બિરલા ફેક્ટરી નજીક 6 થી 7 કિમી વિસ્તારમાં આગ ભભૂકી
6 મહિનામાં 40મી વખત જંગલમાં આગ, તંત્ર નિષ્ક્રીય કે પછી ભૂમાફિયાઓ સક્રિય ?
- Advertisement -
2 લાખ લિટર પાણી છાંટ્યા છતાં સંપૂર્ણ આગ કાબુમાં આવી નહીં
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.6
પોરબંદરના ધીંગેશ્વર મંદિર અને બિરલા ફેક્ટરી નજીકના બાવળિયા જંગલ વિસ્તારમાં બપોરે 12:30 વાગ્યે ભીષણ આગ લાગતા શહેરીજનોમાં ચિંતા ફેલાઈ હતી. આગ એટલી વિકરાળ બની ગઈ કે 1 કિમી દૂરથી પણ લાલ લપેટા દેખાઈ રહ્યા હતા. ફાયર બ્રિગેડ ટીમે આગ પર કાબૂ મેળવવા સતત પ્રયત્નો કર્યા, અને 2 લાખ લીટર પાણી છાંટવા છતાં પણ 24 કલાક બાદ પણ સંપૂર્ણપણે કાબૂમાં આવી નહોતી. પોરબંદરના સ્થાનિક પત્રકાર સિદ્ધાર્થ બુદ્ધદેવ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોતાના જીવને જોખમમાં મૂકી તેમના કેમેરામાં આગના વિકરાળ દ્રશ્યો કેદ કર્યા હતા. જેમજેમ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી ગઈ, ત્યમત્યાં સ્ટેશન ફાયર બ્રિગેડે પોતાના તમામ 4 ફાયર ટેન્કરો સહિત નૌસેના, કોસ્ટગાર્ડ અને ખાનગી કંપનીઓના ફાયર ફાયટરોને પણ બોલાવી લીધા હતા. નજીકમાં આવેલી બિરલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવામાં આવી હતી, જેથી કોઈ જાનહાનિ ન થાય. શાળાના મહત્વના દસ્તાવેજો અને સામગ્રીઓ પણ સલામત સ્થળે ખસેડવામાં આવી હતી.
ગેસના બાટલાં પાસે આગ ફેલાઇ, પણ બ્લાસ્ટ અટક્યો
ધીંગેશ્વર મંદિર પાછળના વિસ્તારમાં ગેસના બાટલા પણ સંગ્રહિત હતા. જો આગ ત્યાં સુધી પહોંચી હોત તો ભીષણ વિસ્ફોટની સંભાવના હતી. પરંતુ સમયસર આગ કાબૂમાં લેવા માટેના પ્રયાસો કરાતા બ્લાસ્ટ અટકાવી શકાયો હતો.
આગનું કારણ અસ્પષ્ટ, FSL ટીમ તપાસ કરશે
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. રાઉન્ડિંગ દરમિયાન 6-7 કિમી વિસ્તાર સુધી આગ ફેલાયેલી જોવા મળી. આગ શંકાસ્પદ લાગી હોવાથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (ઋજક)ની મદદ લેવામાં આવશે. બિરલા ફેક્ટરીના કર્મચારી અમિત વામજાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
- Advertisement -
યોગ્ય તપાસ થવી જોઈએ : સ્ટેશન ફાયર ઓફિસર
ધીંગેશ્વર મંદિર પાછળથી ભીષણ આગ લપસાતી રહી, અને આશરે 40 લોકો દ્વારા ફાયર કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી. ફાયર બ્રિગેડે સતત જહેમત ઉઠાવી આગ કાબૂમાં લેવા પ્રયત્નો કર્યા. આગ કેવી રીતે લાગી તે અંગે યોગ્ય તપાસ થવી જોઈએ. – અભય મહેતા, સ્ટેશન ફાયર ઓફિસર, પોરબંદર મનપા
6 માસમાં 40 વખત આગ લાગી
ઓડદર-રતનપર રોડ પર છેલ્લા છ મહિનામાં 40થી વધુ વખત જંગલમાં આગ લાગી છે. દર વખતની તપાસમાં કોઈને કોઈ શખ્સ દ્વારા જ આ આગ લગાડવામાં આવી હોવાનો સંકેત મળ્યો છે, છતાં પણ વન વિભાગ અને રેવન્યુ વિભાગ કોઈને પકડવામાં સફળ થયો નથી. સીસીટીવી કે પેટ્રોલિંગની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી આગ લગાડનાર તત્વો વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી.
મોટી દુર્ઘટના ટળી: કોલસાના ઢગલામાં આગ ન લાગી
આગ બિરલા ફેક્ટરીના ઈ અને ઉ ગેટ સુધી ફેલાઈ હતી, પરંતુ ત્યાં આવેલા કોલસાના ઢગલાઓ સુધી આગ પહોંચી ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જંગલમાં અલગ-અલગ વાહનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ આગળ ન વધે તે માટે પ્રયાસ કરાયો હતો.