ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ પાંચ ખેલાડીઓમાં મનપ્રિતસિંહ, સુરેન્દરકુમાર, જસકરણસિંહ, વરુણકુમાર તથા ક્રિશ્ના બહાદુર પાઠકનો સમાવેશ થતો હતો.

સાઇએ જણાવ્યું હતું કે ૧૦મી ઓગસ્ટે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મનદીપના બ્લડમાં ઓક્સિજનનું લેવલ સામાન્ય કરતાં ઓછું હતું જેના દ્વારા તે કોવિડના મામૂલી સ્તરથી સરેરાશ લેવલ તરફ આગળ વધી રહ્યો છે તેવો સંકેત મળ્યો હતો. કેમ્પસમાં હાજર રહેલા અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને સાવચેતીનાં પગલાંરૂપે તેને એસએસ સ્પર્શ હોસ્પિટલ ખાતે દાખલ કરાવ્યો હતો. અત્યારે તેની હાલત સ્થિર છે. ૨૫ વર્ષીય મનદીપે ભારત માટે અત્યાર સુધી ૧૨૯ મેચોમાં ૬૦ ગોલ નોંધાવ્યા છે. તે ૨૦૧૮માં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતીય ટીમનો સભ્ય પણ હતો.