લાશ જસદણ-ખાનપર રોડ પર ફેંકીને હત્યા કરનારા ફરારઃ મૃતક હરેશ રાત્રે દારૂની મહેફીલમાં ગયો’તો ત્યાં બોલાચાલી બાદ હત્યા થયાનુ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુઃ ર બાળકો નોંધારા

આટકોટ : જસદણ ના ખાનપર ગામનાં કોળી યુવકની હત્યા કરી લાશ જસદણ પોલીસની હદમાં ખાનપર રોડ ઉર સ્વામીનારાયણ મંદિર પાસે રોડ ઉપર કારમાંથી કે બીજા કોઇ વાહનમાંથી ફેંકી હત્યારાઓ નાસી છૂટયા હોય પોલીસે હત્યારાઓની કડી મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે આ બનાવ બાદ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે.

બાબરા તાલુકાના ખાનપર ગામનાં રહેવાસી અને ખાનપરમાં પાનની દુકાન ધરાવતા હરેશભાઇ સોમાભાઇ કિહલા ઉ.વ.૩ર ઉર્ફે ગભલો ગઇ રાત્રે ઘરેથી બહાર જવાનું કહી નિકળ્યો હતો.

બાદ વ્હેલી સવારે જસદણ-ખાનપર રોડ ઉપર અજાણી લાશ પડી હોવાનું જસદણ પોલીસને કોઇએ જાણ કરતા જસદણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને તપાસ કરતા મૃતક ખાનપરનો હરેશ હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં હરેશની બીજી જગ્યાએ હત્યા કરી લાશ અહીં ફેંકી હોવાનું બહાર આવ્યું છે.

મૃતકના ચપ્પલ, બીડી અને મોબાઇલ પણ લાશ પાસે પડયા છે.

મળતી માહિતી મુજબ હરેશ દારૂ પીવાની આદત ધરાવતો હતો અને ગત રાત્રે પણ તે દારૂ અને નોન-વેઝની પાર્ટીમાં ગયો હતો અને ત્યાં કોઇ કારણોસર પાર્ટીમાં સામેલ બીજા લોકો સાથ બોલાચાલી થઇ હોય મામલો હત્યા સુધી પહોંચ્યો છે.

મૃતક હરેશે ગામમાં જ પ્રેમ લગ્ન કર્યા છે અને મૃતકના સંતાનમાં બે બાળકો છે. હરેશ સામે અગાઉ પણ પ્રોહીબીશન એકટ હેઠળ ગુના નોંધાયા હોવાનું પણ જાણવા મળ્યુ છે. હરેશ બે ભાઇઓમાં મોટો છે. આ બનાવની જાણ થતાં જસદણના પીઆઇ જોષી, પી. એસ. આઇ. કોડીયાતર, બીટ જમાદાર રાજાભાઇ વકાતર ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે.

આ બનાવની જાત તપાસ માટે ગોંડલ ડીવાયએસપી અને એફ. એસ. એલ. ની ટીમ પણ જસદણ પહોંચી ગયા છે.

હરેશ કોળીની હત્યા કરનારા પોલીસનાં હાથ-વેંતમાં

આટકોટ બાબરાના ખાનપર ગામનાં હરેશભાઇ સોમાભાઇ કિહલા (કોળી) ની હત્યાનાં આરોપીઓના સગડ પોલીસને મળી ગયા હોવાનું આધાર ભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

હરેશની હત્યા બાદ બે જેટલા આરોપીઓએ મળી હરેશની હત્યા નિપજાવી લાશ જસદણ-ખાનપર રોડ ઉપર ફેંકી દીધી હતી. જસદણ પોલીસે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ બાતમીદારોને કામે લગાડી તપાસ કરતા જસદણ પોલીસને આ બનાવમાં બે હત્યારાઓનાં નામ મળી ગયા છે તેમને ગંધ પણ ન આવે તે રીતે જસદણ પોલીસે હત્યારાઓને હાથ-વગા કરવા ટીમો બનાવી આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. (અહેવાલ: કરશન બામટા – આટકોટ)