ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે CSKના મોનુ સિંહનો રિપોર્ટ હજી આવ્યો નથી. બંનેનો બુધવારે ટેસ્ટ થયો હતો. રિપોર્ટ આવ્યા પછી ધોની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝનમાં રમવા 14 ઓગસ્ટે ચાર્ટર્ડ પ્લેન દ્વારા ચેન્નાઇ જવા રવાના થશે.કોરોનાવાયરસને કારણે આ વખતે IPL 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEમાં રમાશે. CSKની ટીમના ખેલાડીઓ UAE જતા પહેલા 15 ઓગસ્ટથી ચેન્નાઇમાં ટ્રેનિંગ કેમ્પમાં જોડાશે. CSKની ટીમ 21 ઓગસ્ટે UAE જશે.

ધોનીએ રાંચીમાં ઇન્ડોર પ્રેક્ટિસ શરૂ કરી

ટીમમાં જોડાતા પહેલા ધોનીએ રાંચી સ્થિત ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (JSCA) માં ઇન્ડોર પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. પ્રેક્ટિસ દરમિયાન, કોરોનાને લીધે બોલર કે અન્ય કોઈને પણ આવવાની પરવાનગી મળી નહોતી. આ કારણોસર, ધોની બોલિંગ મશીન દ્વારા પ્રેક્ટિસ કરી રહ્યો છે.