લોકડાઉન દરમિયાન ભારતમાં OTT પ્લેટફોર્મના સબસ્ક્રાઇબર્સમાં 947%નો ધરખમ વધારો જોવા મળ્યો છે

પરખ ભટ્ટ
મોટાભાગનું વિશ્ર્વ અનલોક થઈ ગયા હોવા છતાં હજુ આપણે સંપૂર્ણપણે પહેલાની માફક નોર્મલ નથી થઈ શક્યા એ હકીકત છે. નિષ્ણાંતોનો દાવો છે કે, કોઈ પણ નવી આદત પાડવા માટે 21 દિવસ કાફી હોય છે. કોઈ પણ કાર્ય તમે અગર સતત 21 દિવસ સુધી કરવાનું ચાલુ રાખો છો, તો બાવીસમા દિવસથી એ આપોઆપ તમારી લાઈફ-સ્ટાઇલનો ભાગ બની જાય છે. કોરોનાને કારણે આપણે ઘરમાં પૂરાયા એટલે મનોરંજનના બાહ્ય સ્વરૂપથી કટ-ઓફ્ફ થઈને ટીવી અને મોબાઈલ સ્ક્રીન્સ તરફ વળવું પડ્યું.આ વર્ષ દરમિયાન નેટફ્લિક્સ ભારતમાં કુલ 3000 કરોડનું રોકાણ કરી રહી છે. કોર્પોરેટ કંપનીઓના હબ સમા મુંબઈના બાંદ્રા-કુરલા કોમ્પ્લેક્સમાં તેની અદ્યતન-લક્ઝુરિયસ ઓફિસ એ વાતની સાબિતી છે કે નેટફ્લિક્સ માટે ભારતીય પ્રેક્ષકો કેટલા મહત્વના છે! બીજી બાજુ, આ સમયગાળા દરમિયાન જ વૂટથી શરૂ કરીને ડિઝની પ્લસ, સોની લિવ, ડિસ્કવરી પ્લસ સહિતના પુષ્કળ ઑટીટી પ્લેટફોર્મ્સે આપણા સ્ક્રીન્સ પર પગપેસારો કર્યો છે. સ્ટાર નેટવર્કના ઑટીટી પ્લેટફોર્મ હોટસ્ટાર દ્વારા કુલ સાત બોલિવૂડ ફિલ્મો (જે અગાઉ થિયેટરમાં રીલિઝ થવાની હતી એ) ખરીદી લેવામાં આવી છે, જેમાં ઘણી બિગ-બજેટ ફિલ્મોનો સમાવેશ થાય છે. નેટફ્લિક્સે પણ એમનું જ અનુસરણ કરીને 17 ઓરિજિનલ ફિલ્મો ખરીદી લીધી છે. ઑટીટી-વોર શરૂ થઈ ગઈ હોય એવું લાગે છે.
બીજી બાજુ, ઑનલાઇન નાટકો અને પુસ્તક વિમોચનોના કાર્યક્રમોએ પણ ખાસ્સી ચર્ચા જગાવી છે. લોકડાયરા સુદ્ધાં ઑનલાઇન થવા માંડ્યા છે! પ્રેક્ષકો ધીરે ધીરે પોતાના ઘરમાં જ થિયેટર ઊભું કરવા લાગ્યા છે. ઈલેક્ટ્રોનિક ડિવાઇસ અને ગેજેટ્સની વાત કરીએ તો એમેઝોન ફાયર-ટીવી સ્ટિક, હોમ-થિયેટર સિસ્ટમ, ટીવીના વેચાણમાં વધારો નોંધાયો છે. તો નાટક, ટેલિવિઝન, ફિલ્મ, લેખન, સંગીત સાથે જોડાયેલા મહાનુભાવો સાથેની વાતચીત દરમિયાન અમે આ વિશે એમના અંગત અભિપ્રાયો જાણવાનો પ્રયત્ન કર્યો, જે ‘ખાસ ખબર’ના પહેલા અંકના વાચકો સમક્ષ પ્રસ્તુત કરતા રાજીપો અનુભવાય છે.

(1) પદ્મશ્રી મનોજ જોશી
‘ઑટીટી યોગ્ય છે કે નહીં એનો જવાબ તો સમય જ આપશે. હાલ પૂરતું તો એટલું જ કહી શકાય કે, ઈકોનોમી ફરી થાળે પડશે ત્યારે સાચું ચિત્ર બહાર આવવાની સંભાવના છે. રંગકર્મ એ રંગમંદિરમાં જ થવું જોઈએ એ સ્વાભાવિક વાત છે. લાઈવ ઑડિયન્સ પાસેથી મળતા પ્રતિભાવો ડિજિટલ પ્લેટફોર્મ પાસેથી મળી શકવા અસંભવ છે. નાટકની વાત કરીએ તો એનો ભજવનાર તેમજ તેને જોનાર પ્રેક્ષક બંને એકબીજા સાથે તાદાત્મ્ય જાળવીને એક ચોક્કસ વાર્તાને અનુભવવામાં ઓતપ્રોત હોય છે, પરંતુ ડિજિટલ માધ્યમમાં આ સંધાન તૂટી જાય છે. ભાવનાની આપ-લે અંગેની એ આખી વાત જ અલૌકિક છે, માટે એની સરખામણી ક્યારેય ઑટીટી સાથે ન થઈ શકે. એ પણ ખરું કે, આવનારા સમયમાં મોનોલોગ અથવા દ્વિપક્ષી સંવાદો ધરાવતા પર્ફોમન્સ માટે ડિજિટલ માધ્યમ ખરેખર ઉપયોગી નીવડી શકે એમ છે. પહેલાના સમયમાં પેટ્રોમેક્સ પર નાટકો થતાં. ત્યારબાદ ઇલેક્ટ્રિસિટી આવી, માઇક આવ્યા, માઈક્રોફોન આવ્યા, કોડલેસ આવ્યા અને હવે પિન માઈકનો યુગ પણ આવી ચૂક્યો છે. સમય પરિવર્તનશીલ છે. આવતીકાલે ડિજિટલ માધ્યમનો પણ કોઈક વિકલ્પ આવી જાય એવું પણ શક્ય છે ખરું!’

(2) કીર્તિદાન ગઢવી
‘લોકડાઉનના શરૂઆતી સમયમાં જ્યારે ચૈત્રી નવરાત્રિ ચાલી રહી હતી ત્યારે મેં મારી યુટ્યુબ ચેનલ પર ‘કજ્ઞભસ-ડાયરો’ નામે એક સરસ મજાનો પ્રોગ્રામ મૂકેલો. ઑનલાઇન લોકડાયરાની એ શરૂઆત ગણી શકાય. આજે ગુજરાતનાં ઘણા નામાંકિત લોક-કલાકારોએ આ પ્રથાનું અનુસરણ કરીને ઑનલાઇન ડાયરાના આ ટ્રેન્ડને આગળ ધપાવ્યો છે. કલાના ભાવકો અને ચાહકો સંગીતનો શુન્યાવકાશ ન અનુભવે એ માટે આ પગલું ઉઠાવવું જરૂરી હતું. એ પછી તો બે-અઢી મહિના દરમિયાન મેં ઇન્સ્ટાગ્રામ લાઈવ પણ ઘણા કર્યા, જેમાં કૈલાશ ખેર સહિતના દિગ્ગજ સંગીતકારો સાથે સાંયુજ્ય રચીને સૂર-તાલ પર દર્શકોને ઑનલાઇન ડોલાવ્યા. બીજી એક ખાસ વાત એ છે કે, કલાકારો માટે લાઈવ ઑડિયન્સ અત્યંત મહત્વની હોય છે. હું સ્ટુડિયોમાં વગર પ્રેક્ષકે પણ ગાઈ શકું છું, પરંતુ દરેક કલાકારોના કિસ્સામાં આ વાત એટલી સરળ નથી. કેટલાક કલાકારો માટે આ સમયગાળો અત્યંત મુશ્કેલ પણ પૂરવાર થઈ રહ્યો છે. પરંતુ દરેક રાત પછી દિવસ ઊગતો જ હોય છે! આશા રાખીએ કે કોરોનાકાળ પણ જલ્દી આથમે અને એક નવો આશાસ્પદ સૂર્યોદય થાય!’

(3) ભવ્ય ગાંધી
‘ઘણા લોકોની ફરિયાદ હતી કે ‘ગુલાબો સિતાબો’ એમને ન ગમી, જેની પાછળનું એક કારણ ઘરની ચાર દીવાલો છે એવું સ્પષ્ટપણે માનું છું. શક્ય છે કે આ ફિલ્મ આપણે કોઈ જાતની ખલેલ વિનાના થિયેટરના ક્ધટ્રોલ્ડ વાતાવરણમાં જોઈ હોત તો ખૂબ મજા આવી હોત! મહાન ફિલ્મો ક્યારેય પ્રોફિટ માટે નથી બનતી. ઘણા ફિલ્મ-મેકર્સ એવા છે, જેઓ સમાજને આયનો દેખાડવા માંગે છે, એમના માટે ડિજિટલ માધ્યમ વરદાનરૂપ છે. અહીં આંકડાની ભાગદોડ કે સ્પર્ધા નથી, બોક્સ-ઓફિસની હોડ નથી જામી. કઈ ફિલ્મ 100 કરોડ કમાઈ અને કોની ફિલ્મે 200 કરોડનો વકરો કર્યો એ અહીંયા જાહેર નથી થતું, જે ખૂબ સારી બાબત છે.’

(4) શ્રદ્ધા ડાંગર
‘ફાયદા અને ગેરફાયદા બંને છે! સમયની અનુકૂળતા પ્રમાણે ઑનલાઇન કોન્ટેન્ટ જોઈ શકાય છે એ લાભ ગણી શકાય, પરંતુ ઑટીટી કોન્ટેન્ટ થિયેટરમાં બેસીને ફિલ્મ માણવા જેવો લાર્જર ધેન લાઈફ અનુભવ નથી આપી શકતું! આપણા સૌરાષ્ટ્રમાં લોકમેળો અત્યંત પ્રચલિત છે. તો એની સાથે હું ઑટીટીને સરખાવું ત્યારે સમજાય છે કે, ડિજિટલ શો અથવા ફિલ્મો એ ખાલી મેળામાં મહાલવા જેવી બાબત છે! પરંતુ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મેળાની અસલી મજા તો ભીડભાડમાં જ આવે. એકલદોકલ માણસ મેળામાં કદાચ ફરી શકે, પરંતુ તેનો લુત્ફ ન ઉઠાવી શકે!’

(5) સંજય ગોરડિયા
‘પહેલા ફિલ્મોની વાત કરીએ. નિર્માતા અગર નિશ્ચિત સમયમર્યાદાની અંદર પોતાની ફિલ્મ રીલિઝ ન કરે તો તેને વધુ પડતું વ્યાજ ચૂકવવાની પરેશાનીનો સામનો કરવો પડે છે, આથી ઓછા પ્રોફિટ સાથે પણ કદાચ તે પોતાની ફિલ્મ ઑટીટીને વેચી દેશે. પરંતુ નાટકોનો કેસ અલગ છે. જ્યાં સુધી મારુ નાટક હજારો લોકોની લાઈવ ઑડિયન્સ સુધી ન પહોંચે ત્યાં સુધી તેના કોપીરાઇટ્સ હું ઑટીટી અથવા અન્ય માધ્યમોને નથી આપતો. અત્યારે જે નાટકો ઑનલાઇન દર્શાવાઈ રહ્યા છે, એમાં નિર્માતાએ કશું જ ગુમાવવાનું નથી રહેતું, કારણકે એ પ્રીમિયમ નાટકો નથી. પરતું મુંબઈના કમર્શિયલ નાટકોની વાત કરીએ તો કમર્શિયલ રાઇટ્સ, ડિજિટલ રાઇટ્સ, ઑટીટી રાઇટ્સ અને ડીવીડી વેચવાના રાઇટ્સ અલગ અલગ હોય છે. લાંબાગાળાનો વિચાર કરીએ તો, નાટકો માટે તો તે બિલકુલ પ્રોફિટેબલ નથી અને ફિલ્મ માટે પણ નહીં જ! ઑટીટી જ અગર ભવિષ્ય હોત તો રોહિત શેટ્ટીએ શા માટે ‘સૂર્યવંશી’ હજુ સુધી વેચી નથી? કારણકે તેને ખ્યાલ છે કે ‘સૂર્યવંશી’ એ ફક્ત સિનેમાઘર માટે બનેલી ફિલ્મ છે, ઑટીટી માટે નહીં.’

(6) સમય શાહ

‘બિઝનેસ અને નફા-નુકશાનની વાતને કોરાણે મૂકીએ તો મને એવું લાગે છે કે, કોઈ પણ કૃતિ (ચાહે એ ફિલ્મ હોય કે વેબસીરિઝ)ને દર્શક મળવો જરૂરી છે. માધ્યમ કોઈ પણ હોય, એની સાથે લેવાદેવા નથી. ‘દિલ બેચારા’ જેવી ફિલ્મને કારણે સાબિત થઈ ગયું છે કે થિયેટરમાં જ કોઈ ફિલ્મ કરોડો કમાઈ શકે એ જરૂરી નથી. અગર ફિલ્મ-મેકર અને તેની ફિલ્મમાં દમ હશે તો ઑટીટી પર પણ તે સારું પર્ફોમન્સ આપી જ શકશે. સાથોસાથ એ પણ નક્કી છે કે, કોરોનાની વેક્સિન ભારતમાં આવી ગયા બાદ ફરી વખત આપણે પહેલાની માફક રૂટિન એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમમાં ગોઠવાઈ જઈશું.’

(7) જય સોની

‘ઑટીટી આજના યુગની ડિમાન્ડ છે. કોઈ ફિલ્મ તૈયાર થઈને દોઢ-બે વર્ષોd સુધી રીલિઝ જ ન થાય તો તેનો અર્થ શું છે? એના બદલે ઑટીટી એમને પોતાનું એક અલગ પ્લેટફોર્મ પૂરું પાડે છે તો ખોટું શું છે? ફિલ્મ પાછળ પુષ્કળ લોકોનો ખૂન-પસીનો એક થાય છે, કરોડો રૂપિયા ખર્ચાઈ જાય છે. એવામાં પ્રોડ્યુસર આખી ટીમની મહેનત લેખે લગાડવા માટે તેને ઑટીટી માધ્યમોને વેચે એમાં મને કશું ખોટું નથી જણાતું. અંગત રીતે મને થિયેટરમાં ફિલ્મો જોવી વધુ ગમે છે. પરંતુ અગર આપણે ‘ન્યુ નોર્મલ’ની વાત કરતાં હોઈએ તો હવે ડિજિટલ માધ્યમને સ્વીકાર્યે જ છૂટકો!’

(8) વિરલ રાચ્છ

‘આપણી પાસે હવે એક આખો વર્ગ એવો છે, જે ઓનલાઈન કોન્ટેન્ટનો ચાહક છે, જે પોસ્ટ-કોરોનાયુગમાં પણ સ્ક્રીન્સ પર અવનવી કૃતિ જોતો રહેશે. ઇનસાઇડરના માધ્યમથી ગુજરાતી નાટકોનો સૌથી પહેલો ટિકિટ-શો જ્યારે મેં કર્યો ત્યારે કેટલાક પ્રેક્ષકોને ટેક્નોલોજી સાથે ઓછી નિસબત હોવાને કારણે થોડી પરેશાની નડી, આમ છતાં ‘દ્રષ્ટિ’ નામના મારા એ નાટકના મેં બેક-ટુ-બેક ત્રણ શો યોજયા. દર્શકોએ ઉત્સાહભેર ટિકિટ્સ ખરીદીને એ માણ્યા પણ ખરા! થિયેટરનું કોઈ રિપ્લેસમેન્ટ ન હોઈ શકે, પરંતુ હાલની સ્થિતિમાં આ વિકલ્પને કારણે ગુજરાતનાં ઘણા અંતરિયાળ વિસ્તારો સુધી અમે ડિજિટલી પહોંચી શક્યા છીએ. તદુપરાંત, મારા નાટકની ટિકિટ્સ જલંધર, ચેન્નાઈ, કલકત્તાની ઑડિયન્સ દ્વારા પણ ખરીદાઈ. ફક્ત એટલું જ નહીં.. અમેરિકાના પ્રેક્ષકોએ ઘરે બેઠા તેનો લુત્ફ ઉઠાવ્યો એ વાતની પણ મને ખુશી છે. સમય સાથે ચાલતા રહેવામાં જ આનદ છે.