ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદરનો યુવાન વિસાવદર જઇ રહ્યો હતો.ત્યારે વંથલી નજીક માણાવદર રોડ પર બુલેટ પર આવેલા શખ્સે બાઇક ઉભુ રખાવી કહ્યુ કે તુ દારૂનાં ફેરા કરે છે તેમ કરી પિસ્તોલ બતાવી ખિસ્સામાંથી 11600 રૂપિયા લૂંટી જતો રહ્યો હતો. આ અંગે વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવની મળતી વિગત મુજબ મુળ પોરબંદરનાં મંડેરનાં હાલ પોરબંદર ગુરૂકુળ પાસે ભાડાનાં મકાનમાં રહેતા પાર્થભાઇ વિજયભાઇ નિમાવત(ઉ.વ.26) પોરબંદરથી વિસાવદર બાઇક લઈને જતા હતા. ત્યારે વંથલી નજીક માણાવદર રોડ ઉપર અજાણ્યો શખ્સ બુલેટ નંબર 5930માં આવી પાર્થભાઇને ઉભા રખાવ્યાં હતાં અને કહ્યું હતું કે, તુ દારૂના ફેરા કરે છે, તને ચેક કરવો છે.તેમ કહી પાર્થભાઇના ખિસ્સામાંથી બળજબરીથી રૂપિયા 11600 કાઢી લઈ લુંટ કરી હતી. તેમજ પિસ્તોલ જેવુ હથીયાર બતાવી મારી નાખવાની ધમકી આપી હતી.બાદ બુલેટ લઈને નાસી ગયો હતો. આ અંગે પાર્થભાઇએ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -