હાલમાં પ્રવર્તમાન કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સમયે લોકોના સારા સ્વાસ્થ્ય અને કોરોનાગ્રસ્ત લોકોની નાદુરસ્ત તબીયત સારી થાય તે માટે બોટાદ જિલ્લાના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત કેન્દ્રના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહની નાદુરસ્ત તબીયત જલ્દીથી સારી થાય તે માટેના ખાસ સંકલ્પ સાથે આજરોજ યોજાયેલા મારૂતિયજ્ઞમાં ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલ વિશેષ ઉપસ્થિત રહયા હતાં.
સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજીના સાનિધ્યમાં વિદ્વાન બ્રાહ્મણો તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ યજ્ઞ પ્રસંગે મંત્રીશ્રીએ આજે કોરોનાની ફેલાયેલ વૈશ્વિક મહામારીમાં લોકોનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે દરેકે કેન્દ્ર અને રાજય સરકારની ગાઇડલાઇન અનુસાર આપવામાં આવતી સુચનાનું પાલન કરવું જોઇએ. દરેકે જો જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવું જોઇએ. બહાર નિકળતા સમયે માસ્ક પહેરીને જ નીકળવું જોઇએ, સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવા પણ જણાવ્યું હતું. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહની નાદુરસ્ત તબીયત જલ્દીથી સારી થાય તે માટે શ્રી કષ્ટભંજન હનુમાનજીના સાનિધ્યમાં પ્રાર્થના કરી હતી. આ યજ્ઞના યજમાનપદે શ્રી ચેતનભાઇ રામાણી રહયા હતાં.
યજ્ઞ પ્રસંગે રાજય સભાના સાંસદશ્રી અભયભાઇ ભારદ્વાજ વિશેષ ઉપસ્થિત રહયા હતાં. આ પ્રસંગે પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા, કોઠારી સ્વામીશ્રી વિવેક સ્વામી, શ્રી હરિજીવનદાસ સ્વામી ગઢપુર, પાળીયાદ જગ્યાના શ્રી ભયલુભાઇ, અગ્રણીશ્રી ગૌતમભાઇ ખસીયા સહિત સાધુ સંતો, હરિભકતો ઉપસ્થિત રહયા હતાં.

(લાલજી સોલંકી – બોટાદ)