રાજવી પરિવારના યુવરાજ હિમાંશુસિંહજીએ આરોગ્ય વિભાગને અર્પણ કરી એમ્બ્યુલન્સ…

ઓર્ચાડ પેલેસ ખાતે ચાવી અર્પણ કરતો કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજોયો

ગોંડલ. હાલ ગોંડલ પંથકમાં કોરોના કેસ ખૂબ જ વધતા હોય તેવા સંજોગોમાં પોઝિટિવ દર્દીને રાજકોટ લઈ જવામાં એમ્બ્યુલન્સ પણ મળતી નથી. આ વાત ગોંડલના રાજવી જ્યોતિન્દ્રસિંહજી અને યુવરાજ હીમાંશુસિંહજીને ધ્યાને આવી હતી. ગોંડલના કોઈ કોરોના પોઝિટિવ દર્દીને એમ્બ્યુલન્સ બાબતે જીવ જોખમમાં ન મુકાય તેવા ઉમદા હેતુથી તાત્કાલિક નવી એમ્બ્યુલન્સ ગોંડલને ભેટમાં આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ એમ્બ્યુલન્સમાં દરેક કંપનીમાં વેઇટિંગ ચાલતું હોય અને જો ગોંડલને સમયસર એમ્બ્યુલન્સ ન મળે તો કોઈ દર્દીનો જીવ જોખમમાં મૂકાય જાય. આવું વિચારી જ્યોતિન્દ્રસિંહજીએ પોતે ઇનોવા કાર ઉપયોગમાં લેતા તે કારને જ એમ્બ્યુલન્સ બનાવી ડેપ્યુટી કલેક્ટરને સોંપી દીધી હતી. આમ લોકશાહીમાં પણ રાજાશાહીના દર્શન જોવા મળી રહ્યા છે.

1934માં બિહારના ભૂકંપ વખતે મહારાજા સર ભગવતસિંહજીએ 1 લાખ આપ્યા હતા
ડેપ્યુટી કલેક્ટરે આ કાર આરોગ્ય વિભાગને સોંપી દીધી છે. આજના લોકશાહીના યુગમાં પણ ગોંડલની પ્રજાએ રાજાશાહીના દર્શન કર્યા. આવી વિકટ પરિસ્થિતિમાં પણ રાજવી પરિવારે ગોંડલની પ્રજાની ચિંતા કરી તે સરાહનિય છે. ઉલ્લખનીય છે કે ગોંડલ પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીનું સૂત્ર હતું કે ‘સૌથી પહેલા ગોંડલ’ અને ‘પોતાના પહેલા બીજા’ એ સૂત્ર સાર્થક રાજવી પરિવારે કર્યું છે. ભારત દેશમાં જ્યારે જ્યારે વિકટ પરિસ્થિતિ આવી છે ત્યારે ગોંડલ રાજવી પરિવારે સહયોગ આપ્યો છે.1934માં રાજાશાહી વખતમાં બિહારના વિનાશક ભૂકંપ સમયે સંકટ નિવારવા મહારાજા ભગવતસિંહજી તરફથી 1 લાખ રૂપિયાની સહાય કરી તેમજ કવેટા ધરતીકંપમાં પણ 1 લાખની સહાય કરી હિંદભરમાં ખ્યાતિ મેળવી હતી. આ તકે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, યુવરાજ હિમાંશુસિંહજીએ ખરા અર્થમાં આજે રાજ ધર્મ નિભાવ્યો છે.

એમ્બ્યુલન્સ લોકાર્પણ સમયે હાજર રહેલા મહાનુભાવો
એમ્બ્યુલન્સ લોકાર્પણ પ્રસંગે ગોંડલના યુવરાજ હીમાંશુસિંહજી ઓફ ગોંડલ, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ન.પા પ્રમુખ અશોકભાઈ પીપળીયા. કારોબારી અધ્યક્ષ પૃથ્વીસિંહ જાડેજા તથા શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા, ગોંડલ શહેર મામલતદાર જાડેજા, તાલુકા મામલતદાર ચુડાસમા, પોલીસ ઇન્સ્પેકટર રામાનુજ અને આરોગ્ય વિભાગના ડો.ગોયલ હાજર રહ્યા હતા.