છેતરપીંડી થતા જ ગ્રાહકે વેપારી વિરુદ્ધ પોલીસ મથકે અરજી આપી

લીંબડીમાં સોના ચાંદીની દુકાન ધરાવતા વેપારીએ ગ્રાહકને 916 હોલમાર્કવાળો સોનનો દાગીનો આપવાની વાત કરી 79.85 હલકું સોનું બટકાડી દીધું હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ગ્રાહકે અન્ય સોની પાસે સોનું ચેક કરાવતા સમગ્ર ભાંડો ફૂટયો હતો. ગ્રાહકે વેપારી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ લીંબડી પોલીસ મથકે અરજી દાખલ કરાવી છે.
લીંબડી જુના જીનપરામાં રહેતા ઉદયકુમાર શૈલેષભાઈ ચિહલા પત્ની સાથે વર્ષ-2016માં મહાકાળી મંદિર સામે અને હાલ ટાવર રોડ પર આવેલી શુભમ જ્વેલર્સમાં સોનાના દાગીના બનાવડાવા ગયા હતા. ઉદયભાઈએ દુકાનદાર કૃણાલ જગદીશચંદ્ર સોનીને પત્નીનું 916 હોલમાર્કવાળું મંગળસૂત્ર આપી થોડું સોનું ઉમેરી 916 હોલમાર્કવાળું સોનાનો ચેઈન બનાવવા આપ્યો હતો. થોડા દિવસ પછી કૃણાલ સોનીએ ઉદયભાઈને ચેઈન તૈયાર જતા લઈ જવા જાણ કરી હતી.
ઉદય ચિહલા ચેઈન લેવા માટે ગયા. પરંતુ ચેઈનમાં 916 હોલમાર્ક નહીં દેખાતા તેમને આ અંગે કૃણાલને વાત કરી હતી. કૃણાલ સોનીએ અમદાવાદ જવાનું થશે ત્યારે 916 હોલમાર્ક કરાવી આપવા ભરસો આપ્યો હતો. ઉદયભાઈએ સોની વેપારી ઉપર વિશ્વાસ રાખી બીલ ચૂકવી ચેઈન લઈ જતા રહ્યા હતા. ઉદયભાઈએ દાગીનામાં 916 નો હોલમાર્ક કરાવી દેવા ઘણી વખત વાત કરી પરંતુ કૃણાલ સોની કોઈનું કોઈ બહાનું કાઢી વાતને ટાળી દેતો હતો. ચાર વર્ષનો સમય વીતી જવા છતાં વેપારીએ હોલમાર્ક નહીં કરાવી આપતા ઉદયભાઈને દાળમાં કંઈક કાળું હોવાની શંકા ગઈ હતી. તા.6 ઓગસ્ટ-2020ના રોજ તેમને સુરેન્દ્રનગરના સોની વેપારી પાસે સોનું ચેક કરાવ્યું હતું. ત્યારે તેમને જાણવા મળ્યું કે કૃણાલ સોનીએ તેમને 916 હોલમાર્કવાળું સોનું આપવાની વાત કરી 79.85 બટકાવી દીધું છે.
ઉદયભાઈએ આ અંગે કૃણાલને સોનું બદલી આપવા કહ્યું હતું. સોનું બદલવાની વાત તો દૂર રહી કૃણાલના માતાએ પોતે નગરપાલિકાના કોર્પોરેટર હોવાથી ઉદયને કોઈ કેસમાં ફીટ કરાવી દેવા ધમકી આપી હતી. વિશ્વાસઘાત થતા ઉદય ચિહલાએ લીંબડી પોલીસ મથકે માતા-પુત્ર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી લેખિત અરજી આપી હતી.


(દિપકસિંહ વાઘેલા – લીંબડી)