નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોનાને અંકુશમાં લેવા માટે સૌથી વધુ પ્રભાવિત ૧૦ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી મંથન કર્યું હતું. તેમણે કોરોનાને અંકુશમાં લેવા રાજ્યોને ૭૨ કલાકની ફોર્મ્યુલા અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે કોરોનાના સંક્રમણની ઓળખ મેળવવામાં અને તેને રોકવામાં આપણે સફળ થઈ રહ્યા છીએ. એક્ટિવ કેસની ટકાવારી ઘણી ઓછી થઈ છે. રિકવરી રેટ સતત ઘટી રહ્યો છે. મતલબ કે આપણા પ્રયાસો સફળ થઈ રહ્યા છે. લોકોમાં ડર ઘટાડવાનું તેમજ આત્મવિશ્વાસ વધારવાનું ઘણું જરૂરી છે.

મોદીએ ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, તેલંગણા, આંધ્રપ્રદેશ, બિહાર, પંજાબ, તામિલનાડુ અને કર્ણાટકના મુખ્યપ્રધાનો સાથે કોરોના સામે કેવી રીતે લડવું તેની ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે જો દેશના સૌથી વધુ પ્રભાવિત ૧૦ રાજ્યો કોરોના પર કાબૂ મેળવી લેશે તો ભારત કોરોના સામેનો જંગ જીતી શકશે. ગુજરાત, બિહાર, યુપી, પશ્ચિમ બંગાળ અને તેલંગણામાં ટેસ્ટિંગ વધારવાની જરૂર છે.

શું છે ૭૨ કલાકની ફોર્મ્યુલા?

મોદીએ નિષ્ણાતોને ટાંકીને રાજ્યોને ૭૨ કલાકની ફોર્મ્યુલા અપનાવવા અપીલ કરી હતી. જો શરૂઆતનાં ૭૨ કલાકમાં સંક્રમણ શા કારણે થયું તેનો ખ્યાલ આવી જાય તો કેસો ઘટાડી શકાય છે. ૭૨ કલાકમાં સંક્રમિત વ્યક્તિઓ અને તેની નજીક આવેલા તમામ લોકોનો ટેસ્ટ થવો જરૂરી છે.