સ્માર્ટ ફોનના શિપમેન્ટ્સ ટ્રેકર આઇડીસીના ડેટા અનુસાર એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન કુલ ૧૮ મિલિયન સ્માર્ટ ફોન વેચાયા હતા. જે તેની અગાઉના વર્ષના સમાન સમયગાળા દરમિયાન ૩૭ મિલિયન સ્માર્ટફોનનું વેચાણ થયું હતું.

વિતેલા એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન કોરોના વાઇરસના પગલે અમલી બનાવાયેલ લોકડાઉન સહિતની અન્ય પ્રતિકૂળતાઓ પાછળ સ્માર્ટ ફોનના વેચાણમાં ૫૧ ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ ઉપરાંત લોકડાઉનના અમલના કારણે સપ્લાય ચેઇન પર પણ પ્રતિકૂળ અસર થવા પામી હતી. જેમાં ટ્રાન્સપોર્ટેશનની પ્રતિકૂળતાએ પણ મોટો ભાગ ભજવ્યો હતો.

બીજી તરફ સરહદે તનાવભરી સ્થિતિના કારણે ચાઇનીઝ માલનો બહિષ્કાર કરવાની ઝુંબેશ પ્રબળ બનતા તેની પણ સ્માર્ટ ફોનના બજાર પર પ્રતિકૂળ અસર થઇ હતી. ચાઇનીઝ વસ્તુઓના બહિષ્કારના પગલે એપ્રિલ-જૂન ત્રિમાસિક દરમિયાન ચાઇનીઝ બ્રાન્ડના સ્માર્ટ ફોનના વેચાણમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો.

બજારના જાણકારોના મત મુજબ ચાલુ નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન એટલે કે જુલાઇથી સપ્ટેમ્બર ત્રિમાસિકમાં પણ વેચાણમાં ઝડપી સુધારો થાય તેમ જણાતું નથી. હવે વેપારીઓ દિવાળી પર્વની રાહ જોઇ બેઠા છે. તહેવારોની આ સિઝન દરમિયાન લોકો નવી ખરીદી માટે નીકળે તેવી સંભાવના છે.